
- ગીતા Talks
આપણે જ્યારે પણ કૃષ્ણની મૂર્તિ સામે માથું નમાવીએ કે લાલાને માખણ મીસરી કે સાકર ધરીએ, ત્યારે એ બાબતે પણ સજાગ રહીએ કે આપણે એની સામે શું બીજું શું ધરવાનું છે?
આપણે જેટલા પણ સંતો યાદ કરો એમણે કોઈએ ક્યાંય સુવર્ણ જડિત મંદિરો નથી બાંધ્યા. એમણે એવું કોઈ દુન્યવી દ્રવ્ય પણ ઈશ્વરને નથી ધર્યું. એમણે ધર્યું એમનું ‘હોવાપણું’... નરસિંહ મહેતા એ વખતના રૂઢિચુસ્ત સમાજનાં વિરોધ છતાં દલિતવાસમા જઈને ભજન કરે છે. તરછોડાયેલા સમુદાય વચ્ચે એ ભજન થાય છે ત્યારે એ ભજન માત્ર ભક્તિ નથી રહેતી, એવી ભક્તિ તો ઘરના ખૂણે બેસીને ય થઈ શકે, પણ મહેતાજી વાસમાં જઈને ભજન કરે છે ત્યારે એ જ્ઞાનયજ્ઞ બની જાય છે. એ નરસિંહ મહેતાનો કેવો અદભૂત જ્ઞાનયજ્ઞ હતો!
કૃષ્ણ ગીતાના ચોથા અધ્યાયમાં બધા યજ્ઞો વિશે વાત કરે છે ત્યારે એમાં ‘જ્ઞાનયજ્ઞ’ને સૌથી શ્રેષ્ઠ કહે છે! આપણે ગઈ વખતે ગીતા talksમાં ચોથા અધ્યાયના 33માં શ્લોકના સંદર્ભે જ્ઞાનયજ્ઞની વાત વિચારવા પ્રયાસ કર્યો હતો. આજે એ વિચારને જરા ઔર વિસ્તારીએ, પણ એ પહેલા એ શ્લોકને એકવાર ફરી તાજો કરી લઈએ... શ્લોક છે:
श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः परन्तप ।
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥4.33॥
શ્લોકમાં કૃષ્ણ કહે છે કે, “હે પાર્થ! દ્રવ્ય વડે એટ્લે વસ્તુઓ વડે થતાં યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. આખરે તો બધા જ કર્મો જ્ઞાનમાં જ સમાપ્ત થાય છે...”
હરિન્દ્ર દવે એમના ‘કૃષ્ણ અને માનવસબંધો’ પુસ્તકમાં એક સરસ વિધાન લખે છે કે “ આ જ્ઞાનયજ્ઞ એ માનસયજ્ઞ છે’. મંદિરમાં જઈને દાનપેટીમાં રૂપિયા મૂકીને કે શ્રીફળ વધેરીને એને કામ સોંપીએ કે’ હે ભગવાન તું મને આ આપ ને-તે આપ, તું મારુ આ કામ કરી દે’ એમ ઈશ્વરને આપણાં કામે લગાડવા એ કરતાં પણ આપણે એને કહીએ કે, ‘તારે કોઈ દી કામ હોય તો મને કહેજે.’ આપણે ઈશ્વરનું કામ કરતાં હોઇએ એમ કામે લાગવું એ જ કદાચ જ્ઞાનયજ્ઞ, એવો મારો મત છે. ઈશ્વરની આરાધનાનો અનન્ય અભિગમ એટલે જ્ઞાન યજ્ઞ.
ફળ,ફૂલ, ધન, દૌલત કરતાં આવા જ્ઞાનયજ્ઞને કૃષ્ણ વધુ શ્રેષ્ઠ કહે છે. આપણે કૃષ્ણને વિષ્ણુના અવતાર માનીએ છે. સંસ્કૃતમાં ભગવાન વિષ્ણુનો એક સુંદર શ્લોક છે. નારદજીએ વિષ્ણુને પૂછે કે, “હે પદ્મનાભ! આપને કયું પુષ્પ પ્રિય છે? હું આપને કયું પુષ્પ ધરું? હું તમને કમળ, પારિજાત, ગુલાબ, મોગરો શું ધરું?”
