Home / GSTV શતરંગ / Raxa Trapasiya : Solanki Reign - 2 Raxa Trapasiya

શતરંગ / સોલંકી શાસન - 2

શતરંગ / સોલંકી શાસન - 2

- ઇતિહાસ ગાથા

મૂળરાજ સોલંકી પાટણની ગાદી પર બેસી ચુક્યા હતા. જુનાગઢના ગ્રહરિપુ પરના વિજયે તેમની કીર્તિમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સોલંકી વંશની શરૂઆત બહુ ભવ્ય થઇ હતી. મૂળરાજ સોલંકીને રાજધાનીની પણ ચિંતા ન હતી. કેમ કે, તેમને 200 વર્ષથી રાજધાની રહી ચૂકેલું પાટણ તૈયાર જ મળ્યું હતું. એટલે રાજધાની તૈયાર કરવામાં મહેનત કરવાને બદલે તેમણે રાજ્યના સીમાડા વિસ્તારવામાં જ મહેનત કરવાની હતી. જેના પરિણામ તેમને જુનાગઢમાં મળી ગયા. 

જુનાગઢ પર વિજય બાદ લગભગ સમગ્ર સૌરાષ્ટ્ર તેમના તાબા હેઠળ આવ્યું. કચ્છમાં પણ તેમનો વિજય થયો. તેથી ગુજરાતનું રાજકીય ભૂગોળ તૈયાર થયું. તેમના શાસનમાં એકંદરે પ્રજાને સુખાકારીનો અનુભવ થવા લાગ્યો. પ્રજાકીય કામો પણ ખૂબ થતા હતા. આ ઉપરાંત તેમના અનુગામી રાજાઓએ પણ તેમની પ્રજાલક્ષી કામગીરીમાં કોઈ કચાશ રાખી ન હતી. તેથી સામાન્ય લોકો માટે સોલંકી શાસકો દેવદૂતથી કમ ન હતા. 

ઇતિહાસકાર અલ બરુનીએ તેમના ગ્રંથમાં પાટણની સમૃદ્ધિના ખૂબ વખાણ કર્યા છે. સોલંકી શાસક ભીમદેવ પહેલાના સમયમાં સોમનાથ પર ચડાઈ કરનાર મહમૂદ ગઝની સાથે આવેલા ઇતિહાસકાર ફરિશ્તાએ તેના ગ્રંથમાં લખ્યું છે કે, ‘મહમૂદ ગઝનીને આ નગરની સમૃદ્ધિ જોઇને પોતાની રાજધાની અહીં કરવાની ઇચ્છા થયેલી’. 

મૂળરાજ સોલંકીએ એક મહાન સામ્રાજ્યના પાયા નાખ્યા. એ સદનસીબ હતા કે તેમના વારસદારોએ તેમના આ ભવ્ય વારસાને આગળ વધાર્યો. મૂળરાજ સોલંકી પછી તેમને પુત્ર યુવરાજ ચામુંડરાજ ગાદી પર આવ્યા. તેઓને શાસન કરવા માટે વધુ સમય ન મળ્યો. આ ટૂંકાગાળામાં પણ તેમણે સિંધુરાજને યુદ્ધમાં ભગાડી મૂક્યો હતો. આ સિંધુરાજ એ કોઈ જેવો તેવો રાજા ન હતો. એ મહાન રાજા મુંજનો નાનો ભાઈ અને રાજા ભોજનો પિતા હતો. ચામુંડરાજ જૈન ધર્મમાં ખુબ આસ્થા ધરાવતા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણાં જૈન વિહારો બંધાવ્યા. કહેવાય છે કે, ચામુંડરાજ અતિકામથી પીડાતા હતા. એક આદર્શ રાજા માટે આ સારી બાબત ન કહેવાય. એ પણ મૂળરાજ સોલંકીની ગાદી પર બેઠેલી વ્યક્તિ માટે તો નહીં જ. તેથી તેમના મોટા બહેન જે ચાચિણીદેવી કે વાચિણીદેવી નામથી જાણીતા હતા, તેમણે મોટી બહેનના અધિકારીથી ચામુંડરાજને ગાદી પરથી ઉઠાડી મૂક્યા. તેમણે પાટણની ગાદી ચામુંડરાજના મોટા પુત્ર વલ્લભરાજને સોંપી.

