
- એય, સાંભળે છે?
પ્રેમભર્યા સ્પર્શના ફળ રૂપે દિમાગે આપેલો ઓક્સિટોસીન હાર્મોન મુખ્ય ભૂમિકામાં આવી જાય પછી પુરુષ ખૂબ પ્રેમ હોવા છતા ય પોતાના કામ અને ભવિષ્યમાં ફોક્સ કરી શકે, સ્ત્રી બાળકના ઉછેરમાં લાગે…પછી એક જીવનભરનો એક સોલીડ બોન્ડ બની રહે, એટ્લે સાયન્સ ઓકસીટોસીનને ‘બોંડિંગ હાર્મોન્સ’ કહે છે.
યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે એવા દિવસોમાં રામ એક સાંજે બેઠા છે, એમાં લંકાનગરી તરફથી તેજ પવન આવવાનો શરુ થયું, રામ પવનની આ દિશા જોઇને ઉભા થયા, પોતાના વિશાળ બાહુઓ ફેલાવીને પવનને ઉદ્દેશીને કહે છે , "હે પવન, આવ હવે તું મને પણ સ્પર્શ કર, તું લંકાનગરી તરફથી આવી રહ્યો છે, ક્યાંક તું મારી સીતાને પણ સ્પર્શીને આવ્યો હશે."
વાલ્મિકીએ આલેખેલી આ પ્રેમની ઉત્કટતા તો દેખો, મિત્રો!
જેની સાથે પ્રેમ છે એને આલિંગવાની આવી અદમ્ય ઝંખના એ આપણી અંદર પ્રેમ ધબકયા કરે છે, એનો અવાજ છે. આલિંગન-ભેટવું-બાથમાં લેવું-ગળે લગાડવું-Hug કરવું એ કદાચ મોસ્ટ બ્યુટીફુલ મેડિટેશન છે, પણ આ મેડિટેશનની અનુભૂતિ કોઈ એકલો ના કરી શકે, બે લોકો જોઈએ. એકબીજાને ચાહતા હોય એવા, એમની ચાહતમાં જેટલી શિદ્દ્ત વધુ, એટલી વધુ સુંદરતા એમનું હગ પામે છે.
પ્રેમ દિલ દિમાગનો દ્વંદ્વ થતો હોય છે પણ એની વચ્ચે એક જાણવા જેવી વાત એ પણ છે કે આપણે જેને દિલ આપ્યું હોય એને ગળે લાગીએ ત્યારે દિમાગ શું કરે છે? વિજ્ઞાન એવું કહે છે કે બેઉ એકબીજાના પ્રિયજન હોય, બેઉને જ કોઈ ખાસ સમયે એકમેકને ગળે લગાડવાની તલપ આવી હોય ત્યારે એમની વચ્ચે થયેલું દસ સેકન્ડથી લાંબા હગની અનુભૂતિ રૂપે બેઉનું દિમાગ કુદરતી રીતે જ oxytocin હાર્મોન રીલીઝ કરે. આ ઓક્સીટોસિન હાર્મોન્સને જનરલી ‘લવ હાર્મોન’ કહે છે. જે હૂંફાળો હાર્મોન્સ છે, બધો જ સ્ટ્રેસ શોષી લેનારો હાર્મોન્સ છે. કોઈ માણસ કે (ઇવન પશુ-પ્રાણી-પક્ષી) પોતાના પ્રિયપાત્રને પ્રેમ કરે જેમાં ખાસ સ્પર્શ, હગ, કિસ, સેક્સ કરે ત્યારે પ્રાકૃતિક રીતે માઇન્ડ આ વોર્મફૂલ એવો oxytocin હાર્મોન રીલીઝ કરે.