વિષ્ણુ કહે છે: “એવા બધા પુષ્પો નહીં, જો તું મને ધરી શકે તો હું કહું એ આઠ પુષ્પ ધર...” એ આઠ પુષ્પ ક્યાં-ક્યાં છે?
अहिंसा प्रथमं पुष्पं, पुष्पम् इन्द्रिय-निग्रहः
सर्वभूत-दया पुष्पम्,क्षमा पुष्पं विशेषतः
ध्यान पुष्पं , दान पुष्पं, योग पुष्पं तथैव च
सत्यम् अष्टविधं पुष्पं, विष्णोः प्रीतिकरं भवेत् |
अहिंसा प्रथमं पुष्पं: વિષ્ણુ જે આઠ પુષ્પની વાત કરે છે એમાં પહેલું પુષ્પ છે અહિંસા...હિંસા ન કરવી એ,
બીજું પુષ્પ पुष्पम् इन्द्रिय-निग्रह: સંયમ જાળવવો. ત્રણ છે: सर्वभूत-दया पुष्पम् - સકળ જીવો પ્રત્યે દયાભાવ રાખવો. કોઈ આપણને નુકશાન પહોચાડે તો ય એને થાય તો ક્ષમા કરવું એ ચોથું પુષ્પ - क्षमा पुष्पं विशेषतः
પછી ध्यान पुष्पं, दान पुष्पं, योग पुष्पं
ને આઠમું પુષ્પ વિષ્ણુ ઈચ્છે છે એ સત્ય. તારું સત્ય મને અર્પણ કર,તારી નિખાલસતા મને ધર...
આ આઠે ય પુષ્પો જ્ઞાનના જ અંશો જ છે. એ આઠમાથી જે કાઇપણ થઈ શકે એ કરીયે તો એ કૃષ્ણને પુષ્પાંજલિ જ છે. विष्णोः प्रीतिकरं भवेत्
આપણે જ્યારે પણ કૃષ્ણની મૂર્તિ સામે માથું નમાવીએ કે લાલાને માખણ મીસરી કે સાકર ધરીએ, ત્યારે એ બાબતે પણ સજાગ રહીએ કે આપણે એની સામે શું બીજું શું ધરવાનું છે?
તમે કોઈપણ સફળ વ્યક્તિ જોઇ લો ગાંધી, સરદાર, સ્ટીવ જોબ્સ, રતન તાતા, અમિતાભ બચ્ચન કે એ આર રહેમાન, અબ્દુલ કલામ થી આપણે જેને ગઈ વખતે યાદ કર્યા તે સુધા મૂર્તિ સુધી કેટલાંય નામ લઇ શકાય.. એવા લોકો સફળ હોવા છતાં સરળ રહી શક્યા, તો માર્ક કરજો એ બધાનું જીવન જોઈએ તો ખ્યાલ આવે કે આ લોકો સીધી કે આડકરતી રીતે ગીતાને ફોલો કરે જ છે. પોતાની જાત પ્રત્યે અવેરનેસ એ સરળતા તમને જેમના પણ મહેંકતી દેખાય, એ પછી કોઈ છેવાડા ગામનો અભણ વ્યક્તિ હોય કે કોઈ ઇન્ટરનેશનલ પર્સનાલિટી તો પણ સમજવું એના सर्वं कर्माखिलं જ્ઞાનમાં શાંત થઇ રહ્યા છે.
ગીતા વિચાર:
ભગવદ ગીતામાં અઢારમાં અધ્યાયમાં કૃષ્ણ ‘ગીતા’નું મહાત્મ્ય ગાય છે, એમાં સિત્તેરમાં શ્લોકમાં અર્જુનને કહે છે કે, “આપણાં બેઉનાં આ ધર્મયુક્ત સંવાદનું જે કોઈ અધ્યયન કરશે તેના દ્વારા હું જ્ઞાનયજ્ઞથી પૂજાયો છું એવો મારો મત છે... અહીં બહુ મહત્વનો શબ્દ છે :‘અધ્યયન’. માત્ર ગીતાને વાંચી જવી એમ નહીં...પણ એનું અધ્યયન એ જ્ઞાનયજ્ઞથી કૃષ્ણની પુજા છે એવું કૃષ્ણ સ્વયં જ કહે છે!
- મિલી મેર