
- ગીતા Talks
આપણે ક્યાંય ગાર્ડનમાં બેસવું હોય તો ગંદા બાંકડા પર નથી બેસતા, એમ ગમો-અણગમો તો સહજ છે, પણ એમાં આપણે બાંકડાનો દ્વેષ નથી કરવા લાગતાં. પણ આપણે માણસો અને સિચ્યુએશન માટે એવું કરીયે છીએ.
તમે ક્યારેય શાળાના શિક્ષકો કે કોલેજના પ્રાધ્યાપકોને ધ્યાનથી વિચાર્યા છે?! એક શિક્ષકને એના ક્લાસના કોઈ વિદ્યાર્થી માટે એમ અંગત દ્વેષ નથી હોતો કે કોઈ વિદ્યાર્થી અંગત રીતે પ્રિય પણ નથી હોતો. એ કોઈ વિધાર્થીને સજા કરે તો ય એ તો એટલે સજા કરે છે કેમ કે જે તે વિદ્યાર્થી ક્લાસનો લય તોડે છે. પણ એ વિદ્યાર્થી એને અપ્રિય છે એવું નથી હોતું. એમ કોઈ સ્ટુડન્ટ અધ્યાપકનો યોગ્ય આદર કરતો હોય, લગનથી ભણતો હોય, સરસ હોમવર્ક અને એક્સ્ટ્રા એકટીવીટીઝ કરતો હોય. ક્લાસના નિયમો પાળતો હોય તો એ વિદ્યાર્થી આજીવન એ શિક્ષકનો પ્રિય બની રહી એને યાદ રહે છે. એમ જ એ વિદ્યાર્થીને એના પ્રિય શિક્ષકો આજીવન એની સ્મૃતિમાં રહેતા હોય છે.
શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ પણ આવું કઈક કહે છે કે મારું કામ આવા અધ્યાપક જેવું છે.
આપણે ‘ગીતા talks’માં ગયા મંગળવારે નવમા અધ્યાયના 29માં શ્લોક પર વિચારનો ઉઘાડ કર્યો હતો. આજે એ વાતને વધુ સમજવા પ્રયાસ કરીએ. સૌ પ્રથમ આપણે શ્લોક જોઈએ. તો ગીતાના નવમા અધ્યાયના 29માં શ્લોકમાં કૃષ્ણ કહે છે:
समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ।
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥9.29॥
કૃષ્ણ અર્જુનને કહે છે કે, “જો હું બધા જીવોમાં એટલે કે (સર્વભૂતેષુ) સમાન રીતે રહેલો છું. ન તો કોઈ મને અપ્રિય છે કે ના તો કોઈ પ્રિય, પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે, તેઓ મારામાં છે અને હું એમનામાં પ્રત્યક્ષરૂપે પ્રગટ છું”
નોર્મલી લોકો એમ જ વિચારે કે ગમા-અણગમાથી તો ઈશ્વર પર થઇ શકે. આ એમના પૂરતી વાત છે. પણ આપણે પ્રિય અપ્રિયની લાગણીથી કેમ બચી શકીએ...રોજ બરોજની લાઈફમાં આવું કેવી રીતે પોસિબલ છે? સાચી વાત છે. પણ આપણે એ આ શ્લોકમાં સમજવાનું એ છે કે કૃષ્ણનો માઈન્ડ સેટ શું છે. એ કોઈ જીવને પ્રિય કે અપ્રિય નથી કહેતા.
એમ વિચારીએ આપણને જે અનુકૂળ હોય એ વ્યક્તિ કે સિચ્યુએશન આપણને પ્રિય હોય એ તો સ્વાભાવિક છે. પણ બચવાનું છે અપ્રિયના લેબલ મારવાથી, આપણે બધા આપણા વિચારો, આપની માન્યતાઓ, લોકોને લેબલ્સ મારીને બોક્ષમાં ગોઠવીને રાખીએ છીએ, સારું-ખરાબ, સાચું-ખોટું, પાપ-પુણ્ય,, સ્વર્ગ-નર્ક...કેટલી બધી પૂર્વધારણાઓ બાંધી રાખીએ...પછી આપણને આપણી ધારણાઓ જેમાં સાચી સાબિત થતી હોય એ જ ઘટના દેખાય, બીજી બાજુની ઘટના દેખાતી જ બંધ થઈ જાય. કોઈ કારણ સર એવા અનુભવ થયા વિના ય બંધાઈ જતાં પૂર્વગ્રહોથી બચવાનું છે.
