
- સ્વાન્ત: સુખાય
અભ્યાસુ લોકો એવું કહે છે કે ઉત્ક્રાંતિની યાત્રા સાથે માનવ સમજદાર થતો ગયો અને વ્યવસ્થિત પણ થતો ગયો. જ્યારે વીજળીની શોધ નહોતી થઈ ત્યારે સૂર્યપ્રકાશમાં દૈનિક જીવનચર્યામાં વ્યસ્ત રહેવાની ટેવ હજારો વર્ષ પછી આજે પણ ચાલુ રહી છે. બેન્ક અધિકારીઓ માટે યોજાયેલી એક શિબિરમાં વક્તાએ સૌને દસ મિનિટ માટે ધ્યાન કરવાનું સૂચન કર્યું. શિબિરાર્થીઓમાંના ઘણાખરા મિત્રોને ઊંઘ આવી ગઈ. એક જિજ્ઞાસુએ આમ કેમ બન્યું એવો પ્રશ્ન કર્યો તો વક્તાએ કહ્યું કે જ્યાં સુધી શરીરમાં થાકનું તત્વ મોજૂદ હશે ત્યાં સુધી આવું થવાનું. પણ થાક અને ઊંઘને હમેશા સીધો સંબંધ હોય એવું નથી હોતું. બહુ થાક હોય ત્યારે ઊંઘ રિસાઈ જાય એવો પણ ઘણાંનો અનુભવ છે. અને સરસ ઊંઘ કરી સવારે સ્નાન પતાવી ફરી નિદ્રાધીન થનારા લોકો પણ છે. આપણે ત્યાં અમુક પળો માટે આવી ગયેલી અલપઝલપ ઊંઘને ઝોકું કહેવાનો રિવાજ છે. અને આ ઝોકું આવે એ પહેલા બગાસું પણ આવીને ઊંઘની છડી પોકારે છે. પેલી પંક્તિઓ યાદ આવે છે: ‘ઊંઘ કહે બગાસાને, જા બગાસા તું, તારાથી જો માને નહીં તો ઢાળી દઉં છું હું!’ અને સાચે જ, ઊંઘ તો ભલભલાને ઢાળી દે છે.
નિદ્રાધીન થવા માટે આપણે રાત્રી પસંદ કરીએ છીએ પણ મારે આજે વાત કરવી છે બપોરે સુવા બાબતે! લગભગ સૌનો એ અનુભવ છે કે રાત્રે લીધેલી આઠ કલાકની ઊંઘ, બપોરે ખેંચી કાઢેલી એકાદ કલાકની ઊંઘ પાસે પાણી ભરે! સંસ્કૃત અને શરીરવિજ્ઞાન બંને જાણનારા લોકોએ તો જમ્યા પછી અનુક્રમે શતપાવનિ (સો ડગલાં ચાલવું) અને વામકુક્ષિ (ડાબે પડખે અલ્પનિદ્રા લેવી તે)ને બહુ મહત્વ આપ્યું છે. સામાન્ય રીતે વ્યાપારી જગતના લોકો બપોરનું ભોજન લેવા ઘરે આવે તો એ થોડી પળો નિદ્રાદેવીના ખોળે મસ્તક મૂકવાનો લુત્ફ ઉઠાવતા જ હોય છે. અને બપોરે ઘરે ન આવનારા વ્યાપારીઓ પોતાના ધંધાના સ્થળે પણ આ લાભ લઈ શકે. જો કે પરંપરાગત અગિયાર થી છ સુધીની નોકરી કરનારા લોકો આ સુખથી વંચિત રહે છે. અલબત્ત, કેટલાક સુખી નોકરિયાતો પોતાની આજીવિકા દાવમાં મૂકીને પણ આ દ્વિપ્રહરી સમાધિનો લાભ લેવાનું ચુકતા નથી પણ એ સુખ સૌને નથી મળતું એટલે જ નિવૃત્ત નાગરિકો સૌની ઈર્ષાનું પાત્ર બનતા હોય છે.
