
- સ્વાન્ત: સુખાય
કવિતા એ બે વ્યક્તિ વચ્ચેના સંવેદનોને વધુ પ્રધાનતા આપે છે પરંતુ ગુજરાતીમાં ગઝલ લખાવા લાગી પછી મુશાયરામાં ગઝલની બોલબાલા છે. તાજેતરમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં એક મુશાયરામાં જવાનું બન્યું. આ વખતે મારુ વિશેષ ધ્યાન એ મુશાયરાના સમગ્ર વાતાવરણ, કવિઓની રજૂઆતો, પ્રેક્ષકોની પ્રતિક્રિયાઓ, આવીને ફસાઈ ગયેલા અરસિકોના ચહેરાના હાવભાવો અને જેને આ માહોલ સાથે કોઈ જ લેવાદેવા નથી એવા આવી ચડેલા (પૃથ્વી પર નહીં પણ મુશાયરામાં!) બાળકોના નિરીક્ષણમાં હતું.
આવા મુશાયરામાં કવિઓના કેટલાક પ્રકારો જોવા મળે છે. કોઈક કવિ લખતા હોય છે એટલે વખાણાતા હોય છે જ્યારે કોઈક વખાણાતા હોય છે એટલે લખતા હોય છે. આધુનિકતાના પવન વચ્ચે પણ હજુ કવિઓએ મોટા માપના ઝભ્ભા પહેરવાનું બંધ નથી કર્યું પણ અંહી તો એવા પરિવેશમાં કેટલાક પ્રેક્ષકો પણ જોવા મળ્યા. એટલે જ મંચ અલગ દેખાય એમ રાખ્યો હશે. એક કવિને શ્રોતાઓ પર પોતાની ગઝલોના પ્રહાર પર પ્રહાર કર્યાં પછી યુધ્ધમાં વિજયી બનેલા યોધ્ધા જેવુ સ્મિત કરવાની ટેવ હોય એવું લાગ્યું. ખાસ તો એક કવિ પોતાની રચનાઓ નિર્દયી રીતે વાંચતો હોય અને કોઈ કિલ્લાના તોતિંગ દરવાજાના કટાઈ ગયેલા મિજાગરા જેવા અવાજે જેને કશું ન સમજાતું હોય એવા શ્રોતાઓ દાદ આપતા હોય ત્યારે બાકીના કવિઓનું નિરીક્ષણ કરવામાં જે આનંદ આવે એની તોલે કશું નહીં. મંચ પર બાકીના કવિઓ એ રીતે નિર્લેપ થઈ બેઠા હોય કે જાણે એમને કવિતા સાથે કશો સંબંધ જ ન હોય. કોઈ દવાખાનામાં પોતાનો વારો આવવાની રાહ જોઈ બેઠેલાં લોકોના ચહેરા મને આવા જ લાગે. આવા દરેક મુશાયરામાં એક સંચાલક નામનું પાત્ર હોય છે જેનું કામ રજૂઆત કરતાં કવિ સિવાયના કવિઓ જાગી ન જાય અને શ્રોતાઓ સૂઈ ન જાય એનું ધ્યાન રાખવાનું હોય છે. આ પાત્ર દરેક મુશાયરામાં કવિતાના પુરસ્કાર બાબતે કટાક્ષ ન કરે ત્યાં સુધી એને ચેન પડતું નથી હોતું. ખાસ તો કોઈક કવિ જો દળદાર ડાયરી લઈ માઇક પાસે આવે ત્યારે ધ્રાસકો પડે અને એમ થાય કે ઓડિયન્સમાં કોઈક હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય તો સારું.
હવે વાત શ્રોતાઓની કરીએ. મુશાયરામાં શ્રોતાઓ ત્રણ પ્રકારના હોય છે. માણનારા શ્રોતા, જાણનારા શ્રોતા અને વખાણનારા શ્રોતા. જે લોકો સારી રચનાઓ કશા જ પ્રતિભાવ વગર માણી શકે છે એ માણનારા શ્રોતાના વર્ગમાં આવતા હોય છે. કોઈ કવિની અગાઉ સાંભળેલી કે જાણીતી રચના રજુ થાય તો આસપાસના લોકો સાંભળી શકે એવા અવાજે કવિની પહેલાં દરેક પંક્તિઓ બોલી જનારા શ્રોતા જાણનારા શ્રોતા કહેવાય. પણ મોટે ભાગે બહુમતી વખાણનારાની કક્ષામાં આવતા શ્રોતાઓની હોય છે. કવિની અર્ધી પંક્તિ વખતે ચહેરા પર પ્રશ્નાર્થ પહેરી ઉત્કંઠ (ડોક ઊંચી કરીને) થનારા આ લોકો બીજી પંક્તિના ઘટસ્ફોટ સાથે પોતાની બેઠક પર સાડા ત્રણ ઇંચ ઉછળતા હોય છે અને એક હાથ આકાશ તરફ ઊંચો કરી દાદ આપે છે ત્યારે શમ્મી કપૂરનું પેલું ગીત યાદ આવે. “તારીફ કરું કયા ઉસકી, જિસને તુઝે બનાયા..” ઉત્સાહિત આ શ્રોતાની મુદ્રા જો કોઈ યુવા કવિયત્રીના મુખેથી રજુ થયેલી કવિતા માટે હોય તો આ પંક્તિ કવિતા અને કવિયત્રી બંને માટે લાગુ પડે. શબ્દોની અને તાલીઓની જુગલબંધી વચ્ચે શ્રોતાવૃંદમાં નજરે ચડતી માનુનીઓ પર નજર દોડાવતા કેટલાક શ્રોતાઓ નવી કવિતાની શોધમાં નીકળેલા કવિઓ જેવા દેખાતા હોય છે. જો સભાગૃહ ભરચક હોય તો જગ્યા જતી રહેશે એ ડરથી કુદરતી આવેગોની અવગણના કરી જગ્યા પર ચીપકી રહેલા શ્રોતાઓની દશા ત્રિશંકુ જેવી હોય છે. કોઈ સાચવનારું ન હોવાથી પોતાનું સર્જન (બાળકો) સાથે લાવનાર દંપતિઓ પણ શ્રોતા સમૂહનો ધ્યાનાકર્ષક હિસ્સો હોય છે. આવા શ્રોતાઓની આસપાસ બેઠેલાં અન્ય શ્રોતાઓના ચહેરા અને કેસર પેંડો ચાવતા ચાવતા આવેલી કાંકરી વખતે બદલાતા ચહેરામાં બહુ તફાવત નથી હોતો. જોવા જેવી તો ત્યારે થાય જ્યારે એ કવિ, જે ખ્યાતનામ હોય અને જેની રજૂઆતની રાહ જોવાતી હોય એના નામની જાહેરાત થાય અને પેલું બાળક મોટેથી રડવાનું ચાલુ કરે. એ સમયે ખલેલ પામનારા શ્રોતાઓ આ બાળક સામે એ રીતે જોતાં હોય છે જેમ કંસએ દેવકીના આઠમા સંતાનની સામે જોયું હશે.
ભાઈ, મુશાયરામાં કવિતાઓ સિવાય પણ માણવા જેવુ ઘણું હોય છે હોં !
- પ્રણવ ત્રિવેદી