
- નોન ફિલ્ટર્ડ
"આ વેકેશનમાં ફરવા જવું જ છે..."
વેકેશનના લગભગ બે મહિના પહેલાં અમારા એટલે કે ઘરની બે ફિમેલો દ્વારા બહાર પાડવામાં આવેલા ફતવાને જ્યારે કોઈ પણ જાતના વિરોધ પ્રદર્શન વિના નોકરીના ચાકર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો ત્યારે આવનાર અચ્છે દિનની કલ્પના સાથે અમે લગભગ ૨૦:૧૪ થી શરૂ કરીને ૨૦:૧૯ સુધી, એટલે કે પૂરી પાંચ મિનિટ નાચ્યા ને નાચીને થાક્યા એટલે અમે સીધું માંગ્યું કાશ્મીર. પણ એમ જો કાશ્મીર મેળવવું સરળ હોત તો પાકિસ્તાન આજે લોટ માટે વાટકો લઇને થોડું બેઠું હોત?
અચ્છે દિન માટે અમારા ઘરના નિર્મલ સીધારામ દ્વારા બજેટમાં અમને આપવામાં આવ્યા ટોટલ ૫ દિવસ. એ સમયે અમારા મનોભાવ આધાર માંગતા ભાવિકોને આધાર કાર્ડ પકડાવી દીધા હોય એવા જ હતા. પણ માર્ચની મોંઘવારીમાં તો જે મળે એ માતાજીનો મોહનથાળ, એમ મનને મનાવીને અમે પંચદિવસીય યોજના ઘડવામાં લાગી ગયા.
કાશ્મીરથી સીધા કચ્છ પર આવ્યા બાદ આબુ અંબાજીથી લઈને દીવ દમણ ને સૌરાષ્ટ્રથી લઈને સાપુતારા સુધીના વિવિધ પ્રસ્તાવ શાસકપક્ષ, વિરોધપક્ષ તથા પરચુરણ પક્ષ દ્વારા પાર્લામેન્ટમાં મુકવામાં આવ્યા. તૂટે નહી એ રીતે ટેબલ ખુરશીઓ ઠોકવામાં આવી ને અડધા વાક્યે વૉકઆઉટ પણ કરવામાં આવ્યા. જો કે સત્રને અંતે સહુ વિકલ્પો ૫૦૦/૧૦૦૦ ની નોટ બનીને રહી ગયા. કારણ તો કોને ખબર!
જોબ કરફ્યુ શરૂ થવા આડે ૨૪ કલાકથી પણ ઓછો સમય હતો ને બંને મુખ્ય પક્ષો પોતપોતાના વિકલ્પના ફેવરમાં થાળી વેલણ અથડાવતા હતા. આખરે ગુજરાતની આ પનોતી પુત્રીએ શ્રી શ્રી શ્રી સરકારશ્રીનું સ્મરણ કર્યું. વિશ્વગુરુશ્રીના વિચારમાત્રથી દિવ્યદ્રષ્ટિનો સંચાર થયો. મહામાનવના માર્ગે માર્ગદર્શન મેળવીને એમની જ નિર્ણય લેવાની પ્રક્રિયા અનુસરવી એવો ઠરાવ પૂર્ણબહુમત દ્વારા પસાર થયો ને અમે ફોન અનલૉક કરીને ડિજિટલ સિક્કો સ્પિન કર્યો.
આયેગા તો કૌન આયેગા? હેડ્સ યા ટેઈલ? પૂરી ૧.૫૬ મિનિટના અંતે આખરે આ ઝૂલતા પ્રકરણનો અંત આવ્યો. ને અમે ૩ જણ, ૪ પૈડાંવાળા પેટ્રોલરથમાં, ૫ દિવસ માટે, ૬ થેલા લઈને જઈ પહોંચ્યા અમદાવાદ. હા, વડોદરાથી અમદાવાદ... લગભગ ૧૧૧ કિલોમીટર... એટલે કે ફક્ત ૨ કલાક દૂર... જો ભરઉનાળે માથે પોટલા મૂકીને ભૂખ - તરસ - માંદગી સાથે ચાલતા ના જવું પડે તો!
- કૃતિ શાહ