
- ઇતિહાસ ગાથા
ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ એટલે સોલંકી યુગ. અને એ સોલંકી યુગની પૂર્વભૂમિકા કહી શકાય એવો સમયગાળો એટલે ચાવડા વંશનો સમય. સોલંકી યુગના સ્થાપક મૂળરાજ સોલંકી એ અંતિમ ચાવડા રાજવી સામંતસિંહના ભાણેજ હતા. આ રીતે ગુજરાતના ઇતિહાસમાં ચાવડા વંશ મહત્વનો મનાય છે. સામાન્ય રીતે સ્થાપક વનરાજ ચાવડા અને અંતિમ ચાવડા શાસક સામંતસિંહને બાદ કરતા આ વંશના બીજા રાજાઓ ઓછા જાણીતા છે. આ પ્રકરણમાં જોઈએ એ રાજાઓની વાત.
ચાવડા વંશમાં વનરાજ ચાવડા પછી યોગરાજ, ક્ષેમરાજ, ભુવડરાજ, વૈરસિંહરાજ, રત્નાદિત્ય અને સામંતસિંહ વગેરે રાજવીઓએ પાટણની ગાદી સંભાળી. ચાવડા વંશ ઈ.સ. 756થી 942 સુધી પાટણ પર સત્તા ધરાવતો હતો.
ચાવડા વંશના સમયના કોઈ સિક્કા, શિલાલેખ, અભિલેખ કે દાનપત્રો મળતા ન હોવાથી ચાવડા વંશની અધિકૃત માહિતી બહુ ઓછી મળે છે. તેથી તેની માહિતી મેળવવા માટે મોટેભાગે અનુશ્રુતિઓ, સાહિત્યિક ગ્રંથો અને પ્રબંધો પર આધાર રાખવો પડે છે. ચૌદમી સદીની શરૂઆતમાં લખાયેલા પ્રબંધચિંતામણિમાં પાછળથી જે ઉમેરાયું એમાં વનરાજ ચાવડાના અનુગામી તરીકે અન્ય સાત રાજાઓના ઉલ્લેખ મળે છે. જયારે અન્ય પ્રતમાં આઠ રાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રબંધચિંતામણિના લગભગ પોણોસો વર્ષ પહેલાં રચાયેલ સુકૃતસંકીર્તિકલ્લોલિનીમાં આઠ નામ આપેલાં છે. પ્રબંધચિંતામણિ પછી લખાયેલા વિચારશ્રેણી, કુમારપાલપ્રબંધ, ધર્મારણ્ય, રત્નમાળ વગેરે ગ્રંથોમાં સાત કે આઠ નામ આપેલાં છે. ભાટ-ચારણોના ચોપડામાં પણ જુદા જુદા નામ આપેલા છે. 18મી સદીમાં લખાયેલા મિરાતે અહમદીમાં પણ ચાવડા વંશના રાજાઓના જુદા જુદા નામો આપેલા છે. પરંતુ પહેલા બે રાજાઓ વનરાજ અને યોગરાજ સિવાય અન્ય રાજાઓના નામમાં ભિન્નતા વધુ છે. દરેક ગ્રંથોમાં આ બે નામો જ સમાન છે.
વનરાજ ચાવડાના નિધન પછી તેના ઉત્તરાધિકારી તરીકે યોગરાજ આવે છે. ‘પ્રબંધચિંતામણિ’માં રાજા યોગરાજને લગતી અનુશ્રુતિ આપેલી છે. એ અનુશ્રુતિ મુજબ પૂર્વજોના કલંકને લઈને એનું રાજ્ય ચરટો(ચોરો)નું રાજ્ય ગણાતું હતું. એ પરથી ‘ચાઉડા’–‘ચાવડા’ શબ્દ ગુજરાતી શબ્દ ‘ચોટ્ટા’–‘ચોરટા’(ચોરી કરવાની ટેવવાળા)ને મળતો હોવાનું કહેવાય છે. વનરાજ ચાવડા જંગલમાં જે લૂંટ કરતા એ સંદર્ભે આ વાત લખાઈ હોય એવું બની શકે.
