Home / GSTV શતરંગ / Naresh Shah : That's it, I commit the same crime every time... Naresh Shah

શતરંગ / બસ, યહી અપરાધ મેં હર બાર કરતા હું…

શતરંગ / બસ, યહી અપરાધ મેં હર બાર કરતા હું…

- ફિલ્મગાથા

સફળ ગીતકાર હોવા છતાં કવિ તરીકે વધુ પ્રતિષ્ઠા મેળવી ‘નિરજ’જીએ

 

તરહ તરહ નાચ કે દિખાના યહાં પડતા હૈ,

બાર બાર રોના ઔર ગાના યહાં પડતા હૈ,

હિરો સે જોકર બન જાના પડતા હૈ,

ભાઈ,જરા દેખ કે ચલે...

મેરા નામ જોકર (૧૯૭૦)ના આ ગીત પછી એ જ વરસે આવેલી ‘પ્રેમ પુજારી’ ફિલ્મનું આ ગીત પણ યાદ કરી જૂઓઃ 

શોખિયોં મેં ઘોલા જાએ ફૂલો કા શબાબ, 

ઉસ મેં ફિર મિલાઈ જાએ થોડી સી શરાબ

 હોગા યૂં નશા જો તૈયાર, વો પ્યાર હૈ...

જિંદગીની કરૂણતા અને પ્રણયના પૈગામને શબ્દસ્થ કરનારા ગોપાલદાસ સકસેનાનું નામ તરત કલિક નહીં થાય. કારણકે બધા તેમને કવિ ‘નિરજ’ તરીકે જ વધુ ઓળખે અને યાદ કરે છે. જોકે કવિ નિરજની સાહિત્ય અને સિનેમામાં મજબૂત છાપ છોડી જનારી કૃતિ છેઃ કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે.

કવિ સંમેલનમાં ગવાયેલી આ કવિતાને સંગીતકાર રોશને (ૠત્વિક રોશનના દાદા) ૧૯૬૫માં બનેલી ‘નઈ ઉંમર કી નઈ ફસલે’ માટે કમ્પોઝ કર્યું અને આ જ પંક્તિ ૨૦૦૧માં કચ્છમાં આવેલાં ભુકંપની કવરસ્ટોરી પર શિર્ષક તરીકે પણ સ્થાન પામી હતી. બચી ગયેલાં કચ્છીઓની વેદનાને વાચા આપતી હોય તેમઃ કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે...

સાહિર લુધિયાનવી, નિદા ફાઝલી જેવા અનેક કવિઓ હિન્દી સિનેમાને મળ્યાં અને ફળ્યાં છે પરંતુ કવિ નિરજ સિનેમામાં અત્યંત સફળ ગીતો આપ્યા પછી પણ હિન્દી સાહિત્યમાં વધુ નોંધનીય તેમજ ચિરસ્મરણીય રહ્યા. તમે આઇએમડીબી(ઇન્ડિયન મૂવી ડેટા બેઝ) કે ગૂગલદેવને સર્ચ કરો તો પણ તમને કવિ નિરજે લખેલાં ગીતો કે ફિલ્મોની વિગતો મળતી નથી. આઇએમડીબીમાં તો માત્ર તેમની એક ફિલ્મ (પ્રેમ પુજારી)નો જ ઉલ્લેખ મળે છે. સચ્ચાઈ પણ એ જ હતી કે કવિ ગોપાલદાસ નિરજને પણ સિનેમા કરતાં સાહિત્ય અને કવિ સંમેલનોના સ્ટેજનું સવિશેષ વળગણ હતું. એકટર ભારત ભૂષણના ભાઈ આર. ચંદ્રાએ તેમને કવિ સંમેલનમાં સાંભળ્યા પછી ફિલ્મમાં ગીતો લખવાનું આમંત્રણ આપ્યું તો નિરજજીએ ના પાડી દીધી. તેઓ ફિલ્મના ગીતો માટે મુંબઈ શિફટ થવા તૈયાર નહોતા.

આખરે નક્કી થયું કે નિરજજી ગીતો લખીને મોકલી આપે અને માત્ર રેકોર્ડિંગ વખતે મુંબઈ આવે તો પણ ચાલશે. સાંઈઠના દશકામાં નિરજજીની કવિ સંમેલનોમાં ભારે ડિમાન્ડ હતી અને દરેક મંચ પર એક ડિમાન્ડ તેમણે પૂરી કરવી જ પડતી: કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે... પ્રથમ ફિલ્મના ગીતો જ સુપર હિટ થયા એટલે નિરજજીની ડિમાન્ડ મુંબઈમાં વધી ગઈ છતાં તેઓ મુંબઈ શિફટ ન થયા. અલીગઢમાં રહીને જ તેમણે ‘સતી નારી’, ‘મઝલી દીદી’, ‘દુલ્હન એક રાત કી’, ‘તું હી મેરી જિંદગી’ જેવી અડધો ડઝન ફિલ્મોના ગીતો લખ્યાં. એ પછી નિરજજી મુંબઈ (સાંતાક્રૂઝના બ્યુટી હાઉસમાં) શિફટ થયા.

