
- સ્વાન્ત: સુખાય
એક તબીબ મિત્ર જે સ્વયં એક સારા ચિત્રકાર છે, ગાયક પણ છે અને તસ્વીરકલામાં પણ નિપુણ છે એમને મળવાનું બન્યું. પુસ્તકોની વાત નીકળી તો એમણે કહ્યું કે હવે મેં વાંચવાનું બંધ કર્યું છે ! આ નવાઈ લાગે તેવી વાત હતી જ. માટે અમારા ચહેરા પર પ્રગટેલા પ્રશ્નચિહ્ન જોઈ એમણે ફોડ પાડ્યો. તબીબસાહેબનું કહેવા પ્રમાણે બાળપણથી વાંચનનો શોખ હોઈ અનેક પુસ્તકો વાંચ્યા અને એ વાંચન તેમજ વાંચ્યા પછીના ચિંતનમાંથી એક સમજણ પ્રગટી. એને આપણે ડહાપણ પણ કહી શકીએ. જો નવું નવું ઠાલવ્યા જ કરીશું તો એ ડહાપણ કે સમજણને જીવીશું ક્યારે?
કોઈ વ્યક્તિ આ વાત સાથે અસહમત હોઈ શકે પણ આ વાતે મને વિચારતો કરી મુક્યો. આસપાસ નજર કરીએ તો એક નિરીક્ષણ ચોક્કસ નજરે પડે છે કે કોઈ માણસ કવિતા માણતી વેળાએ કે સાહિત્ય વાંચતી વખતે અથવા ચિત્ર કે સંગીત માણતી ક્ષણોમાં સમાંતરે એ કૃતિને મુલવતો પણ રહે છે. આ જ વાતમાં એક પાતળી ભેદરેખા દોરવી પડશે. ઉદાહરણ તરીકે, કોઈ કાવ્ય નિષ્ણાત શ્રોતા મુશાયરામાં ગઝલની માત્રામાં ધ્યાન આપશે. એમાં વાંધો ન લઈ શકાય પણ એ ક્ષણે એ કાવ્ય તત્ત્વને કે એની ચમત્કૃતિને માણવાનું ચુકી જાય એવું બને. કોઈ સંગીતજ્ઞ બીજાનું સંગીત માણતી વખતે તાલને ગણવામાં કે સુરગૂંથણીમાં વધુ ધ્યાન આપશે તો શક્ય છે કે સુર અને તાલની ઓથે કાનમાં પ્રવેશતું સંગીત એ ચુકી જાય. સત્ય એ છે કે કવિતા એ શબ્દોની પ્રસ્તુતિની ઉપરવટ જઈ પ્રગટતી અદ્રશ્ય રચના છે. સંગીત એ તો વાદ્યોના ધ્વનિ કે સ્વરપેટીના અવાજોથી કૈંક વિશેષ જ છે.
પેલા તબીબ મિત્રના કહેવા પ્રમાણે વાંચન એ તો માંહ્યલો માંજવાની ક્રિયા છે. કોઈ ગૃહિણી વાસણને સતત માંજયા જ નહીં કરે પણ એ વાસણ કશુંક ભરવા લાયક બને એટલે માંજવાનું કામ પૂરું. પણ માનવનો પ્રકૃતિદત્ત સ્વભાવ હોય છે કે એની પહેલી પ્રતિક્રિયા મુલ્યાંકનલક્ષી જ હોવાની. કોઈ નવાસવા લેખકને વાંચીને કહેવાશે કે "સારું લખે છે હોં !" અથવા "બહુ મજા ન આવી !". આવું જ કોઈપણ કલા પ્રસ્તુતિમાં થવાનું. આમ પણ કલાનો સ્વીકાર તેના મુલ્યાંકનમાં પાર ઉતર્યા પછી જ થતો જોવાય છે. હા, કોઈ સર્જક માર્ગદર્શન સબબ કશુંક રજૂ કરે ત્યારે ચોક્કસ એની અપેક્ષા હોય જ કે કંઈક સુધારાવધારા સૂચવી એ કૃતિનું મૂલ્યવર્ધન કરીએ પણ પ્રસ્તુતિના દરેક કિસ્સામાં એ હેતુ ન હોવા છતાં માણસ ત્રાજવું છોડી શકતો જ નથી. અહીં એક બીજી પણ મનોવૈજ્ઞાનિક ઘટના બનતી હોય છે. આપણી અપેક્ષા કે સમજણની કક્ષા પ્રમાણે કોઈ વાત ન સમજાય તેને આપણે ઓછા મૂલ્યની આંકીયે છીએ અને અજાણતા જ તેના સર્જકને અન્યાય કરી બેસીએ છીએ. એક મરચું એક વ્યક્તિને તીખું ન લાગે તો એ કહેશે કે મરચું તો તીખું નથી પણ એ જ મરચું બીજી વ્યક્તિ ચાખે અને કહે કે બહુ તીખું છે. અને બન્ને વખતે વાત તો મરચાના ગુણદોષની જ થાય એ કેવી વિડંબના છે?
આપણી વાત તો બહુ પુસ્તકો વાંચ્યા પછી પ્રગટેલી સમજણને અવગણીને દરેક વસ્તુને મુલવ્યા કરવાની વૃત્તિ વિશે છે. ક્યાંક કોઈક સમયે તો વાંચનની મદદથી ઘડાયેલી સમજણને જીવવાનું નક્કી કરવું જ પડશે. પેલા બહુ ચર્ચિત કિસ્સા પ્રમાણે એક મહાપુરુષે પોતાને મળેલા એક પત્રમાં ખૂબ ગાળો લખાયેલી જોઈ, એ પત્રના પાનાઓ પરથી ટાંકણી કાઢી લઈ પત્રને કચરાટોપલીના હવાલે કર્યો. બસ આ જ કરવાનું છે. કોઈ પણ વાત, વિચાર, કલાકૃતિ, કાવ્ય, લેખ, વાર્તા જે કંઈ પણ આપણા હાથમાં આવે એનું મૂલ્યાંકન કરવાની બદલે એમાંથી આપણા કામનું સત્વ શોધી લેવાનું છે. આપણી પાસે આવેલી દરેક વાતમાં નિર્ણાયક બન્યા કરીશું અને એના ગુણદોષમાં પડીશું તો માણીશું ક્યારે? તણાવ ઓછો કરવાના એક ઉપાય તરીકે મનોવૈજ્ઞાનિકો પણ જજમેન્ટલ એટીટ્યુડ છોડવાની જ વાત કરે છે ને?
આવો, જિંદગીની પ્રત્યેક પળ મુલવવાનું છોડી માણવાનું શરૂ કરીએ એને એમ કરીને મનની ઉર્જા પણ બચાવીએ.
- પ્રણવ ત્રિવેદી