
- નોન ફિલ્ટર્ડ
એકતરફી પ્રેમ એટલે શું?
એકતરફી પ્રેમ એટલે એક એવો સંબંધ કે જ્યાં બે વ્યક્તિઓની સંવેદનાઓ સમાન સ્તર પર નથી! બંનેના અહેસાસ ને અપેક્ષાઓ એકબીજાથી અલગ છે! જ્યાં એક પાત્ર પ્રેમમાં છે અને બીજાનું દિલડું દોસ્તીથી આગળ વધવા તૈયાર નથી!
પણ દોસ્તી એટલે શું? ‘એ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં એક ડાયલોગ છે કે ‘प्यार में जुनून है, पर दोस्ती में सुकून है।‘ દોસ્તી એટલે પ્રેમનું એવું સ્વરૂપ જે ઝૂનુનથી પર, શાંતિ ને સહજતા આપે. પ્રેમનું પ્યોરેસ્ટ સ્વરૂપ એટલે દોસ્તી.
અને એ એકતરફી દોસ્તીનું દર્દ એકતરફી પ્રેમ કરતાં ઘણું વધારે હોય છે. પ્રેમ કરનાર માટે ઈઝી હોય છે પોતાના પ્રેમને વ્યક્ત કરવો. એની અપેક્ષાઓ સ્પષ્ટ હોય છે. એને સાથ જોઈએ છે શરતો સાથે. પ્રેમભરી વાતો, રોમાન્સ કે સેક્સ વિનાનો સાથ એના માટે અધૂરો છે. એ આયખું વિતાવી દે છે એના અધૂરા અરમાનો પૂરા થવાની આશમાં, એની અધૂરી ફેન્ટસીની ફરિયાદમાં. પણ શું સામે છેડે રહેલી વ્યક્તિ માટે બધું સંપૂર્ણ હોય છે?
એને નથી થતી એ તીવ્રતા મહેસૂસ. પણ શું એને કંઈ જ મહેસૂસ નથી થતું? શું સહેલું હોય છે એના માટે સંબંધમાં સતત સામેવાળાની અધૂરી ઈચ્છાઓનો ભાર લઈને જીવવું? પ્રેમભરી વાતો નથી થઈ શકતી, એટલે એ પ્રેમ જ નથી? રોમાન્સ નથી તો લાગણી પણ નથી? સેકસ ન કરી શકે તો સંબંધમાં જ નથી? એ સ્વીકારે છે સામેવાળા પાત્રના પ્રેમને, પણ શું સામેવાળી વ્યક્તિ સ્વીકારી શકે છે પોતાની અપેક્ષાથી અલગ એવા એના પ્રેમને? એ આપે છે શરતો વગર સાથ, પણ શું એને પણ સામે એવો સાથ મળી શકે છે? ઓપોઝિટ જેન્ડર માટેનું આકર્ષણ કુદરતે બક્ષેલું છે. પરંતુ જ્યારે એ શારીરિક સંબંધથી પર, માનસિક સ્તરે હોય ત્યારે એ સહુથી સરળ, નિર્મળ ને અચળ હોય છે.
ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં પોતાના અધૂરા પ્રેમની પીડામાં તડપતી અંજલિ જ્યારે ટ્રેનમાં બેસીને જતી હોય છે ત્યારે જેટલી વેદના એની અંદર હોય છે, એટલી જ રાહુલની આંખોમાં પણ હોય છે! ‘जब मुझे अपनी सबसे अच्छी दोस्त की जरूरत थी, तुम तो थी ही नहीं।‘ - આ શબ્દો પાછળની પીડા અને એકલતા તો જેણે એ જીવી છે એ જ જાણે છે. સહજીવન શક્ય નથી એટલે સાથ જ છોડી દેવાનો?? આ તે કેવો પ્રેમ કે જે થોડી અધૂરી અપેક્ષાઓ ના જીરવી શક્યો? એવું કેવું ઝૂનુન કે જે સુકુન જ છીનવી લે? શરતી સંબંધ ક્યારેય પ્રેમ ન હોઈ શકે. એકતરફી પ્રેમના નામે સંબંધની સહજતા સમાપ્ત કરનારા કદી એ દોસ્તના એકતરફી સમર્પણને સમજી શકવાનો પ્રયત્ન કરે તો જાણી શકે કે વાસ્તવમાં પ્રેમ કોને કહેવાય!
- કૃતિ શાહ