આપણે ક્યાંય ગાર્ડનમાં બેસવું હોય તો ગંદા બાંકડા પર નથી બેસતા, એમ ગમો-અણગમો તો સહજ છે, પણ એમાં આપણે બાંકડાનો દ્વેષ નથી કરવા લાગતાં. પણ આપણે માણસો અને સિચ્યુએશન માટે એવું કરીયે છીએ. કૃષ્ણ એ રીતે અહીં બાઉન્ડ્રીલેસ થવાનું કહે છે.
જો કે આ જ શ્લોકને વધુ વિશાળ અર્થમાં જોઈએ તો કૃષ્ણને પીતાંબર-મોરપીછધારી એમ સીમિત સ્વરૂપમાં નથી જોવાના. એને પૂરા બ્રહ્માંડના સંચાલક તરીકે જોવાના છે. માત્ર આપણી પૃથ્વી જ નહીં, માત્ર આપણી ગેલેક્ષી કે આપણો સૂર્ય જ નહીં, એવી તો કેટલીય ગેલેક્ષીઓ અને કેટલાય સૂર્યો. આ પૂરા cosmosને,પૂરી કુદરતને કોઈ પ્રિય નથી કે કોઈના માટે દ્વેષ નથી. બધા જ જીવો, જડ અને ચેતન બધુ જ પ્રકૃતિના ઘટમાળના એક ભાગ તરીકે આવે છે અને જાય છે. એ સૌને એના સ્થળ-કાળ પ્રમાણે એક સરખી ફેસિલિટી આપે છે. એ સૌને એક સરખો પ્રકાશ, પાણી, સમય, ઓક્સિજન વગેરે આપે છે. જે જીવ સૃષ્ટિના લયને ફોલો કરે તો કુદરત એની સાથે રહે છે. અને જે સૃષ્ટિના લયને ખોરવે છે કુદરત એની સામે પડે છે. અર્જુન ભાવ હોય તો એ સાથે છે, દુર્યોધન ભાવ હોય તો સામે. હા, એમાં કર્મનો સિદ્ધાંત કન્ડિશન અપ્લાયની ફૂદડી રૂપે તો રહેવાનો જ.
ગીતા વિચાર:
જેમ આપણે કૃષ્ણને સીમિત સ્વરૂપમાં નથી જોવાના એમ કૃષ્ણ અહીં કહે કે, “યે ભજન્તિ તું માં ભક્ત્યા” એટલે કે ‘જે ભક્તો મને પ્રેમથી ભજે છે’ એ ભક્તને સીમિત અર્થમાં નથી જોવાનો. જે હાથમાં એકતારો કે કરતાલ લઇ લે એ જ ભક્ત એવું નહીં, જે માળા કરે, નિયમિત મંદિરે જાય, એ જ માત્ર ભક્ત એવું નહીં... આ શ્લોકને માઇક્રોસ્કોપમાં જોઉં તો એમ થાય કે ક્યારેક કોઈ ધર્મસ્થાનમાં ના ગયો હોય, ક્યારેય કોઈ મુર્તિ સામે હાથ ના જોડ્યા હોય એ વ્યક્તિ ય કૃષ્ણ કહે છે એવો ભક્ત હોય શકે. જે પ્રકૃતિનો લય ખોરવ્યા વિના, કોઈને ય હાનિ કર્યા વિના સહજ જીવન જીવે તો એ પણ ભક્ત જ છે. વૈદિક જ્ઞાન આવ્યું એ પહેલા ય આ જ તો મૂળ સનાતન જ્ઞાન હતું.
- મિલી મેર