Home / GSTV શતરંગ / Mili Mer : Mind is neither loved nor disliked by Krishna but… Mili Mer

શતરંગ / કૃષ્ણને મન કોઈ પ્રિય કે અપ્રિય નથી પણ…

શતરંગ / કૃષ્ણને મન કોઈ પ્રિય કે અપ્રિય નથી પણ…

- ગીતા Talks

કૃષ્ણને દુર્યોધન માટે પણ કોઈ અંગત દ્વેષ નથી. એટલે જ યુદ્ધમાં દુર્યોધન પોતાની નારાયણી સેના આપે છે. જો એવો અંગત દ્વેષ હોય તો કોઈ પોતાનું સૈન્ય શા માટે આપે? પણ અર્જુન કૃષ્ણમાં પ્રેમથી લીન રહેનાર છે. તો કૃષ્ણ એના સારથિ રૂપે એની સાથે પ્રત્યક્ષ છે.

 

જૂની ‘દીવાર’ ફિલ્મ વિશે લગભગ સૌ કોઈ જાણતું જ હશે. અમિતાભ બચ્ચન અને શશિકપૂર બેઉ ભાઈઓ છે. પિતાની ગેરહાજરીમાં બેઉ ભાઈઓ એની માતા (નીરૂપા રોય) સાથે બહુ કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈને મોટા થયા છે. એમાં મોટોભાઈ ખોટા રસ્તે સ્મગલર બનીને બહુ મોટો માણસ થઈ જાય છે. નાનોભાઈ એમ જ મહેનત કરીને પ્રામાણિક પોલીસ ઈન્સ્પેકટર બને છે. પણ એ પોલીસ બને ત્યારે એને ખ્યાલ આવે કે પોતાનો મોટોભાઈ તો એક વોંટેડ ક્રિમિનલ છે. એ આ વાત પોતાની માતાને પણ જણાવે છે. બેઉ ભાઈ વચ્ચે સંઘર્ષ થાય છે. વાત લાંબી છે, ફિલ્મમાં અદભૂત ડાયલોગ છે, પણ નાનોભાઈ શશિકપુર મોટા અમિતાભને કહે કે, “ભાઈ, તું જો આ બધુ બંધ કરીને સરેન્ડર ન કરવાનો હોય તો આપણે સાથે નહીં રહી શકીએ, હું આ જ ઘડીએ આ ઘર છોડું છું,” અને માને સાથે આવવા કહે છે. અમિતાભ કહે છે કે, “તારે જવું હોય જા પણ મા ક્યાંય નહીં જાય...મા અહીં જ રહેશે...”

પણ ત્યારે મા કહે છે કે, “હું જઈશ...” હવે આગળની વાતનો સૌને ખ્યાલ છે. એટલે એ વાત નથી કરવી, પણ આપણે ત્યાં માતાને ઈશ્વરનું બીજું રૂપ કહે છે. અને અહીં આ ફિલ્મમાં માએ જેવું સ્ટેન્ડ લીધું ને… બસ એજ ઈશ્વરનો-પૂરી સૃષ્ટિનો અભિગમ છે.આપણે આ વાતને ગીતાના શ્લોકના સંદર્ભમાં સમજીએ…

ગીતાના નવમા અધ્યાયના 29માં શ્લોકમાં કૃષ્ણ કહે છે:

समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ।
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥9.29॥

અહીં કૃષ્ણ અર્જુનને કહે છે કે, “જો, હું બધા જીવોમાં એટલે કે (સર્વભૂતેષુ) સમાન રીતે રહેલો છું. ન તો કોઈ મને અપ્રિય છે કે ના તો કોઈ પ્રિય- न मे द्वेष्योऽस्ति न प्रियः પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે, તેઓ મારામાં છે અને હું એમનામાં પ્રત્યક્ષરૂપે પ્રગટ છું”

આગળ આપણે ફિલ્મની વાત કરી એમાં એક માતા તરીકે એને બેમાથી કોઈ એક દીકરો વધુ પ્રિય કે કોઈ દીકરો અપ્રિય નથી...એના માટે તો બેઉ સામાન છે, બેઉમાં એનો અંશ છે પણ એમાંથી જે દીકરો સાચા રસ્તે છે, તો મા એની સાથે પ્રત્યક્ષ રહે છે.

