
- ફિલ્મગાથા
સેલિબ્રિટીની એક ઇમેજ બંધાઈ જાય પછી, એ ઇમેજને મેચ થતી દરેક સાચી-ખોટી વાત લોકો માની લેતાં હોય છે અને તેમાં લોકોનો કે ચાહકોનો કોઈ દોષ હોતો નથી. શોટગન સિંહાની જ વાત લો. શત્રુઘ્ન સિંહાની પડદા પરની અને પડદા પાછળની ઇમેજ 'બડબોલા'ની જ રહી છે. શત્રુભૈયા ભલે વિલનમાંથી એક્ટર અને પછી સંસદસભ્ય બન્યા હોય પણ એ શબ્દો ચોરીને બોલે, એવું મોટાભાગે બન્યું નથી. એ નરેન્દ્ર મોદીથી માંડીને અમિતાભ બચ્ચન વિશે શબ્દોને સુગરકોટેડ કર્યા વગર જ બોલતાં રહ્યા છે. અભિનેતા તરીકે પણ તેમની દેખિતી છાપ એવી છે કે, તેમને વાંકુ પડી જતાં વા'ર લાગતી નથી.
અભિનેતા તરીકે તો ઇન્ડસ્ટ્રીઝમાં શત્રુઘ્ન સિંહાની છાપ લેઇટ લતીફ (તેમના વારસદાર પછી ચીંચીં ભૈયા-ગોવિંદા બન્યા) ની હતી. રાજેશ ખન્નાના સ્ટારડમ વખતથી આ 'લેઇટ લતીફી'નો ટેગ પ્રચલિત બન્યો હતો. રાજેશ ખન્ના માટે એવું કહેવાતું કે તે ફિલ્મની વાર્તામાં પણ મનમરજી મુજબના ફેરફાર કરાવતા હતા. ‘નમકહરામ’ ફિલ્મના અંતમાં પોતે મૃત્યુ પામે એવો હઠાગ્રહ રાજેશ ખન્નાનો હતો, એવી વાતો થતી હતી. (પણ તેનો કોઈ ઠોસ દસ્તાવેજી પુરાવો ઉપલબ્ધ નથી. એ વાત યાદ રાખીને આગળ વાંચો) રાજેશ ખન્ના તો બેસુમાર સફળતા પછી નખરાં કરતાં થયા હતા પરંતુ શત્રુઘ્ન સિંહા કદી જબરદસ્ત સેલેબલ સ્ટાર રહ્યા નહોતા છતાં સેટ પર તેમનાં છણકાં ખૂબ જાણીતા થયા છે. 'મેરે અપને' ફિલ્મ (જેમાં શત્રુભૈયા 'છેનુ' નામના એન્ટી હિરો હતા!) માં વિનોદ ખન્નાના હાથે માર ખાતાં હોય એવું દ્રશ્ય આપવાની શત્રુજીએ ના પાડી દીધી હતી તો 'કાલા પથ્થર' ફિલ્મમાં અમિતાભ બચ્ચન પાવડા વડે તેમને ઢીબવાના છે, એવી સિકવન્સ શૂટ કરવાની આવી ત્યારે શોટગન સિંહા સેટ પરથી પગ પછાડતાં ચાલ્યા ગયા હતા. શત્રુઘ્ન સિંહા (રાજકુમારની જેમ) પોતાના જ પ્રેમમાં પડેલાં અભિનેતા હતા અને છે. અભિનેતા ભલે લખવું પડે પણ એકાદ 'કાલકા' જેવી ફિલ્મને બાદ કરો તો શત્રુઘ્ન સિંહા દરેક ફિલ્મમાં, દરેક પાત્રમાં શત્રુઘ્ન સિંહા જ બનીને કામ કરતાં હતા!!!
ખેર, શત્રુઘ્ન સિંહાની અભિનેતા તરીકેની 'ખડુસ' જેવી ઈમેજ જ ભલે, હાઈલાઈટસ થઈને લોકોના દિમાગમાં અંકિત થઈ ગઈ હોય પરંતુ ગુલશન ગ્રોવરને સાંભળો તો તેમને શત્રુઘ્ન સિંહા તેમની ઈમેજથી તદ્દન વેગળા, માનવીય અને પ્રેકટિકલ લાગે કારણકે શત્રુભૈયા આવું કંઈક કરી શકે, એ જલ્દી ગળે ઉતરે એવું નથી છતાં આ હકીકત છે, એ ભૂલવું નહીં. ગુલશન ગ્રોવર શત્રુભૈયા સાથે ‘શિવશક્તિ' ફિલ્મમાં કામ કરતા હતા. આ ફિલ્મમાં ગોવિંદા પણ હતો કારણ કે ગોવિંદાના આનંદમામા (ચિત્રગુપ્ત) 'શિવશક્તિ' ફિલ્મના ડિરેકટર હતા.
