
- નાની નાની વાતો
દાસી જીવણ એવા સંત કવિ છે જેમના ભજનો ગહન મધુરા છે. ગુજરાતનો ભાગ્યે જ કોઈ ભજનિક મળે જેણે જીવનમાં દાસી જીવનનું કોઈ ભજન ન ગાયું હોય. સુંદર રૂપકોથી ઊંડાણ ભરી વાત કરતાં આ સંતનું કવિત્વ ખુબ નિરાળું છે.
આજથી લગભગ બસો વર્ષ પહેલાની અષાઢી પુનમ છે, ગોંડલ પાસે આવેલું ઘોઘાવદર ગામ છે, અષાઢી રાતના વાદળ ઘેરા આકાશમાં ગુરુ પુનમનો ચન્દ્ર ખીલ્યો છે. એવે ટાણે ગામના એક ખોરડાની પરસાળમાં ગોખના દીવા અને ચન્દ્રના અજવાળે એક આધેડ આદમી હાથમાં એકતારો લઈને બેઠો છે. આંટીયાળી પાઘડી છે, પાઘડીમાંથી બહાર આવતા લાંબો વાળનો ચોટલો છે, કપાળે કુમકુમનો ચાંદલો, ગળામાં તુલસીની માળા અને હાથમાં બલાયો. એકતારાના સુરે એ વ્યક્તિ ભજન ઉપાડે છે:
સદગુરુએ મુંને ચોરી શિખવાડી
હે... જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.
તનથી નર છતાં મનથી નારીભાવ ધરેલ કરેલ એ વ્યક્તિ હતા સંત જીવણ ભગત, ભગતને જોઇને લોકો કહેતા કે ‘જીવણ જગમાં જાગિયા, નરમાંથી થિયા નાર; દાસી નામ દરસાવિયું, એ રાધાના અવતાર.’ પોતાને ત્રિલોકના શેઠની દાસી તરીકે ઓળખાવતા રાધાભાવધારી આ સંતને સૌ ‘દાસી જીવણ’થી ઓળખે છે. દાસી જીવણ એવા સંત કવિ છે જેમના ભજનો ગહન મધુરા છે. ગુજરાતનો ભાગ્યે જ કોઈ ભજનિક મળે જેણે જીવનમાં દાસી જીવનનું કોઈ ભજન ન ગાયું હોય. સુંદર રૂપકોથી ઊંડાણ ભરી વાત કરતાં આ સંતનું કવિત્વ ખુબ નિરાળું છે.
આ ભજનમાં જ જુવોને આ સંતકવિ કેવો ઉઘાડ કરે છે કે, સદગુરૂએ મને ચોરી શીખવાડી... આપણે વિચારતા થઇ જઈએ કે ચોરી તો હીન કાર્ય છે, સદગુરૂએ ચોરી શા માટે શીખવે?, આપણા પ્રશ્નનો જવાબ આપણે આગળ મળે છે, જીવણ ભગત કહે છે કે જ્ઞાન ગણેશિયો ઘડાયો... ગણેશીયો એટલે પહેલાના વખતમાં ચોર ખાતર પાડવા જાય ત્યારે વપરાતું એક મહત્વનું ઓજાર છે, જેનાથી ભલભલા તાળા તૂટી જાય, મજબુત કમાડ ઉઘાડી જાય. અહીં સદગુરુ પોતાના શિષ્યને જ્ઞાનનો ગણેશીયો છે. આ જ્ઞાન ગણેશીયાથી ભીતરની તરફ ખાતર પાડવાનું છે. આ દેહરૂપી કિલ્લો જેમાં અંદર પરમતત્ત્વ આત્મારૂપી અંશ થઈને વસે છે. ત્યાં પહોચાવાનું છે. જીવણભગત આગળ કહે છે:
પવનરૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે…
ભારતીય દર્શન મુજબ આપણો દેહ પોતે જાણે એક નગર છે, ‘પુરી’ છે, એમાં બોતેર હજાર નાડીઓ, છ ચક્રો અને નવ દ્વાર છે. એ નાડીઓમાં પ્રાણશક્તિ વહે છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આપણે જોઈએ તો મોટેભાગે મનુષ્યોની ગતિ અધોગતિ તરફ હોય છે. તો અહીં કવિ એ પ્રાણનો ઘોડો પલાણી એને ઉલટી દિશામાં દોડાવે છે, જે દિશા ખરેખર તો ઉર્ધ્વગતિની છે. આપણી બોતેર હજાર નાડીઓમાં ઈડા, પિંગલા અને સુષુમ્ણા ત્રણ મુખ્ય નાડીઓ છે. આપણી નાસિકાની ડાબી બાજુની નાડી એટલે ઈંડા જેને જમુના પણ કહેવાઈ છે અને જમણી બાજુની નાડી એટલે પિંગલા જેને ગંગા પણ કહેવાઈ છે...આ બેઉમાં આપણે એક સમયે આપણે એકના આધારે જ તરતા હોઈએ. યોગ અવસ્થાની પ્રાપ્તિ ત્યારે શક્ય છે જ્યારે બેઉ નાડી સમાન ચાલે જેને સુષુમ્ણા કહીએ છીએ. તો આમ ગંગા જમુના ઘાટ ઉલંઘી યોગસ્થ થવાનું છે.
