
એ તરુણે સન્યાસ લઈ લીધો.
ના, એવું ન સમજતા કે એ નાસીપાસ થયો હોય, વેપારમાં ખોટ ગઈ હોય, નોકરી ન મળી હોય કે પ્રેમમાં નિષ્ફળ ગયો હોય. એનો ઉછેર આશ્રમમાં, ભણવામાં સારો હશે. માવતરની બહુ રોકટોક નહિ, કુદરત વચ્ચે ફરતો રખડતો રે, દરિયે કલાકો સુધી બેસે આ સંસ્કાર એ લઈને આવેલ.
તરુણના દાદા જબરા, દાદાનો લગાવ જબરો, દાદાની સમજ બહુ જ ઊંચી, એટલે આ વ્યવહારિક જગતની સમજ નહીં હો એનાથી ઉપરની સમજ. એટલે સત્સંગ થતો રે, પણ બધા સન્યસ્ત ન થાય, આ તરુણ એવું લઈને આવ્યો હશે.
એને જોયેલો, એની ઉંમરના મિત્રો સાથે પણ જુદો તરી આવે. આપણને જરા તુન્ડ મિજાજી લાગે, એમાં એનો દોષ નહીં આપણી ઓળખ કાચી પડતીતી.
તો સન્યાસ શુંકામ લીધો ? એ પ્રશ્ન તો ઉભો છે.
કારણ એ તરુણના દાદા. દાદાની ઉંમર તો હતી જ, ટૂંકી બીમારી આવી અને એ નિર્વાણ પામ્યા, હા નિર્વાણ પામ્યા અવસાન નથી થયું. દાદાની હસ્તી જ એવી હતી કે એમનું અવસાન ન થાય, એ નિર્વાણ જ પામે. દાદાના અંતિમ દર્શને ઘણાં બધાં મિત્રો, સાધકો, પરિજનો આવ્યા. અગ્નિ સંસ્કારનું સ્થળ નક્કી થયું. દાદાની પ્રિય જગ્યા, કદાચ ત્યાં દાદાને સ્વની ઓળખ મળેલ એ જ સ્થળે. અગ્નિ સંસ્કારના સ્થળે ગારમાટીનો ઓટલો બન્યો, ચિત્રકાર મિત્રોએ ચિત્રોથી સુશોભિત કર્યો. અહીં મૃત્યુ માતમ નહોતું, ઉત્સવ હતું. એટલે જ તો નિર્વાણ કહીએ છીએ. અગ્નિદાહ અપાયો. બસ છેલ્લે ત્યાં દાદાના અગ્નિદાહ વિધિ વખતે એ તરુણને જોયો.
પછી વહેલી સવારે મહાભિનિષ્ક્રમણ.
વહેલી સવારે એ ગયો અને પોતાની ગમતી જગ્યાએ સન્યાસ લઈ લીધો. એમના દાદા સાથેનો જે તાર હતો એ વધુ સૂક્ષ્મ થયો.
એ સાધુ થયો પછી એ તરુણના બાળપણ અને તરુણાવસ્થાના પ્રસંગો આજેય યાદ આવે. એ બિલકુલ શિશુ હતો. ત્યારે દાદા સાથે દરિયામાં સ્નાન કરતો જોયો છે, એકવાર અમે બધા એક નદી ધોધ રૂપે ખાબકે છે ત્યાં ગયેલ. ત્યારે એ કિશોર હતો, એ ધોધ જ્યા થંભી પડે છે ત્યાંથી પાણી સાથે ખાબકેલો. આમ ખાબકવું એ એના સંસ્કાર હતા. અને છેલ્લે અમારી વચ્ચે થયેલ મૌન વાતચીત.
ચોમાસા પછી એક નદી જ્યાં સમદંર ને મળે છે ત્યાં બધા નાહવા ગયેલ, જો કે આ તરુણને એ રોજનું હતું. ત્યાં નદીની પ્રવાહ ધસમસતો દરિયે મળે ને દરિયો સામે આલિંગન લેવા આવે એટલે આપણને નદી દરિયે લઈ જાય ને દરિયો આપણને પાછા ધકેલે જાણે એમ કહતો હોય તું નહિ માત્ર નદીને જ પ્રવશ છે. ત્યાં એ દરિયામાં દૂર સુધી જતો, હું પણ એક હદ સુધી ગયેલ પણ પછી રોકાય ગયેલ. ત્યારે આ તરુણે મને ઈશારો કરી બોલાવેલ પણ હું નિર્ભય હતો અભય નહોતો. તો ન ગયો.
તરુણના સન્યાસ વખતે આ વાત યાદ આવી કે નિમંત્રણ તો બધાને મળે પણ અભય હોય એ જાય, નિર્ભય હોય એ દુન્યવી સાહસો કરે અને અભય હોય એ સાધુ બને.
- રેવતભુા રાયજાદા