
- ગીતા Talks
ખેતી લગતી એક કહેવત છે કે ‘ઊંડું ઓર, ભીનામાં ઓર...” ઓરવું એટલે આપણે જમીનમાં બીજ રોપીએ એ...એ બીજ ભીની જમીનમાં અને ઊંડું રોપવાનું છે. બસ બાકી એ ઉગાડવું એ આપણાં હાથમાં નથી.
અત્યારે ચાલી રહેલી પેરીસ ઓલમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવવાનું ગૌરવ મનુ ભાકરે અપાવ્યું છે. પોતાની જીત બાદ પોતાના અભિગમ અને માઈન્ડ સેટ વિશે બાવીસ વર્ષીય મનુએ કહ્યું કે, “અહીં સુધી પહોંચવામાં મને ભગવદ ગીતા ખુબ મદદે આવી છે. મારા આખરી શોટમાં પણ એ ગીતાવાક્ય જ માનસમાં હતું કે મારે જે કરવાનું છે એ મારી પૂરી પ્રતિબધ્ધતા સાથે કરવાનું છે. પછી એનું પરિણામ જે આવે તે. મારું ફોકસ કર્મ હતું, પરિણામ પર નહીં.”
મોટાભાગે ઉલટું જોવા મળે છે કે લોકોને પરિણામ અને કાર્યના ફળમાં જેટલો રસ અને લાલચ હોય છે એટલું સમર્પણ કે પ્રયાસો કામમાં હોતા નથી. એ વચ્ચે મનુ ભાકરના નિવેદનથી એમ થાય કે દેશના યુવાનો આ રીતે વિચારે આનંદની વાત છે!
હમણાં ગામડાના એક ખેતરમાં જવાનું થયું. ત્યાં ખેતરમાં જે ફેમિલી રહેતું હતું, એને જોઈ જાણીને વિચારતા કૃષ્ણની કહેલી વાત પણ આવતી કે આ નાના ખેડૂતના મોઢાની કોઈ રેખામાં શહેરની કોઈ કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં ઓફિસર જેટલા સ્ટ્રેસનો અંશ ય નથી. બાકી આમ જોઈએ તો પેલા ઓફિસરને તો બાંધી સેલેરી છે-શહેરોમાં આટલા બધા એન્ટરટેઇનમેંટ ઇલેમેંટ્સ છે. વિકેંડમાં રજાઓ છે કે હરી-ફરીને મન હળવું કરી શકે. આવું ઘણું હોય છે. સીધી રીતે જોઈએ તો સ્ટ્રેસનું કોઈ કારણ નથી. ને બીજું બાજુ ત્યાં જોઈએ તો ખેડૂતે જે બધુ કામ કર્યું છે, એનું ફળ ખુલ્લા આકાશ નીચે રેઢું પડ્યું હોય છે. એમાં કાઇપણ થઈ શકે, અતિવૃષ્ટિ થઈ-અનાવૃષ્ટિ થઈ શકે. ચોરાય શકે, કશું પણ બની શકે...પણ છતાં એ ખેડૂતને આ કોર્પોરેટ વર્લ્ડ જેટલો સ્ટ્રેસ નથી હોતો. એ રાત્રે વધુ સારી ઊંઘ લેતો હોય છે.
કારણ?
ઘણા નાનામોટા કારણો હોય શકે પણ મોટું કારણ: “કર્મણ્યે વાધીકારસ્તે મા ફલેશું કદાચન...” પેલા ઓફિસર કામ તો કરે જ છે પણ સામે કેટલા બધા ટાર્ગેટ હોય છે. મેં આમ કામ કર્યું તો સામે મારે આ ટાર્ગેટ તો એચિવ થવા જ જોઈએ..ને આ ટાર્ગેટની આશા રાખવી એ ય કઈ ખોટી વાત નથી કેમ કે કામ કર્યું છે તો પરિણામની સહજ અપેક્ષા રહે જ. પણ પ્રોબલ્મ ત્યારે શરૂ થાય જ્યારે એ ટાર્ગેટ પર અધિકાર શરૂ થાય. એટલે એ ટાર્ગેટ એચિવ થયા પહેલા અને ના થાય તો છેલ્લે સ્ટ્રેસ શાંતિ ન લેવા દે એવો હોય. જ્યારે ખેડૂતે ય કામ દિલથી કરે છે...ને એ ય આટલો પાક ઉતરશે-એનો આ ભાવ આવશે-એમાથી આ આ કામ કરવાના છે, વગેરે આશાઓ-આયોજનો તો કરે જ છે, પણ છતાં કામ કરીને રાત્રે શાંતિથી સૂઈ શકે છે, કેમ કે એ ફળ પર જડબેસલાક અધિકાર નથી રાખતો, આ ખેડૂતની લાઈફમાં જાણતા કે અજાણતા જ ગીતાનો લાઈફ લેશન પ્રેકટિસમાં મુકાય ગયો છે. આજે જે પાક લહેરાતો દેખાય છે એમાં કાલે અતિવૃષ્ટિ કે રોગ આવી શકે કે ખેતરમાં જનાવર આવી શકે, છેલ્લે માર્કેટમાં વેચવા ટાણે ભાવ બેસી જાય...આ બધી બાબતોનો ક્યાંકને ક્યાંક પહેલાથી સ્વીકાર છે, અનુભવ છે. ખેડૂત એના હાથમાં છે એટલું કરે છે બાકી કુદરત પર છોડી દે છે.
ખેતી લગતી એક કહેવત છે કે ‘ઊંડું ઓર, ભીનામાં ઓર...” ઓરવું એટલે આપણે જમીનમાં બીજ રોપીએ એ...એ બીજ ભીની જમીનમાં અને ઊંડું રોપવાનું છે. બસ બાકી એ ઉગાડવું એ આપણાં હાથમાં નથી. હું હાઉસવાઈફ છુ ને મારે દહીં જમાવવું હોય તો ભલે એ પ્રોપર રીતે મેળવ્યું હોય છતા મેળવ્યા બાદ મારે ઘડીએ ઘડીએ ચેક ન કરવાનું હોય...એ છોડી દેવું પડે...સૌને અનુભવ હશે કે એક જ રીતે દહીં જમાવવા છતાં ઘણી વાર એ ન પણ જામે... આપણાં જીવનમાં નાના મોટે પાયે બનતું જ રહે છે, એનો સ્વીકાર કરી આગળ વધી જવું...
ગીતા વિચાર:
આપણે ત્યાં અત્યારે આટલા બધા મોટીવેશનલ પુસ્તકો છે, યોગ-મેડિટેશન,દવાઓ વગેરે છે છતાં સ્ટ્રેસ ફ્રી નથી રહી શકાતું. એનું સાવ એક શબ્દમાં સોલ્યુશન અહીં લાગે છે, પ્રયત્નો જેટલા થઈ શકે એટલા કરવાના છે પણ એના બદલામાં અધિકાર નહીં પણ ‘સ્વીકાર’….
‘કર્મણ્યે વાધીકારસ્તે મા ફલેશું કદાચન...’માં જે ‘સ્વીકાર’ની વાત છે ને એ સ્વીકારીને સતત કામ કરતું રહેવું,એફર્ટ કરતાં રહેવા એ લાઇફમાં પ્રેકટિસમાં મૂકવું અઘરું છે. પણ જો એ પ્રેકટિસમાં આવી ગયું ને કોઈ મેડિટેશન કે મોટીવેશનલ બુક્ની જરૂર ના પડે.
- મિલી મેર