Home / GSTV શતરંગ / Pranav Trivedi : talk about ganthiya Pranav Trivedi

શતરંગ / ગાંઠિયા ગોષ્ઠી

શતરંગ / ગાંઠિયા ગોષ્ઠી

- સ્વાન્ત: સુખાય

 

જો મોદી સાહેબ સૌરાષ્ટ્રમાં જન્મ્યા હોત તો એમણે ‘ચાય પે ચર્ચા’ની જેમ જ ‘ગાંઠિયા ગોષ્ઠી’ શબ્દ પણ પ્રચલિત કરી દીધો હોત. આમ તો હવે ગાંઠિયા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ખોરાક છે અને એના પર ઘણા લોકોએ લખ્યું પણ છે છતાં આજે પેટમાં પડેલા ગાંઠિયાએ મને આ લેખ માટે મજબૂર કર્યો છે.

શ્રી ચંદ્રકાંત બક્ષીએ નોંધ્યું છે કે પેરિસમાં એફિલ ટાવર આસપાસના ખાણીપીણીના વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ગુજરાતીમાં બોર્ડ છે કે “અંહી ભાવનગરી ગાંઠિયા મળશે”. હમણાં મારા કેનેડા પ્રવાસ દરમિયાન પણ મને જાણવા મળ્યું કે ત્યાં પણ એક સાહસિકે સવારે એક કલાક માટે ગરમ ગાંઠિયાનો વ્યવસાય શરૂ કર્યો છે, સૌરાષ્ટ્રમાં તો આજે પણ કોઈ મહેમાન આવે એટલે સવારના નાસ્તામાં ગરમાગરમ ગાંઠિયા અને જલેબી પીરસવાનો રિવાજ છે. એક વખત એક ભાઈએ તો કબૂલ કર્યું હતું કે મેં મારી જિંદગીમાં એટલા ગાંઠિયા ખાધા છે કે જો એટલી સિમેન્ટ હોય તો એક બહુમાળી ભવન બાંધી શકાય. હું સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના આઇટી વિભાગમાં હતો ત્યારે શાખાઓની કામગીરી કોમ્પ્યુટરાઈઝ કરવા માટે સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં ફર્યો છું. કોઈ ગામ એવું નથી મળ્યું કે જ્યાં ગાંઠિયાની દુકાન ન હોય. કેટલાક લોકોને તો એના વગર સવાર જ પડતીનથી એવું પણ જોયું.

