
- અસામાન્ય
કાયદો અને સમાજ એમ જ માને છે કે સ્ત્રીઓ માસૂમ દેવીઓ જ હોય છે...
થોડા વરસો પહેલાં સિમલામાં એક મહત્વની ઘટના બની હતી પણ બહુ ઓછાં પુરુષોનું ધ્યાન તેના પર ગયેલું. આ દિવસોમાં કેટલાંક પત્ની પીડિત પતિઓએ ભેગાં થઈને સંમેલન યોજયું હતું. તેમણે તો સિમલા ધોષણા પત્ર પણ જાહેર કરી દીધેલું કે બ્રિટિશરાજમાં એ લોકો (પુરુષો, એમ વાંચો) વધુ સુખી હતા.
હાઉ ફની. પુરુષોને વળી અન્યાય?
આપણા સમાજે પુરુષોને કાયમ હળવાશથી જ જોયાં છે, તોલ્યાં છે અને ટેકન ફોર ગ્રાન્ટેડ જ લીધા છે. પુરુષોને વળી તકલીફ શેની? પતિઓને કંઈ વેદના કે પીડા થોડી થાય ? મરદ માણસ પર સ્ત્રી થોડો અત્યાચાર કરી શકે? શોષણ તો માત્ર મહિલાનું જ થાય એવું જાણતા-અજાણતા મહિલાઓ માટે કામ કરતી સંસ્થાઓ અને બોલકી તેમજ બળૂકી મહિલા આગેવાનોએ લોકોના દિમાગમાં ઠસાવી દીધું છે. એકની એક વાત તમારી સામે કરવામાં આવે ત્યારે આપણે માનવા લાગીએ છીએ કે ના, આ કૂતરો નહીં હોય, ગધેડો જ હશે.
જગતમાં જુલ્મ માત્ર અબળા, લાચાર અને મૂંગાબોલી સ્ત્રીઓ સાથે જ થાય છે એ વાત એટલી ઘૂંટવામાં આવી છે કે પતિ, યાને કી પુરુષ જો ફરિયાદ કરે તો તેને હાંસીપાત્ર ઠેરવી દેવામાં
આવે છે. જ્યારે જ્યારે પતિ કે પુરુષો માટે કામ કરતાં સંગઠનોએ એકઠાં થઈને અવાજ ઉઠાવ્યો છે કે આવેદનો આપ્યાં છે કે ઉપવાસ કર્યા છે ત્યારે ત્યારે આખા સમાજે તેને "લાઇટલી" લીધા છે. મીડિયાએ પણ એ ઘટનાને વિચિત્ર કે અનોખી ગણીને જ પ્રસિધ્ધિ આપી છે. શા માટે, ભાઈ? મર્દ કો દર્દ નહી હોતા એવું અમિતાભ બચ્ચને કહ્યું છે એટલે. તો પછી સ્ત્રીઓ માટે વરસોથી કહેવાય છે કે નારી તો નારાયણી છે અને એ તો શકિતનું સ્વરુપ છે… તો તેને પણ પીડા ન થવી જોઈએ પણ સ્ત્રીઓને પીડા છે, યંત્રણા છે, ત્રાસ છે, જૂલ્મ છે, લાચારી છે, ગુલામી છે, અન્યાય છે, અપમાન છે, અત્યાચાર છે.
તો પુરુષોને કે પતિઓની સાથે આ બધું કેમ ન હોય શકે?
સિમલામાં એકઠાં થયેલાં સેવ ઈન્ડિયન ફેમિલી ફાઉન્ડેશનના સભ્ય પતિદેવો તો ત્યાં સુધી કહે છે કે, કાયદો અને સમાજ એમ જ માને છે કે સ્ત્રીઓ માસૂમ દેવીઓ જ હોય છે અને પતિઓ કૂર રાક્ષસ.
