
- ઇતિહાસ ગાથા
ગુજરાતના ગૌરવ સમા પાટણ શહેરની સ્થાપના જેમના દ્વારા થઇ એ ચાવડા વંશના પ્રતાપી રાજવી વનરાજ ચાવડાની ‘એક લૂંટારાથી રાજવી બનવા સુધીની કથા’ આ પ્રકરણમાં જોઈએ.
ગત પ્રકરણમાં જાણ્યું એ મુજબ હાલના પાટણ નજીકના પંચાસર ખાતે રાજા જયસિકરીના યુદ્ધમાં પરાજય બાદ તેના સાળા સુરપાળ પોતાની ગર્ભવતી બહેન રૂપસુંદરીને લઈને જંગલમાં જતા રહે છે. જ્યાં રૂપસુંદરી પુત્રને જન્મ આપે છે. વનના ભીલ લોકોએ રાણી રૂપસુંદરી અને તેમના બાળકુંવરને બહુ માનથી સાચવ્યાં હતા.
વનમાં જન્મ્યો હોવાથી કુંવરનું નામ વનરાજ પડે છે. ઘોડિયામાં સૂતેલા વનરાજને જોઇને જૈનમુનિ શીલગુણસુરીજી તેનામાં મહાન રાજવી બનવાના અને જૈન ધર્મનો ઉદ્ધાર કરવાના અણસાર જુએ છે. પિતાની બહાદૂરીની વાર્તાઓ સાંભળીને મોટો થયેલો વનરાજ પિતાનું રાજ્ય પાછું મેળવવાના સપનાઓ જોવા માંડે છે. મામાએ તેને યુદ્ધકળા તો શીખવી જ દીધી હતી. પરંતુ જૈનમુનિ શીલગુણસુરીજી તેને રાજધર્મ શીખવે છે. વનરાજ ચાવડા શસ્ત્રવિદ્યામાં નિપુણ થતા જતા હતા. જંગલમાં રહેવાના કારણે ભીલ જાતિના આદિવાસી લડવૈયાઓ પણ તેની સંગાથે હતા. અને મામા સુરપાળ તેના ગુરુ અને માર્ગદર્શક બન્યા.
વનરાજ પાસે સેનાના નામે માત્ર થોડા સાથીદારોની ટોળકી જ હતી. જયારે મોટી સેના તૈયાર કરવા માટે તો ધન જોઈએ, જે તેની પાસે ન હતું. તેથી વનરાજ અને તેના સાથીઓ જંગલમાંથી પસાર થતા રાજા ભુવડના લોકોને લૂંટતા. જંગલમાં આવેલો કોઈ પણ માણસ વનરાજની લૂંટથી બચ્યો ન હતો. તેથી જ તેની ઓળખ એક લૂંટારાની બની ગઈ હતી. જેને ભૂંસવા માટે તેના આખા વંશને બહુ મહેનત કરવી પડી હતી.
વનરાજને જયારે અહેસાસ થયો કે, પોતે જે કામ કરી રહ્યો છે તે કેટલું ખોટું છે; ત્યારે તેણે એ કામ બંધ કર્યુ. અને પોતાને મળેલા બે મિત્રોની મદદથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને પોતે એક ઉત્તમ રાજા બન્યો. સમય જતા તે મિત્રો વનરાજના મિત્રો મટીને સલાહકાર પણ બન્યા. જેમાંનો એક-અણહિલ ભરવાડ અને બીજો-ચાંપો વાણીયો.
ચાંપો વાણીયો વીર માણસ તો હતો જ. સાથે સાથે તે ધનવાન પણ હતો. તેની મિત્રતાના કારણે વનરાજ ચાવડાને આર્થિક ચિંતા મટી ગઈ. અને મોટું લશ્કર તૈયાર કરીને તેણે ભુવડ પર આક્રમણ કર્યુ. જંગલમાં જન્મેલા વનરાજને છેક 50 વર્ષની વયે રાજાનું પદ પ્રાપ્ત થયું.