સૌરાષ્ટ્રમાં ગાંઠિયાના પ્રકાર પણ ઘણા બધા જોવા મળે. ફાફડા તો પ્રખ્યાત છે જ પણ અંગૂઠીયા ગાંઠિયા પણ એટલા જ ખવાય. જીણા ગાંઠિયા, જાડા ગાંઠિયા, કડક ગાંઠિયા અને નાયલૉન ગાંઠિયા પણ જોવા મળે. નાયલૉન ગાંઠિયા શબ્દ સાંભળી મારા એક બિનગુજરાતી મિત્રએ નિર્દોષતાથી પ્રશ્ન કરેલ કે સુતરાઉ અને ટેરિકોટન ગાંઠિયા પણ મળે ખરા? જે ભાવનગરી ગાંઠિયા પ્રસિધ્ધ છે એમાં તો આખા મરી પણ નખાય છે. નાયલૉન કે ઝીણા ગાંઠિયા ઝારાના ઉપયોગથી
બને છે પણ સાચી મજા તો હાથે વણાતાં ગાંઠિયામાં જ છે, સૌરાષ્ટ્રમાં કેટલીક પ્રખ્યાત દુકાનો પર સવારે બે ત્રણ કલાક માટે ગાંઠિયા બનાવનારનો વટ કોઈ રાજાથી ઊતરતો નથી હોતો. એમની કાંડાની કરામતથી બનતા અને પછી મોટા તવામાં તળાતા ફાફડા કે અંગૂઠીયા ગાંઠિયા પર ત્રાટક કરીને ઉભેલા ગ્રાહકોના ચહેરા પણ અભ્યાસ કરવા જેવા હોય છે. તેલમાં તળેલા ચણાના લોટના આ વિવિધ આકારોમાં એવું કોઈક તત્ત્વ જરૂર હશે જે ગુજરાતી લોહીમાં રહેલા વ્યાપારી સાહસના તત્વને બરકરાર રાખે છે. એ વાત સાબિત થયેલી છે કે થોડા પ્રમાણમાં ખવાયેલા ગાંઠિયા ભરપેટ
ભોજનની માફક હોય છે અને એટલે જ ગરીબો માટે આ રાજભોગ છે. તો ક્યાંક એ પણ મેં જોયું છે કે પરિવારમાં ન સચવાતા કે એકાકી જીવન જીવતા કોઈ વૃધ્ધ માટે એ પેટની આગ શમાવતું સરળ સાધન છે. એક ભાઈ તો એટલે સુધી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ છેક યમુના કાંઠેથી દ્વારકા આવીને વસ્યા હતા એની પાછળ ગોકુલના માખણ જેવા મુલાયમ સૌરાષ્ટ્રના ગાંઠિયા પ્રત્યેનું તેમનું આકર્ષણ જ કામ કરી ગયું છે, દેશનો ધનાઢ્ય પરિવાર અંબાણી પરિવાર પણ જ્યારે
ચોરવાડ આવતો હશે ત્યારે એકવાર તો અચૂક ગાંઠિયાનો સ્વાદ માણતો જ હશે,

મહદ અંશે તળેલા મરચાં સાથે ખવાતા ગાંઠિયા સાથીદારની બાબતે બહુ વફાદાર દેખાતા નથી. બાર ગાઉએ બોલી બદલાય છે તેમ લોકોની ખાણીપીણીની આદતો અને સંયોજનો બદલાય છે એટલું જ નહીં ગાંઠિયાના સાથીદારો પણ બદલાય છે. સૌરાષ્ટ્રમાં મોટેભાગે ગાંઠિયાની સાથે કાચા પપૈયાની છીણમાંથી તૈયાર થતો સંભારો ખવાય છે, નવી પેઢીના બાળકો આવા સંભારાને દેશી નુડલ્સ પણ કહે છે. બીજા એક ભૌગોલિક હિસ્સામાં એ સંભારાનું સ્થાન પ્યાજે (ડુંગળીએ) લીધું છે. રાજકોટ નજીકના એક ગામમાં તો બાફેલા બટાટાની સુકીભાજી સાથે ગાંઠિયા ખવાય છે, તો વળી
જામનગર પંથકમાં એક ગામમાં ફ્રીઝમાં રખાયેલા દહી સાથે ગાંઠિયા મેં ખાધા છે. એક જગ્યાએ કાચીપાકી વઘારેલી કાકડી સાથે પણ ગાંઠિયા ખાધાંનું યાદ છે. ભાવનગર જિલ્લાના એક ગામમાં ઝીણા ગાંઠિયા અને દેશી ગોળની લિજ્જત પણ માણી છે. ગાજરની છીણનો સંભારો પણ ગાંઠિયા સાથે ઘણી જગ્યા એ ખવાય છે. અમદાવાદમાં મળતા દેશી નળિયા જેવા ઘાટના ગાંઠિયા એટલા જાડા હોય છે કે બેત્રણ ટુકડાથી વધુ ખાવા મુશ્કેલ છે. કદાચ એટલે જ સાથે કઢી પણ ખવાય છે.

અંતે એટલું તો કહીશ જ કે જ્યાં સુધી ગાંઠિયા છે ત્યાં સુધી ગુજરાતીપણું અમર રહેવાનું છે.

- પ્રણવ ત્રિવેદી