
- શબ્દ ઝણકાર
“કોટે મોર ટહુક્યા, વાદળ ચમકી વીજ
મારા રૂદાને રાણો સાંભરે, આવી અષાઢી બીજ.”
કચ્છી નવું વર્ષ. આ નવું વર્ષ ફક્ત કચ્છીઓ પૂરતું જ સીમિત ન રહેતા તમામ જ્ઞાતિઓનો સામુહિક ઉત્સવ બની રહે છે. “કચ્છી નવું વર્ષ” હર્ષ-આનંદ-ઉલ્લાસનો તહેવાર છે. સાથેસાથ, ભાઈ-બહેનના સ્નેહ, સમાનતા અને એકતાનું પ્રતીક સમ રથયાત્રા પણ અદ્વિતીય અને અદભુત હોય છે. શ્રી કૃષ્ણ અને બલરામે ગોકુળથી મથુરા ની રથયાત્રા કરી તે દિવસ અષાઢ સુદ બીજનો હતો અને ત્યારથી જ “જગન્નાથ રથયાત્રા” સાર્વત્રિક રીતે સદભાવના વ્યક્ત કરવાનું મહાપર્વ બની ગયું છે.
“ખેરી બુરી ને બાવરી, ફૂલ કંઢા ને કખ,
હોથલ હલી કચ્છડે, જીતે માડુ સવાયા લખ.”
કચ્છ એક એવો પ્રદેશ છે જ્યાં એક વાર ત્યાં જઈએ તો ત્યાંની ખમીરવંતી પ્રજા, પ્રેમાળ સ્વભાવ, કચ્છી રંગ-તરંગ થી ઓળઘોળ થયા વગર પાછા આવી જ ન શકીએ. કચ્છ પ્રદેશ ભલે રણ પ્રદેશ હોય કે દરિયાઈ વિસ્તાર, પણ ત્યાંની મીઠપ બીજે કોઈ પણ પ્રદેશે જવાથી પણ મળતી નથી. આપણા જાણીતા લેખક જવલંત છાયા તો કચ્છ માટે એક લેખમાં એમ કહે છે કે;
“કચ્છ પોતે એક સંસ્કૃતિ છે, એક એક પરંપરા છે, એક પ્રણાલી છે, કચ્છના રણનો સુનકાર એ કચ્છ નાં જીવનનો ધબકાર છે, કચ્છના સરહદી સન્નાટામાં દેશની સુરક્ષા નો પડઘો છે, કચ્છ કુદરતની પ્રયોગશાળા છે, માનવ માત્ર માટે તે જીવનશાળા છે.”
કચ્છને ખમીરવંતી પ્રજા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, જેટલું કષ્ટ, દુઃખ, પીડા અહીંના લોકોએ અને કચ્છ પ્રદેશે વેઠ્યા છે તેમાંથી પસાર થઈને પછી એ વાવાઝોડું, તોફાન હોય કે ધરતીકંપ જેવી વિનાશાય આફતો. આ બધાને ઓળંગીને પણ તૂટીને ફરીથી બેઠું થયું છે અને આજે પણ અડીખમ છે. અનેક હોનારત વેઠ્યાં પછી પણ કચ્છની પ્રજા ધીંગી, ધરખમ અને ખમીરવંતી છે. કચ્છમાં મીઠી મીઠપ છે. વ્હાલસોયી મીઠપ. કચ્છની કચ્છીયત અહીંના લોકોને મૂળથી જકડી રાખે છે. એ કચ્છીયત માં ત્યાંની લોકબોલી, સ્વાદિષ્ટ વાનગી, ખોરાક, પહેરવેશ, પરંપરા, સંસ્કૃતિ આ તમામનું વણાયેલું એક સમગ્ર અને અલગ છતાં અનેકવિધ વિશેષતા ધરાવનાર પ્રદેશ છે.
કચ્છી નવા વર્ષે ગામે-ગામે મેળો ભરાય છે. મંદિરમાં ખેતરપાળ ની પૂજા થાય છે. રાસ, નૃત્ય-સંગીતના કાર્યક્રમો થાય છે. કચ્છી પ્રજામાં સર્વત્ર એકતાના દર્શન થાય છે. જ્યાં જ્યાં કચ્છીઓ વસ્યાં છે, ત્યાં ત્યાં એમની બોલી, ભાષા, સંસ્કૃતિ, એકતા, પરંપરા, સંપ, સાથ, સહકારના દર્શન થાય છે. કચ્છમાં કચ્છીયત ભાતીગળ સંસ્કૃતિ નો અનુભવ થાય છે.
કચ્છના કવિ શ્રી દુલેરાય કારાણી એ કચ્છી ગીત લખીને કચ્છની સાર્વત્રિકતા દર્શાવી છે. અને આ ઝીલાયું છે લોક ગાયક ઓસમાન મીરના સુપુત્ર આમિર મીરના કંઠે ;
“ધીંગી કચ્છડે જી ધરતી, ધીંગી બાજર જી માની,
ધીંગા તોજા હથડાં માડી, ધીંગો કચ્છી પાણી.
મીણીયા મુંકે મીઠી લગેતી, માડી તોજી માની,
માડી તોજી માની મેં તાં જોબન જોમ જુવાની.”
આ અષાઢી બીજ નિમિત્તે સર્વત્ર કચ્છીયતને સલામ અને વંદન. કચ્છની ધરા ના રખોપા કરનાર મા આશાપુરાને પ્રાર્થના તેમજ દાદા હાજીપીરને એ જ દુઆ કરીએ કે, બસ, આ કચ્છની ધીંગી ધજા ધરખમ રહે અને કચ્છીયત હંમેશા સલામત રહે, માભોમ ની રક્ષા કરે એવી, ‘કચ્છી માડુ જે નયે વરેં જી લખ લખ વધાઈયું.’ આ અષાઢી બીજ આપના સૌ કોઈના જીવનમાં મીઠપ લાવે, તંદુરસ્તી રહે તેમજ સુખ-શાંતિ, સમૃદ્ધિ અર્પણ કરે એવી શુભેચ્છાઓ સહ વંદન. જય જગન્નાથ. જય દ્વારકાધીશ.
- પાયલ અંતાણી