Home / GSTV શતરંગ / Kruti Shah : Laziness Kruti Shah

શતરંગ / આળસશાસ્ત્ર

શતરંગ / આળસશાસ્ત્ર

- નોન ફિલ્ટર્ડ

"હું મુશ્કેલ કામ કરવા માટે આળસુ વ્યક્તિને પસંદ કરું છું. કારણ કે આળસુ વ્યક્તિ તે કરવા માટે સહુથી સરળ રસ્તો શોધી લેશે."

- બીલ ગેટ્સ

કામઢા માણસોની દુનિયામાં આળસુ હોવું શરમદાયક ઘટના માનવામાં આવે છે. વર્ષો સુધી મને પણ મારી આળસને લઈને ગિલ્ટ રહ્યા કર્યો. જો કે સમયે સમજાયું કે આળસ એક એવી આવડત છે જેના વગર સંસાર આટલો સગવડદાયક હોત. વાહનથી લઈને વોશિંગ મશીન સુધીની શોધખોળો આળસવીરોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જરા જુઓ તમારી આસપાસ. જેટલા પણ સાધનો તમે વાપરો છો કામ કરનાર લોકોને કામ આવે માટે ઇન્વેન્ટ થયા છે ને?

આળસુ અવતારો દુનિયાને મળેલ ઈશ્વરીય આશીર્વાદ છે, જેમના કારણે જીવનની જટિલતા ઘટે છે. આળસશાસ્ત્ર પર ઘણું ઓછું લખાયું છે એનું કારણ પણ પ્રબુદ્ધ આળસવીરોની આળસ છે. આળસવીરોની આળસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.

આળસવીરોને કોઈ પણ કામ આપવામાં આવે ત્યારે તેઓ બિનજરૂરી વાતોમાં સમય બગાડતા નથી અને મેઈન પોઇન્ટ પર ફોકસ્ડ રહે છે. એમનું એકમાત્ર ધ્યેય હોય છે વહેલામાં વહેલી તકે કામ પતાવવું અને પથારી ભેગા થવું. તેઓ એક કામ કરવાની વિવિધ વિધિઓ પર પૂરતો વિચાર કરીને ઓછામાં ઓછી એનર્જી વપરાય એવી રીતે કામ પાર પાડે છે. સમયનો સાચો સદુપયોગ આળસુ વ્યક્તિથી વધારે સારી રીતે કોઈ કરી શકે.

આળસવીરો સહુથી વધારે ક્રિએટિવ હોય છે (અને મોટાભાગના ક્રિએટિવ લોકો આળસુ હશે). એમના જીવનનો મોટાભાગનો સમય કામને બદલે કલ્પનાઓ કરવામાં વીતતો હોય છે. ને એમની કલ્પનામાં પણ કામનો ભાગ નહિવત્ હોય છે. કોઈ પણ સમસ્યાનું સહુથી સરળ સોલ્યુશન તમને અહીંથી મળશે.

આળસવીરો દુનિયાના દસ્તુરથી ઈમોશનલી ઈમ્યૂન થઈ ગયેલા હોય છે. હાર્ડવર્કને હેપિનેસનો માર્ગ માનતા લોકો ગમે તેટલી લવારી કરે રાખે, તેઓ બ્રહ્મજ્ઞાન પામી ચૂક્યા હોય છે કે કામના કષ્ટ કરતા આળસનો અફસોસ વધારે વ્યાજબી છે.

આળસવીરો મોટેભાગે પ્રમાણિક અને સત્યવાદી હોય છે, કારણકે જૂઠ બોલવું અને એને યાદ રાખવું એમની આળસને માફક આવતું નથી. લડવું ઝગડવું એમને એનર્જીનો વ્યય લાગે છે. નકામી બાબતે નડતા નવરાઓથી અંતર કરીને કોઈને નડ્યા વગર નિજાનંદમાં મસ્ત રહીને તેઓ સાચા અર્થમાં જીવન માણતા હોય છે. એમને મહત્વના કોઈ કામ માટે સામેથી ના નથી પાડવી પડતી કારણ કે એમની આળસને જાણીને કોઈ એમને એવા કામ આપતું નથી.

આળસવીરો એકંદરે ધીરજવાન હોય છે. એમને પથારી ભેગા થવા સિવાય કોઈ વાતની ઉતાવળ નથી હોતી. કે કોઈ કામ પાર પડશે કે નહી એની ચિંતા હોય છે! એમના આરામથી વધારે અગત્યનું એમના માટે કંઈ હોતું નથી. જીવનમાં કયા કાર્યો બિનજરૂરી છે જાણવું હોય તો એમનો સંપર્ક કરવો.

આળસવીરો મોટેભાગે પ્રોકાસ્ટીનેટર હોય છે, પરંતુ એમની પીપલ્સ સ્કિલ્સ બેનમૂન હોય છે. પોતે ટાળી શકે એવા દરેક કામ બીજા માણસો પાસે કરાવવાનું મેનેજમેન્ટ એમને બાય ડીફોલ્ટ ડેવલપ કરેલું હોય છે. કામ પધરાવવામાં તેઓ પાવરધા હોય છે.

અહીં સ્પષ્ટ કરવું રહ્યું કે આળસુ અને ઊંઘણશી બે અલગ અલગ પ્રજાતિઓ છે. બંનેના લક્ષણો અને લક્ષ્ય અલગ અલગ હોય છે. આળસવીરો આરામદાયક સ્થિતિમાં સમય વ્યતીત કરી શકાય એવી એકટીવિટીઝ કરવાનું પસંદ કરે છે. જ્યારે ઊંઘણશીઓ ઊંઘવા સિવાય કોઈ એકટીવિટીમાં ઇન્ટરેસ્ટેડ હોતા નથી. આળસુ વ્યક્તિ ઊંઘણશી હોય જરૂરી નથી પણ એક ઊંઘણશી કાયમ આળસુ હોય છે.

ખાસ નોંધઃ આ લેખ ગયા અઠવાડિયે આપવાનો હતો. પણ મારી આળસ...

- કૃતિ શાહ