
- શબ્દ ઝણકાર
“સંગીત જેનો પ્રાણ છે એવા સંગીતકમમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યત્વ શોધવાનું આપણા કવિવરો માંડી વળે.” - અવિનાશ વ્યાસ 21મી જુલાઈ એટલે એટલે એક એવા ખમતીધર કલાકાર નો જન્મદિવસ કે જેનાં વગર ગુજરાતી સુગમ સંગીત અધૂરું છે. “પદ્મશ્રી”ને વરેલા કલાકાર એવા “અવિનાશી” અવિનાશ અનંતરાય વ્યાસ. અવિનાશ વ્યાસ એટલે ગીતકાર, સ્વરકાર, ગદ્યમાં પણ એટલું જ ખેડાણ. એમના ગીતો પણ કેવાં; ‘રાખનાં રમકડાં મારા રામે’, ‘અમે મુંબઈના રહેવાસી’, ’મહેંદી તે વાવી માળવે’, ‘એક પાટણ શેરની નાર પદમણી’ જેવાં કેટલાંય અવિસ્મરણીય ગીતોનું અમર લેખન આપણા સંગીત અને સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ભલે, આપણી વચ્ચે તેઓ હયાત નથી, પણ તેઓ જીવંત છે; તેમના ગીતો થકી, સંગીતમાં, સાહિત્યમાં.
અવિનાશ વ્યાસ ભારતીય ગીતકાર, સંગીત નિર્દેશક અને ગુજરાતી સિનેમાના ગાયક પણ હતાં. તેમણે ગીત, ગઝલ, ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારમાં અનેક કૃતિઓ રચી અને સમૃદ્ધ કરાવી છે. તેમણે લખેલા ગરબા માટે સૌથી વધુ પ્રસિદ્ધ છલકતો ‘અંબાજી’ માટેનો ભક્તિભાવ અજોડ અને અદભુત ગણાય છે. પિતાનાં અવસાન સમયે તેમણે ‘ખોવાયાને ખોળવા, દ્યો નયન અમને..’ ગીત લખેલું.
એમનાં રાસ ગરબા પણ જાણે લોકગીત જેવા બની રહ્યા! ‘બાંકી રે પાઘલડી..’ આજે પણ સૌ ખેલૈયાઓ માટે બેનમૂન
ગણાય છે. ગુજરાતી સુગમ સંગીત માટે એક અજોડ ભૂમિકા નિભાવનાર ગુજરાતી ગીત-સંગીત ના પર્યાય બની તેમણે જે કંઈ પણ લખ્યું તે મૌલિક લખ્યું છે તેમજ સંગીતમાં પોતાની શૈલી અલગ રીતે દાખવી છે. તેમના ગીતો એ ફક્ત ગુજરાત કે ભારતના સીમાડા સુધી જ નહીં, પરંતુ વિદેશમાં પણ એક માન મોભો આપ્યો છે. આ સંદર્ભમાં કેટલીક પંક્તિઓ સ્મરણીય છે:
‘તાળીઓના તાલે’,
‘હે રંગલો જામ્યો કાલિંદીને ઘાટ’
‘કહું છું જવાનીને પાછી વળી જા’
‘પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે’
‘સાધુ સંત ફકીરા, અમે મીરાંનાં મંજીરા’
‘ગુજરાતી વિશ્વકોશ’ વેબસાઈટના એક લેખમાં પ્રબોધ જોશી એ લખ્યું છે ;
“ગુજરાતના સાંસ્કૃતિક ક્ષેત્રે અવિનાશ વ્યાસ ગીતો અને સ્વારનિયોજનોના અલગારી મુરશીદ જેવા ‘ભૂલા પડેલા શાપિત ગાંધર્વ’ જેવા હતા.”
તો, ફિલ્મી ગીતો તરફ સૂગ ધરાવતા આ પ્રામાણિકતાને એમ પણ કહે;
“જે વસ્તુ કવિતા પચાવી શક્તિ ન હોય ત્યાં કવિતાને સ્થાનભ્રષ્ટ કરવાનો મ્હને અધિકાર શો છે?”
તેમનાં અમુક ગીતો આપણે સ્મરણિયે :
‘ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી’
‘મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને’
‘ધૂણી રે ધખાવી અમે તારા નામની’
‘છાનું રે છપનું કંઈ થાય નહીં ‘
‘હે તને જાતાં જોઈ પનઘટની વાટે’
‘કેમ રે વિસારી ઓ વનના વિહારી’
‘નવી તે વહુના હાથમાં રૂમાલ’
એક અજબની વાત પણ ખરી. કાંકરિયા ઉપર ક્રિકેટ રમતી વખતે લાલ બોલ ઊછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની
લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફૂરી જે ગુજરાતી સુગમ સંગીતની અજર અમર રચના સાબિત થઈ ;
માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિર નો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટહુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
ગુજરાતી સાહિત્યના “કલાનું કંકુ અને સ્વરના સુરજ” એવાં અવિનાશી વ્યક્તિત્વને તેમની 112 મી જન્મતિથિ નિમિતે
સ્વર પૂર્વક વંદન.
- પાયલ અંતાણી