વનરાજના ચાવડાના અવસાન પછી તેનો પૌત્ર યોગરાજ ગાદીએ આવ્યો. તેમના કાર્યકાળ વિષે કોઈ ખાસ વિગતો મળતી નથી. પરંતુ તેનો પુત્ર ક્ષેમરાજ રાજા બન્યો તેના વિશેની કથામાં યોગરાજ વિશેની વિગતો દર્શાવી છે. ‘પ્રબંધચિંતામણિ’માં થયેલી નોંધ મુજબ યોગરાજનો પુત્ર ક્ષેમરાજ જ્યારે કુંવર હતો ત્યારે તેને જાણ થઈ કે પરદેશનાં કેટલાંક વહાણો તોફાનને કારણે ઘસડાઈને સોમનાથ પાટણ આવી પહોંચ્યા છે. તેમાં એક હજાર તેજસ્વી ઘોડા, અઢાર હાથી અને અન્ય કિંમતી વસ્તુઓ મળીને કરોડોનો માલ હતો. તેણે આ બધો માલ લૂંટી લેવાની પિતા યોગરાજ પાસે પરવાનગી માંગી. પરંતુ રાજાએ આવું અઘટિત કામ નહિ કરવાની સલાહ આપી. કેમ કે પહેલેથી જ ચાવડાઓની ઓળખ ચોર જેવી થઇ જ ગઈ હતી.
આમ છતાં પિતા યોગરાજની સલાહ અવગણીને ક્ષેમરાજ અને તેના ભાઈઓએ લશ્કરની મદદથી વહાણો પર આક્રમણ કરીને તે લૂંટી લીધાં. આટલી બધી સંપતિ જોઇને પિતાનું મન પીગળી જશે ને પોતાને માફ કરી દેશે એમ વિચારીને તેમણે લુંટેલો માલ પિતા યોગરાજ સામે રજુ કર્યો. આ જોઇને યોગરાજ ઘણા ગુસ્સે થયા. એક પિતા તરીકે પોતાના પુત્રના આ કાર્ય માટે તેમને ભારે અફસોસ થયો. તેઓ સાવ ચુપ થઇ ગયા. ક્ષેમરાજે જયારે આ લૂંટ વિષે પિતાને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘પુત્રોએ આવા કાર્યથી તેમના પૂર્વજો ચોર અને લૂંટારા હતા તે હકીકતને સમર્થન આપ્યું છે. પરદેશના રાજાઓ ગુજરાતના અન્ય રાજાઓની પ્રશંસા કરતા હતા, જ્યારે તેઓ ચાવડાઓની ચોર અને લૂંટારા તરીકે મજાક ઉડાવતા હતા. વનરાજના શાસનકાળ દરમિયાન આ હકીકત લગભગ ભૂલાઈ ગઈ હતી, પરંતુ ક્ષેમરાજ અને તેના ભાઈઓએ પોતાના રાજ્યની સરહદની પાસે આવેલા મુલકમાં લૂંટ ચલાવીને પૂર્વજોના કલંકને તાજું કર્યું હતું.’ પ્રબંધચિંતામણી ગ્રંથમાં આ ઘટના આલેખી છે. એ કદાચ દંતકથા જ હોય એ પણ સંભવ છે. છતાં, ચાવડા શાસકોના સમયમાં રાજ પરિવારમાંથી કોઈ ચોરી કરતા જ હશે એ ઘટના સામાન્ય હતી એવું માની શકાય.
ચાવડા વંશના વારસદારોમાં યોગરાજ પછી ક્ષેમરાજ આવ્યા. એ પછીની વિગતો વિશેષ પ્રાપ્ત થતી નથી. ઈતિહાસકારો માને છે કે એ પછી તેમનું રાજ્ય સંકોચાઈ ગયું હશે. એક સામાન્ય રાજ્યથી વિશેષ તેમની કોઈ ઓળખ ન હતી. છતાં તેમના સમયમાં પાટણની સ્થાપના થઇ અને સોલંકી વંશનો ઉદ્ભવ થયો એના કારણે તેનું મહત્વ ઘણું છે.
ચાવડા રાજાઓ વિષે સામાન્ય રીતે એવું કહેવાય છે કે, એ રાજાઓ સહિષ્ણુ અને ઉદાર હતા. તેઓ શૈવ, વૈષ્ણવ તેમજ જૈન ધર્મ તરફ સમાન વલણ દાખવતા. જો કે, વનરાજ અને તેના અનુયાયીઓ જૈન મુનિઓની અસર હેઠળ હોવાથી જૈન ધર્મને વિશેષ મહત્વ આપતા. રાજ્ય વહીવટમાં રાજાને મહાઅમાત્ય, સ્થાનપુરુષ (સંધિ વિગ્રહક), પંચાલી (કર ઉઘરાવનાર), દંડ નાયક વગેરે - સહાય કરતા. ચાવડાઓનું રાજ્ય સારસ્વત મંડળ એટલે કે સરસ્વતી નદી અને તેના - આસપાસના પ્રદેશ - પાટણ - પાલનપુર - સિદ્ધપુર વગેરે પૂરતું મર્યાદિત હતું.
- રક્ષા ત્રાપસિયા