આપણાં ઋષિઓ અને આચાર્યોએ એવી પણ પ્રાર્થના કરી છે કે મારી નિદ્રાને સમાધિની સ્થિતિ પ્રાપ્ત થાઓ. એટલે તો કહેવાય છે ને કે ‘સૂતા તો સમાધિ અને ઉઠયા તો ઉપાધિ’. કવિ સતીશ વ્યાસ પણ એમ લખે છે કે ‘જાગ્યા તો જંજાળ શરૂ થઈ, ઊંઘ ચડી તો મોજ પડી..’. પણ આ બંને ઉક્તિઓમાં સમાધિની સમકક્ષ રાત્રીની કે બપોરની નિદ્રા ગણાય એ સ્પષ્ટ નથી પણ મારા મત મુજબ બપોરની નિદ્રા જ સમાધિની કે ગહન ધ્યાનની કક્ષામાં મુકાવી જોઈએ. રાત્રે તો શાંતિ હોય, વિશ્વ આખું નિદ્રાધીન હોય ત્યારે તો કદાચ દેખાદેખીથી પણ ઊંઘ આવી જાય! બપોરે તો આસપાસ અવાજોનું વિશ્વ ધમધમતું હોય, બિસ્તરનશીન થઈ રહેલા તમને સૌ અદેખાઈથી ત્રાંસી આંખે જોઈ રહ્યા હોય એવા સંજોગોમાં વામકુક્ષિ કરવી એ ઓછા સાહસનું કામ નથી.
ભારતીય પંચાંગ પ્રમાણે જ્યેષ્ઠ મહિનો અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે મે મહિનો એ ગુજરાતની પ્રજા માટે સરળ સમાધિના મહિના છે. ‘કેરી તારા નામ છે હજાર..’ એમ વિચારતા વિચારતા ગ્રીષ્મની ભરબપોરે આમરસનું ભોજન કર્યું હોય પછી જે ઊંઘ ચડે એના માટે ‘આમસમાધિ’ એવું નામ આપવું જ જોઈએ. અને આયુર્વેદમાં તો નિદ્રાને પણ ઔષધ ગણવામાં આવે છે એ જોતાં ‘ઔષધસમાધિ’ પણ કહી શકાય. આમ તો સુજ્ઞજનો બપોરના સમયને પાચનનો અને વાંચનનો સમય ગણે છે પરંતુ પાચનના કામમાં પડેલું શરીર આંખોને વાંચનસુખ લેવા દેતું નથી એ સૌનો અનુભવ છે.
ઘણીવાર એવો પણ વિચાર આવે કે ઊંઘ તો ઊંઘ હોય છે. શું રાતની કે શું બપોરની? પણ ના, બંને વચ્ચે તાત્વિક ફરક છે. રાત્રે ઊંઘ ઊડી જાય તો મન વિચારે ચડી જાય અને બપોરે ઊંઘ ઊડે તો તન કામે લાગી જાય. રાત્રી દરમિયાન ઊંઘ વિક્ષેપની ઘટના વારંવાર બને તો રોગનું કારણ બને પણ બપોરની અલ્પકાલીન ઊંઘમાં વિક્ષેપ હોય જ નહિ! બપોરની ઊંઘના સ્વપ્ન અને રાત્રિનિદ્રાના સ્વપ્નોમાં કોઈ અનુસંધાન હોતું હશે કે કેમ એવું કોઈક સંશોધન થાય તો વિશ્વને મનોવિજ્ઞાનના કોઈ નવા પ્રકરણો મળે. આપણે ઊંઘ વિષે ચર્ચા કરીએ ત્યારે કુંભકર્ણને યાદ ન કરીએ એ કેમ ચાલે? કુંભકર્ણને ભારે ખોરાકને કારણે વધુ ઊંઘ આવતી હતી કે વધુ ઊંઘવાને કારણે ખોરાક વધુ હતો એ વિષે કોઈ સ્પષ્ટતા મહર્ષિ વાલ્મિકીએ કરી નથી. આમ તો સાચી સલાહ આપી શકે એવા સાથીદારોને ઘેનમાં રાખવા એ રાવણવૃત્તિ જ ગણાય ને? આ ઘેન સત્તાનું હોઈ શકે, સંપત્તિનું હોઈ શકે અને અજ્ઞાનનું પણ હોઈ શકે. આપણે ત્યાં મૃત્યુ માટે ચિરનિદ્રા શબ્દનો ઉપયોગ થાય છે. સામાન્ય નિંદ્રા અને આ ચિરનિદ્રા વચ્ચે ફરક એટલો જ કે ચિરનિદ્રામાં તમે જાગો છો ત્યારે બીજી જગ્યાએ હો છો!
- પ્રણવ ત્રિવેદી