ફિલ્મ અને એની વાર્તા ટિપિકલ હતી. શત્રુભૈયા હિરો અને ગુલશન ગ્રોવર વિલન હતા. હિરો-વિલનનો ફિલ્મમાં પ્રથમ વખત આમનો-સામનો થાય છે ત્યારે શત્રુઘ્નસિંહા એક જ ફેટ મારીને ગુલશન ગ્રોવરને જમીનદોસ્ત કરી દે છે એવો સીન હતો. દ્રશ્ય સમજીને ગુલશન ગ્રોવરને લાગ્યું કે આ સિકવન્સ બરાબર નથી કારણ કે વિલન એક જ ફટકામાં જમીનદોસ્ત થઈ જાય તો ફિલ્મમાં વિલનનો પ્રભાવ જ ન રહે… ગુલશન ગ્રોવરે એ દ્રશ્ય શૂટ કરનાર એકશન ડિરેક્ટર ટીનુ વર્માને વાત કરી પણ તેમણે સીનમાં ફેરફાર કરવાની અને શત્રુઘ્ન સિંહાનો સામનો કરવાની અસમર્થતા દર્શાવી એટલે...
હિંમત કરીને ગુલશન ગ્રોવર પહોંચ્યા સીધા શત્રુઘ્ન સિંહા પાસે. તેમને એક તરફ લઈ જઈને સમજાવ્યું કે તમારા એક જ તમાચાથી વિલન ચત્તોપાટ પડી જાય તો પછી આખી ફિલ્મમાં તેનો કોઈ પ્રભાવ જ રહેશે નહીં. એક જમાનામાં ખલનાયકનું પાત્ર ભજવતાં સિંહાસાહેબ આખી વાતનું હાર્દ સમજી ગયા. તેમણે ફાઈટ માસ્તર અને ડિરેકટરને બોલાવીને કહ્યું કે, ગુલશનની વાત સાચી છે તો આ આખો સીન ફરીથી લખવામાં આવે... આપણે એ પછી જ શૂટ કરીશું.
આમ કહેતી વખતે શત્રુઘ્ન સિંહાએ તેમના આઈકોનિક અંદાઝમાં કહ્યું પણ ખરું કે, ફરીથી લખાતાં આ સીનમાં વિલન ભલે હિરો (શત્રુઘ્ન સિંહા) પર ભારે પડી જાય તો ય કશો વાંધો નહીં. આખરે તો (ફિલ્મના અંતમાં) હું બદલો લઈ લેવાનો જ છું!
ગુલશન ગ્રોવરે આ આખો કિસ્સો પોતાની બાયોગ્રાફી 'બેડમેન' માં લખીને ઉમેર્યું છે કે, (લોકો ભલે ગમે તે કહે પણ) શત્રુજી સાથે મારી દરેક મુલાકાત યાદગાર જ રહી છે. કેટલીય ફિલ્મમાં વિલન તરીકે મને લેવાનું સુચન પણ તેમણે જ કર્યું છે અને એથીય આગળની વાત તો એ કે, ફિલ્મના મુર્હુતમાં હિરો-હિરોઈન જ ઉપસ્થિત રહી શોટ આપે એવું ચલણ હતું પણ તેમણે એ પ્રથા પણ તોડાવી. 'ગોલા બારૂદ' અને ‘સીતા સલમા સૂઝી' (જેમાં ડિમ્પલ, અનિતા રાજ અને સલમા આગા કામ કરતાં હતા પણ એ ફિલ્મ કદી બની જ નહીં!) નો મુહૂર્ત શોટ તેમણે મારા પર લેવડાવ્યો હતો!
એ રીતે જોઈએ તો શત્રુઘ્ન સિંહાએ બોલીવુડમાં નવી પ્રથા પાડવામાંપણ નિમિત્ત બન્યા છે પણ આ કિસ્સા એ વાત પણ પૂરવાર કરે છે કે દરેક વખતે વ્યક્તિની ઈમેજના આધારે જ કયાસ કાઢી લેવો વાજબી નથી. શત્રુઘ્ન સિંહા જેવા કિસ્સામાં એ આપણને ગલત સાબિત કરી શકે છે!
- નરેશ શાહ