હકીકત શું છે? સિમલાવાળા પતિઓ રાષ્ટ્રીય અપરાધ બ્યુરોના આંકડા ટાંકી બતાવે છે કે ૨૦૦૬માં ૫૭૫૯૩ વિવાહીત પુરુષોએ આત્મહત્યા કરેલી, જયારે વિવાહીત મહિલાઓના આપઘાતનો આંકડો હતો: ૩૦૦૬૪. આંકડો જૂનો છે અને નવા આંકડા પણ આવા જ છે. આંકડાઓ એવું કહે છે કે દહેજના ૯૮ ટકા કેસ માત્ર પતિ પાસેથી પૈસા પડાવવાના ઈરાદાથી જ ફાઈલ કરવામાં આવે છે. છેલ્લાં પાંચ વરસમાં તેર લાખ પુરુષોએ ફક્ત એ કારણોસર નોકરી ગૂમાવી છે કે તેની પત્નીએ તેની સામે ફાલતુ પોલીસ કેસ કર્યા હતા. મતલબ કે પતિઓ પણ પરેશાન છે.
...પણ આપણું માઈન્ડ સેટ જ એવું છે કે પતિઓને કયારેય તકલીફ હોતી જ નથી, એવું જ માનતા રહીએ. સાસરે આવેલી સ્ત્રી ભૂલી જાય છે કે પુરુષ માટે એ જન્મજાત મેળવેલું સ્વર્ગ છે. પુરુષ અપરિણીત હોય છે ત્યાં સુધી જે ઘર સ્વર્ગ હતું, એ પછીથી નરક જેવું કેમ બની જાય છે એ કેમ કોઈ વિચારતું નથી. આજની એકેય દીકરી ગરીબ ગાયની જેમ દોરવાતી નથી, પણ માતેલાં સાંઢ જેવી માથાભારે હોય છે. એ પોતાના પિયર જેવા જ જાહોજલાલ, શેઠાઈ, આરામ, જોહુકમી (જે પિતાના ઘેર તેની ચાલતી હતી) પોતાના સાસરામાં ધરાર ક્રિએટ કરવા જાય છે. પરિણામે થાય છે એવું કે પુરુષ(અને સાસરિયાં ખુદ) અપને હી ઘર મેં બેગાના જેવું ફીલ કરતા થઈ જાય છે. આપણે શું. એ પતિ પત્નીનો અંગત મામલો છે. આપણી વાત એ છે કે પુરુષને પણ પીડા થતી હોય છે અને તેણે પણ સહન કરવું પડે છે, એ વાત સ્વીકારવામાં આવે. પત્ની કેવા કેવા નખરાં, તૂત, ફિતુર અને મ્હેણાંટોણાં કરીને ત્રાગાં કરી શકે છે એ દરેક પતિ જાણે છે. પતિ કહ્યાગરો, કાળજી લેનારો અને વિરોધ ન કરે એવો ગુલામ જ હોવો જોઈએ એવું દરેક પત્ની ઈચ્છે છે એ વાત તમામ સ્ત્રી જાણે છે. પતિ કેવી રીતે પૈસા કમાઈ છે તેની સાથે નહીં, પણ કેવી રીતે વાપરે છે તેનાથી જ નિસ્બત હોય છે પત્નીઓને. આ વાતની પુરુષને પીડા હોય શકે. સાસરિયાંઓનું વધારે પડતું ઈનવોલ્વમેન્ટ પતિને ખટકે તો તેમાં એબનોર્મલ શું છે? પત્ની પતિને સમજી ન શકતી હોય તે વાતની લાચારી પતિના ખાનામાં જમા કરવામાં સમાજનું ક્યુ સરવૈયું બગડી જતું હશે? લિસ્ટ લાંબું છે.
આપણી વાત એટલી જ કે હવે કોઈ સ્ત્રીના આસું જોઈને કે કથની સાંભળો ત્યારે તેને આશ્વાસન જરુર આપજો, પણ વળતી ઉતાવળે તેના પતિ પાસે આપવા પહોંચી જજો. કદાચ, એવું
બને કે રડવા માટે તે કોઈના ખભાની રાહમાં જ હોય!
- નરેશ શાહ