Home / GSTV શતરંગ / Payal Antani : Poet setting the tone of modern poetry: Anil Joshi Payal Antani

શતરંગ / આધુનિક કવિતાનો સૂર પ્રગટાવતાં કવિ: અનિલ જોશી

શતરંગ / આધુનિક કવિતાનો સૂર પ્રગટાવતાં કવિ: અનિલ જોશી

- શબ્દ ઝણકાર

28 જુલાઈ એટલે ‘કન્યાવિદાય’, ‘અમે બરફનાં પંખી’, ‘શકુંતલાની આંગળી’, ‘પેલ્લા વરસાદનો છાંટો’, ‘કીડીએ ખોંખારો ખાધો’ જેવી કવિતાથી જાણીતા તેમજ જેમની રચના થકી આધુનિકતાનો સૂર પ્રગટે છે એવા જાણીતા કવિ તેમજ નિબંધકાર અનિલ જોશી નો જન્મદિવસ. આધુનિક ગુજરાતી સાહિત્ય તેમના લેખનકાર્ય નો સમયગાળો હોવાથી તેમના લેખન પ્રકાર જેવા કે; ગીત, મુક્ત પદો, ગઝલ, નિબંધોમાં આધુનિકવાદનો સુર જોવા મળ્યો છે. સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ‘સ્ટેચ્યુ’ નિબંધ સંગ્રહને અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘પવનની વ્યાસપીઠે’ નિબંધસંગ્રહને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા છે. 2010ના નરસિંહ મહેતા એવોર્ડ થી તેઓ સન્માનિત થયા છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા લેખમાં એમ કહ્યું છે કે; 

“ગીતની બાબતમાં આધુનિક કવિતાનો પહેલો સુર આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. ચાલી આવેલા ગીત સ્વરૂપને દ્રઢતર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્યો પર, વાતાવરણના મિજાજ પર તેમજ અસંબદ્ધ શબ્દભાવ જુથો પર તરતું કરવાનો પ્રયત્ન આથી જ એમના ‘કદાચ’ (1970) કાવ્યસંગ્રહમાં દેખાય છે. ઉપરાંત એમાં ગઝલ અને છાંદસ-અછાંદસ રચનાઓ પણ છે. ‘બરફનાં પંખી’ (1981) કાવ્યસંગ્રહમાં પણ ગીતની આવી વિશિષ્ટ તરેહો સાથે અનેક અછાંદસ કાવ્ય રચનાઓ છે. ‘સ્ટેચ્યુ’ (1988) એમનો કાવ્યની નજીક સરતા ‘બોલપેન’, ‘બારીને પડદા નું કફન’, ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે’ જેવાં અંગત નિબંધોનો સંગ્રહ છે. તો ‘પવનની વ્યાસપીઠે’ (1988) એમના લલિતનિબંધનો સંગ્રહ છે.”

ચંદ્રકાન્ત બક્ષીની નવલકથા ‘પેરેલિસિસ’ પરથી ટેલીફિલ્મ બની અને એમાં ગાયિકા આરતી મુખર્જીના સ્વરે તેમજ ઉદય મજમુદાર નું સ્વરાંકન અને અનિલ જોશીની કલમે લખાયેલું આ પ્રેમ ગીત; 

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું

પાટો બંધાવા હાલી રે….

વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને

જીવને ચઢી ગઈ ખાલી રે…”

કવિ અનિલ જોશી ની દરેક રચનામાં વૈવિધ્ય અને સ્વરૂપની દૃષ્ટિએ વિભિન્નતા જોવા મળે છે. તેમણે હિન્દીમાં પણ ખુબ કાવ્યો લખ્યાં છે. દીકરી માટે લખેલું આ કાવ્ય મારુ અંગત ગમતીલું છે; 

बेटी बड़ी होकर चली जाती है

घरमे रह जाती है

सिर्फ पुरानी स्कूलबेग,फटी हुई गुड़िया ,बेटी के बिस्तर पर पुराना टेरीबेन ,

बिना ढक्क्न वाली खली वोटरबॅग, चॉकलेट के खाली रेपर,

दीवार पर लिखी तहरीर स्कूल का पुराना आइडेन्टिटी कार्ड जिन पे चिपकी है बेटी की पुरानी तस्वीर,

पुरानी लंचबॉक्स खोली तो एक आधा खाया हुआ बिस्किट का टुकड़ा,

कुछ हेरपीन,थोड़े टिश्यू पेपर बस इतना ही था।

बेटी के खाली कमरे में दीवार पर छोटा सा एक रेनकोट टंगा है।

यह रेनकोट मैंने अपनी आँखों को पहना दीया

आंखोकी बारिश खतरनाक होती है।

बेटी इरेज़र बार बार खो देती थी। मै डाटता था

:"इरेज़र संभाल के रखो कंपास में”

 बेटीने बहोत संभाल के रखा हुआ

इरेज़र स्कूलबैग के कोने से मेरे हाथ में आया।

इरेज़र हाथ में आते ही मै खुद इरेज़ हो गया। 

તો સુરેશ દલાલ તો એવું કહે; 

“અનિલની કવિતામાં જો ધ્યાનપાત્ર કોઈ વસ્તુ હોય તો એ લય છે અને એ લય કેવળ શબ્દલય નથી ભાવલય છે. શબ્દલય અને ભાવલયના આ બે કાંઠાની વચ્ચે અનિલની કવિતા નદીની જેમ એના વહેણ વળાંક અને નૈસર્ગીક ગતિ સાથે વહે છે.”

સુગમ સંગીતની દુનિયામાં હંમેશા ગુંજતું એક એવું ગીત કે જેમાં સ્વર આપ્યો છે પદ્મશ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય; 

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી

મને પાનખરની બીક ના બતાવો !

તો વૈયક્તિક સંવેદના પ્રગટાવતું આધુનિક ગીત જે ખુબજ જાણીતું છે; ‘બરફના પંખી’ 

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે. 

કવિ અનિલ જોશી આવાજ વૈવિધ્યસભર રચનાઓ લખતા રહે અને ગુજરાતી સાહિત્યની આધુનિક કવિતા જગતને સમૃદ્ધ કરતા રહે એવી એમના જન્મદિવસે શુભેચ્છાઓ.

- પાયલ અંતાણી