કૃષ્ણ પણ એ જ કહે છે. મને એમ અંગત રીતે કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી. પણ જો આટલું જ હોય તો સૃષ્ટિને કેમ ચલાવી શકાય?

એટ્લે આગળ બીજી પંક્તિમાં એ કહે છે: “પણ એમાથી જે મને પ્રેમથી ભજે છે, તેઓ મારામાં અને હું એનામાં પ્રત્યક્ષ છું.”

કૃષ્ણને દુર્યોધન માટે પણ કોઈ અંગત દ્વેષ નથી. એટલે જ યુદ્ધમાં દુર્યોધને પોતાની નારાયણી સેના આપે છે. જો એવો અંગત દ્વેષ હોય તો કોઈ પોતાનું સૈન્ય શા માટે આપે? પણ અર્જુન કૃષ્ણમાં પ્રેમમાં લીન રહેનાર છે. તો કૃષ્ણ એના સારથિ રૂપે એની સાથે પ્રત્યક્ષ છે. અહીં પણ મને ‘દીવાર’નો એ ફેમસ ડાયલોગ યાદ આવે. અમિતાભ શશિકપૂરને કહે કે, “આજ મેરે પાસ બિલ્ડિંગે હૈ, ગાડી હૈ,બંગલા હૈ, દૌલત હૈ...તુમ્હારે પાસ ક્યાં હૈ’ અને શશિકપૂર જ એક જ વાક્ય કહે કે, “મેરે પાસ મા હૈ.” એમ કુરુક્ષેત્રમાં દુર્યોધનને કદાચ એ અભિમાન હતું કે, “જો મારી પાસે ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વત્થામા જેવા કેટ કેટલાય મહારથી ધરાવતી અગિયાર અક્ષોહિણી સેના છે, શું છે તારી પાસે...?” ત્યારે અર્જુને માત્ર એક જ વાક્ય કહેવાનું હોય કે, “મેરે પાસ ક્રિશ્ન હૈ.”

જૈન પરંપરામાં એવું કહેવાય છે કે જગતમાં સંબંધો ત્રણ પ્રકારે જ અસ્તિત્વ ધરાવે છે: 1)મૈત્રી 2)શત્રુતા અને 3) ઔદાસીન્ય. મૈત્રી અને શત્રુતા તો સમજાય એવી વાત છે. પણ આ ત્રીજું ઔદાસીન્ય એટલે શું? એનું એક દૃષ્ટાંત જોઈએ, ભગવાન મહાવીરસ્વામીના જીવનમાં સાપ સાથે સંકળાયેલા બે પ્રસંગો છે. એક ઘટના છે: જેમાં અત્યંત ઝેરી એવો ચંડકૌશિક નામનો નાગ મહાવીર સ્વામીના પગે ઝેરી દંશ મારે છે, બીજી ઘટના એવી છે: જેમાં નાગ રાજા ધરણેન્દ્રદેવ મહાવીર સ્વામીના ચરણોને ભક્તિથી સ્પર્શે છે. પહેલી ઘટના આપણને અપ્રિય લાગે છે અને બીજી પ્રિય લાગે એવી છે, પણ જૈન યોગ શાસ્ત્ર કહે છે આ બેઉ ઘટનાઓમાં મહાવીરસ્વામિની ચિત્તવૃતિ સમાન હતી. બસ આ સમાન ભાવ એ જ ઔદાસીન્ય. ન મે દ્વેષોસ્તિ ન પ્રિય:.

આ શ્લોક પર આજે આપણે ઉઘાડ કરીએ પણ એને રોજબરોજના જીવનમાં વધુ સરળતાથી સમજવા આવતા શુક્રવારે અહીં ગીતા talksમાં આગળ પ્રયાસ કરીશું.

ગીતા વિચાર:

આંતર ચક્ષુથી આસપાસ પ્રકૃતિને નીરખીએ તો એ અનુભૂતિ થાય જ કે ઈશ્વર માણસને કેટલો પ્રેમ કરે છે

- મિલી મેર