
- ઇતિહાસ ગાથા
ગુજરાત એટલે ભારતના ઇતિહાસના અનેક નાયકોની ભૂમિ. આ ગુજરાત રાજ્યનો નકશો તો આપણે જાણીએ છીએ, પરંતુ એ નકશાના ઘડવૈયા કદાચ ઓછા જાણીતા છે. આજના ગુજરાતને ‘ગુજરાત’ નામ અને એક ચોક્કસ ભૌગોલિક ઓળખ અપાવનાર હતા ગુજરાતના ઇતિહાસના સૌથી પ્રતાપી એવા સોલંકીઓ. ગુર્જર ભૂમિના નાયક, મહાશૂરવીર સોલંકી શાસકોની કથા જોઈએ તો...
ગુજરાતના ઇતિહાસની આ ગાથામાં મૈત્રકયુગ, અનુમૈત્રકયુગ અને એ પછી સોલંકી યુગ તેના પાયામાં રહ્યો. પાટણ ગુજરાતની રાજધાની બની ચુક્યું હતું અને વનરાજ ચાવડાના પ્રતાપે તેના વંશજો પાટણ પર રાજ કરી રહ્યા હતા. ચાવડા વંશના રાજા સામંતસિંહ ગુજરાતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બની રહ્યા. ગુજરાતમાં સોલંકી શાસનની શરૂઆત કેવી રીતે થઇ અને સામંતસિંહ કેવી રીતે તેનું કારણ બન્યા તેની કથા બહુ રસપ્રદ છે.
સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી હતા. તેમના પિતાનું નામ રાજિ હતું. તેઓ પ્રતિહાર રાજ્યમાં ગુર્જર દેશના વીર યોદ્ધા હતા અને અશ્વવિદ્યામાં નિષ્ણાંત હતા. એકવાર તેઓ પાટણ આસપાસ વિહાર કરી રહ્યા હતા ત્યારે પાટણના રાજવી સામંતસિંહ પણ એ બાજુ જ વિહાર કરી રહ્યા હતા. સામંતસિંહના ઘોડાને કઈંક તકલીફ પડતા જંગલમાં રાજિએ સામંતસિહના ઘોડાને સાજો કર્યો. તેથી સામંતસિંહ રાજિની આ વિદ્યાથી પ્રસન્ન થયા અને પોતાની બહેન લીલાવતીના લગ્ન આ રાજિ સાથે કરાવ્યા. એમાં અકસ્માતે લીલાવતીદેવીનું અવસાન થયું. આ સમયે તેઓ ગર્ભવતી હોવાથી તેથી તેમનું પેટ ચીરીને મૂળરાજનો જન્મ થયો. આ મૂળરાજ યુવાનીમાં પરાક્રમી હતા અને મામા ચાવડા સામંતસિંહને ત્યાં જ રહેતા હતા. તેણે મામાને અનેક યુદ્ધો જીતવામાં મદદ પણ કરી હતી.
મામા-ભાણેજના આ સંબધો તો બહુ સારા હતા. પરંતુ એક જ તકલીફ હતી. મામા સામંતસિંહ મદ્યપાનના સખત બંધાણી હતા. રોજ નશામાં હોય ત્યારે મૂળરાજને ગાદી પર બેસાડે અને ભાન આવે એટલે ઉઠાડી મૂકે. આવી રોજરોજની રમત અને અપમાનથી કંટાળેલા મૂળરાજે પોતાને રાજા બનતો જોવા ઈચ્છતા લોકોની મદદથી કાવતરું ઘડ્યું. એક દિવસ નશામાં ચૂર રહેલા મામા સામંતસિંહે મૂળરાજને ગાદીએ બેસાડ્યો અને ત્યારે ગાદી પરથી જ ભાણેજ મૂળરાજે મામા સામંતસિંહનું માથું ધડથી અલગ કરી દીધું.