બીજી રીતે જોઈએ તો આપણે ત્યાં ઇન્દ્રિયોને પણ ઘોડાનું રૂપક અપાય છે. ઇન્દ્રિયો આપણને દુન્યવી દિશામાં જ દોડાવતી હોય છે પણ અહીં એમ જોઈએ તો એ ઇન્દ્રિયો પણ પલાણ માંડીને એને ઉલટી ચાલ ચલાવવી એટલે જિતેન્દ્રિય થતા જઈને અંદરની તરફ જવાનું કહેવાયું છે એમ સમજીએ તો પણ ખોટું નથી.
અને સાધક જ્યારે અલખ ઘરના આંગણે પહોંચે છે તો એ ઘર કેવું છે?
ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ન્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકી માંઈ જાગે રે…
ગંગા જમુના પાર કર્યા બાદ સુષુમ્ણા જાગૃત થતાં એકસમાન પ્રાણની ધમણ ચાલી રહી છે અને વીજ ચમુકે તો એ પ્રાણશક્તિનો પ્રકાશનું અજવાળું રેલાઈ રહ્યું છે. આ જ્ઞાનજ્યોતનો અને આતમજ્યોતનો પ્રકાશ છે. અનહદ નોબત રે એટલે એ સાધકની ભીતરનો અનહદ નાદ છે. સાધક જગતને બહાર છોડીને ભીતર કમાડ ઉઘાડતો જાય છે એમ એમ બહારનો અવાજ ઓછો થતો જાય અને અંદરનો નાદ સ્પષ્ટ થતો જાય છે.
પણ આગળની વાટ આસાન નથી, આગળ દાસી જીવણ ગાઈ છે કે,
સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએ મુંને મૂક્યો રે,
નામની તો નિસ૨ણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે…
આગળની વાટ વસમી છે, સાંકડી શેરીઓ છે. એ આપણી દેહરૂપી બંધનોની, મનરૂપી ચંચળતા અને સંકુચિતતાની સાંકડી ગલીઓ છે. ત્યાં સાધકને માલમી એટલે સદગુરુએ મુક્યો છે. સાધક આવી સાંકડી શેરીઓમાં આગળ વધતો પરમતત્ત્વનો ઉંચો મહેલ છે ત્યાં હરિનામની નિસરણી કરીને એના ઝરુખે પહોંચે છે.
શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમે પેસારો કીધો રે,
પેસતાંને પાસમણિ લાધી, માલ મુગતિ લીધો રે…
જીવણભગતે પોતાની આ યાત્રાને ચોરીની ઉપમા આપી છે એ યાદ રાખીએ તો સમજાય કે શીલ અને સંતોષની પરીક્ષારૂપી બાકોરાંમાં થઈને જ આગળ વધાય છે. પણ આગળ જરૂરી છે પ્રેમ ભીની ભક્તિની. એનાથી જ પેસારો શક્ય છે. અને સાધક પામે છે મુક્તિ.આ જન્મ અને અનેક જન્મોના બંધનોમાંથી મુક્તિ લાધે છે.
બહાર દુનિયાની ભાષામાં તો નાની મોટી ચોરી કે અપ્રમાણિકતા કે ચાલાકીઓ કરીને માણસ પામીપામીને શું પામી શકે? પણ આ ભીતરની ચોરીમાં કવિ ધન્ય થતા કહે છે કે,
આ રે વેળાએ હું ઘણું જ ખાટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચ૨ણે, મારો ફેરો ફાવ્યો રે…
સદગુરુ ચોરી શીખવે તો પણ એ આવી અનન્ય ચોરી હોય જે ફેરો સફળ કરી દે... કેટલું સુંદર ભજન છે આ !
કસુંબો:
એવું કહેવાય છે કે અલગ અલગ સત્તર ગુરુઓના શરણ સેવ્યા બાદ દાસી જીવણને સદગુરુ સાંપડ્યા હતા. એ સદગુરુ એટલે ભીમસાહેબ...રવિભાણ પરંપરાનું એક ઉજળું નામ એટલે ભીમસાહેબ.
- કાનજી મકવાણા