
- શબ્દ ઝણકાર
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ કહો કે સર્જક કે જેમણે સાહિત્યના તમામ પ્રકાર ખેડ્યાં અને ગુજરાતી ભાષાના સુખ્યાત એવા કવિવર, લેખક, નિબંધકાર, વાર્તાકાર અને પત્રકાર બન્યાં એવા શ્રી ઉમાશંકર અઠવાડિયે એટલે કે 21મી જુલાઈના રોજ તેમનો 113મો જન્મદિવસ છે એટલે એ નિમિત્તે એમને યાદ કરીએ. ઉમાશંકર જોશી એટલે એવા કવિ કે જેમનાં ગીતો, કવિતાઓ, સોનેટ, દીર્ઘકાવ્યો આજે પણ એટલાં જ અકબંધ છે ને આંખે તારી આવે એટલા જ તાજગીભર્યા છે.
“માણસ ચંદ્ર લગી પહોંચ્યો પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.”
કેટલું સરળ અને સાહજિક રીતે પોતાની મૃદુ ભાષામાં વાત કરી છે. ગાંધીયુગીન સાહિત્યના પ્રધાન હોવા છતાં પણ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં તેમણે ખેડાણ કર્યું છે. અનિલ જોશી એ તો કવિ ઉમાશંકરને “પ્રેમની વિદ્યાપીઠ” નવાજ્યા છે.
“સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં તત્કાલીન ચેતનાનું સ્વસ્થ પ્રજ્ઞા અને ભાવપરક ઈન્દ્રિય ગ્રાહિતાથી સૌન્દર્યનિષ્ઠ રૂપાંતર કરનાર ગાંધીયુગના આ અગ્રણી સર્જક છે. મુક્તકના ચમત્કૃતિ પૂર્ણ લઘુ ફલક થી માંડી પદ્ય રૂપકના નાટ્યપૂર્ણ દીર્ઘ ફલક નું કલ્પના સંયોજન દર્શાવતી એમની કાવ્યરચનાઓ, ગ્રામીણ સ્તરેથી ઘટનાને ઊંચકી બોલીનાં સંવેદનો પ્રસારતી એમની નાટ્યરચનાઓ, પાત્ર માનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકીવાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતા તેમના નિબંધો અને વ્યક્તિચિત્રો, સહૃદય સંવિદનો સતત વિકાસ દર્શાવતાં તેમના વિવેચન-સંશોધન – આ સર્વ ગુજરાતી સાહિત્યને થયેલ વિશિષ્ટ પ્રદાન છે.” - ચંદ્રકાન્ત ટોપીવાળા
ઉમાશંકરનું ગાંધીયુગીન તત્વ જોઈએ:
“સૌને નડ્યા
બાજુ મૂક્યા ઊંચકી
તે દી નકી
જન્મ ગાંધી બાપુનો.”
તો, ગુજરાત માટે કેટલું સરસ લખે છે:
“સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ – મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પના ભવ્ય નેજે
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી!”
કવિ ઉમાશંકર જોશીના કેટલાક ગીતો આજે પણ એટલા જ કંઠસ્થ અને લોકોને મન હૃદયસ્થ છે:
“ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.“
તેમણે મુખ્યત્વે ગીતો, અછાંદસ, બાળકાવ્યો, સૉનેટો, છંદોબદ્ધ કાવ્યો, કરુણપ્રશસ્તિ, દીર્ઘકાવ્યો વગેરેમાં ખેડાણ કરી અનેક પુરસ્કાર તેમને વર્યા છે એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.
એમનું એક સોનેટ બળવંતરાય ઠાકોરને પણ અર્પણ છે. જોઈએ:
“તમે, સ્વજન, વૃદ્ધ ને ઉછરતા વછેરા અમે;
તમે અવ કૃતાર્થ, નવ્ય વિજયે અમે કોડીલા,
નવા ક્ષિતિજ આંબવા થનગની રહ્યા ઘોડીલા
બની, જગત પૂરપાટ ધસવા અધીરા; તમે?-”
કવિવર ઉમાશંકર જોશીને જન્મતિથિએ સાદર વંદન.
- પાયલ અંતાણી