તેના મિત્ર અણહિલ ભરવાડે બતાવેલી ભૂમિ પર લાક્ષારામની નજીક વનરાજે એક નવું નગર વસાવ્યું અને તેનું નામ પોતાના મિત્રના માનમાં અણહિલપુર રાખ્યું. જે પછીથી અણહિલવાડ પાટણ તરીકે જાણીતું બન્યું અને ગુજરાતનું સત્તાકેન્દ્ર પણ બન્યું. અણહિલવાડમાં વનરાજે ધર્મથી માનેલી બહેન શ્રીદેવી પાસે રાજતિલક કરાવ્યું અને જામ્બને એટલે કે ચાંપા વાણીયાને મહામાત્ય નીમ્યો.
આમ, પિતાના પગલે વનરાજ ચાવડા પણ રાજા બને છે. તેમના શાસનકાળ વિશે જુદા જુદા મતો પ્રવર્તે છે. એક ઉલ્લેખ મુજબ ઈ. સ. 746થી ઈ. સ. 805 સુધી તે રાજગાદીએ હતો. જ્યારે છેલ્લાં સંશોધનો મુજબ તેનો શાસનકાળ ઈ. સ. 720થી ઈ. સ. 780 બતાવવામાં આવે છે.
તેમનો શાસનકાળ નક્કી ન હોવાનું કારણે એ છે કે અન્ય રાજાઓની જેમ તેમણે શિલાલેખ, તામ્રપત્રલેખ, સિક્કા કે મુદ્રાલેખ કોતરાવ્યા ન હતા. જોકે પાટણમાં ગણપતિમંદિરમાં ઉમા-મહેશ્વરની મૂર્તિ પર વનરાજ ચાવડાનો ઈ. સ. 746નો લેખ કોતરેલો છે. પરંતુ તે લેખ ઘણો પાછળથી કોતરાયેલો ગણાય છે.
બહુ મોટી ઉંમરે વનરાજે પોતાનું રાજય પાછું મેળવ્યું અને પાટણને પોતાની રાજધાની બનાવી. તે એક રાજા તરીકે તે ન્યાયપ્રિય, પ્રજાપ્રેમી અને ઉદાર હતો. તેણે જૈન ધર્મને રાજયાશ્રય આપ્યો અને અનેક મંદિરો બંધાવ્યા. પોતાને કપરા દિવસોમાં મદદ કરનાર દરેકને તેણે યાદ રાખ્યા હતા. મિત્ર અણહિલના ઉપકારના બદલામાં તેણે પોતાની રાજધાનીને ‘અણહિલ-પાટણ’ નામ આપ્યું. ચાંપા વાણિયાની કદર કરવા તેણે વડોદરા નજીક પાવાગઢ પર્વતની તળેટીમાં નગર વસાવીને તેને ‘ચાંપાનેર’ નામ આપ્યું. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું અને તેમાં પ્રજાના આગ્રહથી પોતાની પ્રતિમા પણ મૂકી. આજે પણ ત્યાં વનરાજ ચાવડાની પ્રતિમા જોવા મળે છે.
એવું માનવામાં આવે છે કે વનરાજ ચાવડાએ 60 વર્ષ સુધી રાજ કર્યું હતું અને 110 વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા. જો કે, તેના ઐતિહાસિક પુરાવાઓ પ્રાપ્ત થતા નથી. પાટણ શહેરને સમૃદ્ધ બનાવવા તેણે પાટણની બાજુના ગાંભુ ગામના વેપારી ઠાકુર નીન્નયને પાટણમાં વસાવ્યો. તેના પુત્રને પાટણની સેનાનો સેનાપતિ બનાવીને તેના વેપારી પિતાને પણ પોતાનો ખાસ માણસ બનાવ્યો. સેનાને વધારે શક્તિશાળી બનાવવા તેણે વિંધ્યાચળની પર્વતમાળામાંથી હાથીઓને લાવીને ગજ સેના પણ બનાવી હતી.
વનરાજના પુરુષાર્થ અને મહા મહેનતથી વસેલું પાટણ શહેર 196 વર્ષ સુધી તેની ભૂમિ પર ચાવડા વંશનું શાસન જુએ છે. આ વર્ષો દરમિયાન વનરાજ ચાવડા પછી યોગરાજ, ક્ષેમરાજ, ભુવડરાજ, વૈરસિંહરાજ, રત્નાદીત્ય અને સામંતસિંહ જેવા રાજવીઓ પાટણની ગાદી પર બેઠા. આ 196 વર્ષના ઇતિહાસનો ટૂંકસાર આવતા પ્રકરણમાં.
- રક્ષા ત્રાપસિયા