મુંબઈમાં બારેક વર્ષ રહીને નિરજજીએ આશરે ચાલીસ ફિલ્મો (શંકર-જયકિશન સાથે ચૌદ ફિલ્મ, એસ.ડી. બર્મન સાથે પાંચ ફિલ્મ સહિત) ના ગીતો લખ્યાં પછી એ ફરી અલીગઢ રહેવા ચાલ્યા ગયા. જોકે ખાસ કોઈને ખબર નથી કે લાજવાબ અને યાદગાર ગીતો લખી જનારા નિરજજીએ એક ફિલ્મમાં એકટિંગ પણ કરી હતી. મિસ્ટર ભારત મનોજકુમારની ‘પહેચાન’ ફિલ્મના નિરજજીએ લખેલાં તમામ ગીતો લોકપ્રિય થયા હતા. બસ, યહી અપરાધ મૈં હર બાર કરતાં હું, આદમી હું આદમી સે પ્યાર કરતા હું-ગીત ફિલ્મમાં મનોજકુમાર પર હતું તો ‘પૈસે કી પહેચાન યહાં, ઈન્સાન કી કિંમત કોઈ નહીં, બચ કે નિકલ જા ઈસ બસ્તી સે, કરતા મહૌબ્બત કોઈ નહીં-આ ગીત ‘પહેચાન’ ફિલ્મમાં નિરજજી પર ફિલ્માવવામાં આવ્યું હતું,

એ સમયે નિરજજી અત્યંત દૂબળા હતા. એક પત્રકારે તો લખેલું પણ ખરું કે, હેંગર પર લટકેલો કુરતો ઓરડામાં પ્રવેશ્યો હોય એવું (નિરજજીની જોઈને) લાગ્યું. તેથી તવાયફના આશિક તરીકે વધુ લૂંટાવી ચૂકેલાંપહેચાન ફિલ્મના એ પાત્ર માટે તેમને પસંદ કરવામાં આવ્યા હતા. સંકોચ સાથે નિરજજીએ એ પાત્ર ભજવ્યું હતું.

હિન્દી ફિલ્મોમાં દોથો ભરીને (દિલ આજ શાયર હૈ, ખિલતે હૈ ગુલ યહાં, રંગીલા રે, એ ભાઈ જરા દેખ કે ચલો, કહેતા હૈ જોકર, જીવન કી બચિયા મહેંકેગી, રે મૈંને કસમ લી જેવા) કાવ્યાત્મકથી લબાલબ છતાં લોકપ્રિય ગીતો આપનારા નિરજજી (જન્મ ૪ જાન્યુઆરી,૧૯૨૫, અવસાન ૧૯ જૂલાઈ, ૨૦૧૮) જો કે સાહિત્યકાર તરીકે જ વધુ પ્રતિષ્ઠા પામ્યા. પદ્મશ્રી પણ બન્યા. એક કવિ, હિન્દી સિનેમાના ગીતકાર તરીકે પણ નિરજજીનું પોતાનું એક ભાવજગત હતું અને એ તેમાં જ વધુ જીવતાં. તેમના એકમાત્ર પુત્ર મિલન પ્રભાત ‘ગુંજને’ લખેલાં ‘યાદો કા કારવાં’ પુસ્તકમાંથી તમે પસાર થાવ ત્યારે ખબર પડે છે કે પત્નીની બચતમાંથી, તેની જ અંતિમ ઈચ્છા મુજબ બનેલાં શાળાના ઓરડાના અર્પણ સમારોહમાં તેઓ ગયા નહોતા. એ પછી ત્યાં ક્યારેય પગ પણ મૂક્યો નહોતો. નિરજજી અઢળક પ્રમાણમાં મદિરા પાન કરતા હતા એવી પણ લોકોની દ્રઢ માન્યતા હતી. નિરજ સવારથી જ મદિરા પીવા માડે છે એવી વાત પણ ખોટી છે, એ મતલબનું એક ચેપ્ટર પણ તેમના પુત્રએ લખ્યું છે. નિરજજીએ પણ જાતે લોકોની માન્યતાને જવાબ આપ્યો હોય તેમ લખ્યું છેઃ 

ઈતને બદનામ હૂએ હમ તો ઈસ જમાને મેં,

તુમ કો લગ જાએગી સદિયાં, ઈસે ભુલાને મેં

- નરેશ શાહ