ઘણા લોકો આ કથાને માત્ર દંતકથા જ માને છે. પરંતુ સોલંકી શાસનના સુવર્ણસમયના રાજવી કુમારપાળ સોલંકીના સમયમાં વડનગર શહેરમાં એક શિલાલેખ કોતરાયો હતો, જેમાં મૂળરાજ સોલંકીએ ચાવડા રાજાનું રાજ્ય મેળવ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. એ સિવાય વિક્રમ સંવત 1230માં રચાયેલા ‘મોહરાજપરાજય’ નામના નાટકમાં પણ એક ચાવડા રાજાએ પોતે નશાની હાલતમાં પોતાનું રાજ્ય ગુમાવ્યું હોવાના ઉલ્લેખ છે. એ બધા કરતા વધુ પ્રમાણિત મૂળરાજ સોલંકીએ એક દાનપત્રમાં તેમણે પોતે આ રાજ્ય કેવી રીતે મેળવ્યું તેનો ઉલ્લેખ કર્યો હતો.
હવે વાત કરીએ મૂળરાજ સોલંકીની. મૂળરાજ સોલંકી ઇ.સ.942 થી 997 સુધી ગુજરાતની ગાદી પર રહ્યા. કુલ 55 વર્ષના તેમના શાસનમાં તેમણે એક મહાન રાજવંશનો પાયો નાખ્યો. મામાની હત્યા કરીને ગાદી પર આવ્યા હોવાથી એ પાપ ધોવા અનેક દાન કર્યા. પ્રજા વત્સલ કામો પણ કર્યા. સોલંકી વંશના સમયમાં ગુજરાતની સરહદો ઘણી વિસ્તરી. મૂળરાજ સોલંકી પહેલા એવા રાજા હતા જેનું શાસન હાલના સમગ્ર ગુજરાત અને રાજસ્થાન–મધ્યપ્રદેશના વિસ્તાર સુધી પ્રવર્તતુ હતું.
મૂળરાજ સોલંકીના સમયમાં થયેલી મહત્વની લડાઈમાં જુનાગઢના ગ્રહરિપુ સાથે થયેલા યુદ્ધને મુખ્ય ગણી શકાય. કેમ કે, આ યુદ્ધમાં પાટણ વતી સ્વયં મૂળરાજ સોલંકી રણમેદાને ચડ્યા હતા. ગ્રહરિપુ અયોગ્ય શાસક છે અને પ્રજાને હેરાન કરે છે એ બહાને તેના વિરુદ્ધ યુદ્ધ શરુ થયું હતું. જુનાગઢના શાસકોની રાજધાની એ સમયે વંથલી હતી. જુનાગઢનો રાજા ગ્રહરિપુ પણ એક પરાક્રમી રાજા હતો. તે પણ પોતાની સરહદ વિસ્તરે એની જ રાહ જોતો હતો. યુદ્ધ માટે આતુર ગ્રહરિપુ વિશાળ સૈન્ય લઈને તૈયાર જ બેઠો હતો. જમ્બુમાલી નદીનાં કાંઠે બે દિવસ ભીષણ યુદ્ધ થયું. આ ભયંકર યુદ્ધમાં બંને પક્ષે મોટી જાનહાની થઇ. જેમાં મૂળરાજે ત્રીજા દિવસે પોતાની અદ્ભુત યુદ્ધકલાથી ગ્રહરિપુને કેદ કર્યો. પણ આ કેદ થયેલો રાજા હજુ હાર્યો ન્હોતો!
જેવો ગ્રહરિપુ કેદ પકડાયો તુરંત જ તેનો મિત્ર લક્ષ તેની મદદે આવ્યો અને ફરીવાર યુદ્ધ થયું. હવે યુદ્ધ લક્ષ અને મૂળરાજ વચ્ચે થયું. આ દ્વન્દ્વમાં મૂળરાજે લક્ષને ભાલા વડે હણી નાખ્યો. આ રીતે યુદ્ધમાં મૂળરાજ સોલંકીનો ભવ્ય વિજય થયો. પોતે નવા રાજા હતા તેથી યુદ્ધમાં વિજયની સાથે સાથે પ્રજા સાથે પણ સુમેળભર્યા સંબંધો સ્થાપાય એવા કામનાના ભાગરૂપે તેમણે ગ્રહરિપુને કેદમાંથી છોડીને તેને પોતાનો ખંડીયો રાજા બનાવ્યો. આ રીતે યુદ્ધના મેદાન બાદ રાજદ્વારીની રીતે પણ તેઓ વિજયી બન્યા.
- રક્ષા ત્રાપસિયા