રાજવી પદ માટે લાયક ન રહેતા ચામુંડરાજ ખૂબ જ વ્યગ્ર રહેવા લાગ્યા. મોટાબહેન દ્વારા થયેલું અપમાન પણ ક્યાંક મનમાં તો હતું જ. પણ એ સાચા હોવાથી કંઈ કરી શકાય એમ ન હતું. પાટણની ગાદીની પવિત્રતાના કારણે પણ એ જ યોગ્ય હતું. તેથી પશ્ચાતાપના  ભાગરૂપે શાંતિની શોધ અને આત્મસાધના કરવા ચામુંડરાજ કાશી જવાનું નક્કી કરે છે. 

ચામુંડરાજ કશી જવાનું નક્કી કરે છે પણ એમાં સમસ્યા માત્ર એક જ હતી કે પાટણથી કાશી જવાનો રસ્તો જે હતો એ માળવા થઈને જતો હતો. જે પરંપરાગત ગુજરાતનું દુશ્મન હતું. ચામુંડરાજ ઉંમરમાં મોટા હતા ને પૂર્વ રાજા પણ હતા. એટલે એમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને એવી બીક તો ન હતી. છતાં દુશ્મન રાજ્યમાંથી પસાર થવાનું હોય ત્યારે મનમાં અનેક આશંકાઓ તો રહે જ. અને એવું જ થયું. ચામુંડરાજ માળવામાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમના નાનકડા કાફલા પર હુમલો થયો. હુમલાખોરોએ માત્ર હુમલો ન કરતા તેમનું છત્ર પણ લૂંટી લીધું. કોઈપણ રાજા માટે તેમની ઓળખ તેમના રથનું છત્ર હોય, એના દ્વારા જ ખબર પડે કે આ રથ કોઈ સામાન્ય વ્યક્તિનો છે કે રાજાનો. એટલે એમ કહી શકાય કે, પાટણના પૂર્વ રાજવીનું માળવામાં ઘોર અપમાન થયું.

આ બનાવથી ચામુંડરાજે કાશી જવાનું માંડી વાળ્યું અને તુરંત પાટણ પરત ફર્યા. પાટણ આવીને તેમણે તેમના પુત્રોને આ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો. પુત્રને આદેશ આપ્યો કે કોઈપણ ભોગે રાજના આ રાજચિહ્ન પરત લઇ આવવા.

પરંપરાતગત દુશ્મનીમાં હવે અંગત અપમાન પણ ભળ્યું. પિતાની આજ્ઞા થતા જ વલ્લભરાજે સૈન્ય તૈયાર કર્યુ. ભીષણ યુદ્ધની તૈયારી હોય એવી તૈયારી સાથે વલ્લભરાજ માળવા પર આક્રમણ કરવા દોડી ગયા. પણ ઈશ્વરની અદાલતમાં અપમાનનું વેર લેવાનું કોઈ બીજાના હાથે લખાયું હતું. વલ્લભરાજ રસ્તામાં જ કોઈ અસાધ્ય બીમારીથી અવસાન પામ્યા. અને આ બીમારીથી હવે બચી શકાય એમ નથી એવું લાગતા તેમણે સૈન્યને આદેશ આપ્યો હતો કે પોતાના મૃત્યુ પછી માળવા પર આક્રમણના બદલે સૈન્ય પાછું પાટણ લઇ જવું. વલ્લભરાજ અવસાન પામ્યા એની જાણ પાટણ પહોંચ્યા પહેલા કોઈને ન થાય એની ખાસ તકેદારી રાખવા પણ જણાવેલું. નહીં તો રાજાના મૃત્યુના સમાચાર સાંભળી દુશ્મન તુરંત આક્રમણ કરે. ચામુંડરાજે ગાદી ત્યાગ કર્યો હતો, વલ્લભરાજ અકાળે આવાસ પામ્યા. પુત્રનું અકાળે અવસાન થતાં પિતા ચામુંડરાજ શુક્લતીર્થમાં જઇને દેહ ત્યાગ કરે છે. મૂળરાજ સોલંકીનું આ રાજ્ય હાલક-ડોલક થતું હતું. મુળરાજ સોલંકી જેવા મહાન રાજવીના પુત્રો પિતાનું નામ ઉજાળવામાં ઉણા ઉતર્યા. આવી અનેક કથાઓથી આપણો ઈતિહાસ ભર્યો પડ્યો છે.

- રક્ષા ત્રાપસિયા