એકબીજાને ચાહતા બે પાત્રો વચ્ચે જ્યાં સુધી પ્રેમાળ સ્પર્શ નથી થતાં ત્યાં સુધી ઓક્સિટોસીન ક્યાંય એમની વચ્ચે આવતો નથી. ત્યારે એમના દિમાગ ઉત્તેજક અને કિક આપે ડોપામાઈન, સેરોટોનિન, એન્ડૉરફીન જેવા હાર્મોન્સ રીલીઝ કરતાં હોય છે. જેને ચાહતા હો એને માત્ર યાદ કરવાથી, એના વિચારો કરવાથી, એનો ફોટો કે એને જોવાથી કે એની સાથે વાત કરવાથી આવા હોર્મોન્સ રીલીઝ થાય છે. આ હાર્મોન્સ મારા બેટા લત-વ્યસન જેવા છે. માણસ પ્રેમના એ પહેલા સ્ટેજમાં હોય ત્યારે એની ફિલિગ્સના વૃંદાવનમાં ઉછળ કૂદ કરતાં આ વાંદરા જેવા આ ત્રણેય હાર્મોન્સને લીધે વ્યક્તિ જરૂરી કામમાં ય એટલું ફોક્સ ન કરી શકે, પ્રેમ ઈશ્વરનું બીજું રૂપ છે પણ જો આમ જ ચાલે તો દુનિયા કેમ ચાલે…?! માટે નેચરે બનાવ્યો હશે ઓક્સિટોસીન…
એકબીજાને ચાહતા બે પાત્રો નજીક આવે, સ્પર્શે, અને એ બેઉ વચ્ચે જે પણ ફિઝિકલ એક્ટ થાય થાય ત્યારે એમની લાઈફમાં ઓક્સિટોસીનની એન્ટ્રી થાય...અને એ હૂંફાળો હાર્મોન્સ એક ખાસ પ્રકારનું બોંડિંગ બનાવે એ બેઉ ચાહનારા વચ્ચે. વારંવાર સ્પર્શ, હગ, કિસ, સેક્સ થાય ઓક્સિટોસીન રીલીઝ થતો રહે. એમાં ય ઓર્ગેઝમમાં ટોટલ બ્લાસ્ટ થાય છે આ હાર્મોન્સનો. અને છેવટે સ્ત્રી પ્રેગનન્ટ બને, એ બેઉનું સંયોજન એવું ત્રીજું જીવ એમની લાઈફમાં આવે, એ બાળક પિતાની ગોદમાં આવે ત્યારે એનામાં ક્યારેય ફિલ ના થઈ એવી સુકોમળ ફિલિંગ્સ સાથે વધુ રિસ્પોસીબલિટી અનુભવે ઓક્સિટોસીનના લીધે જ...આ ઓક્સીટોસિનને લીધે જ એ બાળક માતાની છાતીએ લપાય ત્યારે માતાની છાતીમાં દૂધ ઉભરાય .અને એ સાથે એ ત્રણેય વચ્ચે ફેવિકોલ કરતા પણ મજબૂત જોડ જેવો બોન્ડ બનાવે આ ઓસ્સમ ઓક્સિટોસીન...
જસ્ટ લવર કે જસ્ટ પતિ પત્ની હોય એ જેવા પેરેન્ટ્સ બને કે પેલા વાંદરા જેવા હાર્મોન્સ અલમોસ્ટ શાંત થાઇ જાય અને ઓક્સિટોસીન મુખ્ય ભૂમિકામાં આવી જાય, પછી પુરુષ ખૂબ પ્રેમ હોવા છતા ય પોતાના કામ-ભવિષ્યમાં ફોક્સ કરી શકે, સ્ત્રી બાળકના ઉછેરમાં લાગે...અને એ બધામાં એક જીવનભરનો એક સોલીડ બોન્ડ બની રહે, એટ્લે સાયન્સ ઓકસીટોસીનને ‘બોંડિંગ હાર્મોન્સ’ કહે છે. સ્ત્રીમાં નેચરલી વધુ ઓક્સિટોસીન બને છે, માટે એનો બોન્ડ વધુ સ્ટ્રોંગ હોવાનો પુરુષની સરખામણીમાં.
ક્યારેક આર્ટિફિસિયલ-કુત્રિમ રીતે પણ ઓક્સિટોસીન ઈંજેક્ટ કરવામાં આવે છે, કોઈ સ્ત્રીને સમય થઈ ગયો હોવા છતાં પણ પ્રસવ પીડા ના થતી હોય ત્યારે...પ્રસવ પછી બ્લીડિંગ ના રોકાતું હોય કે બાળક માટે પૂરતું દૂધ ના આવતું હોય ત્યારે...એવી કેટલીક મેડિકલ કન્ડિશનમાં ઓક્સિટોસીન આપવામાં આવે. ભારત સરકારે થોડા વર્ષ પહેલા ઓક્સિટોસીનની ઇમ્પોર્ટ અને યુઝ પર સખત નિયમો બનાવ્યા છે. કેમ કે અળવીતરી માણસજાતે એના પણ દુરુપયોગ શરૂ કરેલા, ફ્રૂટ્સ અને શાકભાજીના જલ્દી પકવી કે કદમાં મોટા કરી દેવા, પશુઓને હદથી વધુ દૂધ દેતા કરવા માટે, છોકરીઓમાં સમય પહેલા જ યુવાની લાવવા માટે જેવા કેટલાક ના કરવા જેવા યુઝ એના થવા માંડ્યા. માટે કુત્રિમ ઓકસીટોસીનના યુઝ પર લદાયા કેટલાક પ્રતિબંધ...
પણ ઓક્સિટોસીનની નૈસર્ગિક નીપજ પર કોઈ પાબંદી નથી. એ વહેતો રહેશે જ્યારે તમે તમારા પ્રિયજન સાથે ફિઝિકલ રોમાન્સ કરશો, પ્રેમ કરશો, હગ કરશો ત્યારે...
હોંકારો:
રામાયણમાં એક રાતે રામ ચંદ્રને જુવે છે અને સ્વગત બોલે છે: "અહી હું ચંદ્રમાને જોઉં છે , ત્યાં સીતા જોતી હશે, આ રીતે ય અમારી ચાર આંખોનું મિલન થઈ રહ્યું છે."
- કાનજી મકવાણા