
- નોન ફિલ્ટર્ડ
૧. જીવનમાં દુઃખ શાશ્વત છે. એકલા દુઃખી થવા કરતાં બેકલા દુઃખી થવું સારું. ને એ દુઃખના કારણો ય ના આપવા પડે કોઈને. સૌ જાણતા જ હોય કે મેરીડ છે એટલે જ દુઃખી છે!
૨. ભણેલા ગણેલા, વ્હાઇટ કૉલર જોબ કરતાં ખુરશીના બટેટાઓને સાંજ પડે ને મસાજ જોઈએ. નહીં તો સવારે ફરી ખુરશી સુધી પહોંચાય જ નહીં. રોજે રોજ તો સ્પામાં જવું ક્યાં પોસાય? અહીં પેલા સાસુના દીકરા/દીકરી કામ આવી શકે. *GST લાગુ.
૩. પૈસા તો કમાવી લેવાય. પણ એને જીવનજરૂરી ચીજવસ્તુઓ ને ખોરાકમાં કન્વર્ટ કરવા કોઈ તો (અહીં મોટેભાગે પત્નિ) જોઇશે ને? ૨૦૦૦/- ની નોટો થોડી પરબારી ખાવાના? ને ગમે ત્યારે ફોન કરીને દૂધ, શાક, દહીં લેતા આવજો વાળા ઓર્ડર ખાલી સાત ફેરાના ઘાટી (અહીં મોટેભાગે પતિ) જ લેશે!
૪. કુંવારા હોવ તો ગામ આખું તમને નવરું માની કામ ઠોક્યાં કરે. લગ્ન પછી મોઢું જોઈને કામ આપવાનું માંડી વાળે – કે આના મગજના ઠેકાણા નથી લાગતા, ખોટું કામ બગાડીને આવશે!
૫. માન્યું કે આજકાલ તો વગર લગ્ને, વગર પાર્ટનરે વંશના વાંદરા પેદા કરી શકાય છે. પણ એ સાવ વાંદરા જેવા પાક્યા એનો બ્લેમ વાંઢાઓ કોની પર મૂકે?
૬. માણસનું જીવન ટ્રબલશૂટીંગ પર ટકેલું છે. એડવેન્ચર એન્ડ થ્રિલ, યુ નો! સતત પ્રોબ્લેમ ફ્રી લાઈફ જીવતા માણસોને જીવન જ પ્રોબ્લેમ લાગવા લાગે! લગ્ન આવી શક્યતાને ધરમૂળથી ખતમ કરી દે છે.
૭. માણસ સતત ક્યારેય સફળ રહી નથી શકતો ને મોટેભાગે પોતાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી ય નથી શકતો. આવા સમયે ‘જો આની સાથે પરણ્યો ના હોત તો ક્યાંય હોત અત્યારે...’ વાળી કરીને ઈગો બચાવી લેવાય!
૮. આપણા લક્ખણ આપણે તો જાણતા જ હોઈએ. જેની સાથે તમે ખુદ ન રહી શકો એવા તમને તો કોણ જીવનભર સાથ આપે? અહીં લગ્ન સંસ્થાનો સહુથી વધારે લાભ લઈ શકાય! વધારે પડતાં હહુતરવેડાં ના કરો તો થોડુંઘણું એડજેસ્ટ કરીને ય પાર્ટી પડયું પાનુ નિભાવી લે.
૯. માણસ ભૂખનો ભિખારી છે. પેટની ભૂખ તો ભાંગી શકે જાતે, પણ ભાવ ખાવાને કોઈક તો જોઈએ ને? વળી પાછી એ જ વાત આવે કે કાળી કુતરી ય જોઈને રસ્તો બદલી દે એવા આપણા જેવાઓને તો કોણ ભાવ આપે? પણ સાત ભવનું લેણું આ ભવમાં ઉતારવા માટે ઉતાવળા બનેલા ભાવિકો પાસે તમે ભરપૂર ભાવ લઈ શકો! (પુરુષોએ આ અખતરો પોતાના રિસ્ક પર કરવો)
૧૦. અને છેલ્લે, હકથી લડવા ય કોઈ જોઇશે મિત્રો! કારણ વગર, ગમે તે સમયે, ગમે તેનો સાચો - ખોટો ગુસ્સો કે અકળામણ કાઢવા માટે ય એક સાથી જોઇશે. જીવનની સાંજે જવાબદારીઓનો થાક ઉતારવાને વિસામો જોઇશે. એક ખભો જોઇશે ને એક ખોળો ય જોઇશે. ઢળતી ઉંમરે શરીરમાં લોહી ઘટે તો લોહી પીવા ય કોઈક તો જોઇશે જ!
- કૃતિ શાહ