
- ટાઈમ આઉટ
આપણે ઘેર આપણે કોઈ જાણીતી વ્યક્તિને જમવા માટે આમંત્રણ આપવા માંગતાં હોઈએ અને આપણી અદમ્ય ઈચ્છા હોય કે એ આપણે ઘરે આવે જ આવે તો આપણું વર્તન એ વ્યક્તિ તરફ કેવું હોય? સારું જ હોય ને? બલકે અમુક લોકો તો એ મહેમાનની ચાટુકારિતા કરવા લાગે, એને ગમે એવું બોલે અને કરે બરાબરને? પરંતુ પાકિસ્તાની પત્રકારોનું આનાથી સાવ ઉલટું છે.
એક તરફ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ઉપરતળે થઇ ગયું છે કે ગમે તે રીતે આવતે વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી પૂરેપૂરી પાકિસ્તાનમાં જ રમાય અને બીજી તરફ પાકિસ્તાની પત્રકારોની વર્તણુંક એવી થઇ ગઈ છે જાણે કે ચોરી ઉપરથી સીનાજોરી. આજે સોશિયલ મીડિયા સાઈટ X ઉપર પાકિસ્તાની પત્રકારો અને યુટ્યુબરો જે રીતે ટીમ ઇન્ડિયા અને તેના પ્લેયર્સ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે એ જોઇને લાગતું નથી કે તેમની કોઈ ઈચ્છા હોય કે ભારતીય ટીમ પાકિસ્તાન આવે અને ચેમ્પિયન્સ ટ્રોફી રમે.
જ્યારે T20 World Cup પૂરો થયો અને ધીમેધીમે બધાંની નજર આગલી ICC ઇવેન્ટ એટલેકે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર સ્થિર થવા લાગી એટલે તરતજ પાકિસ્તાની પત્રકારો અને યુટ્યુબર્સને ભારતનું પાકિસ્તાન ન આવવાનું સ્પષ્ટ વલણ યાદ આવવા લાગ્યું. એટલે શરૂઆતમાં તો આ લોકો એવી પોસ્ટ કરવા લાગ્યા કે એક વખત ભારતીય ટીમ પાકિસ્તાન આવશે તો એમને એવી મહેમાનગતી મળશે કે એવી તો તેમને ભારતમાં પણ ક્યારેય નહીં મળી હોય.
આ તમામ એવું પોસ્ટ કરતા હતા કે તમે જો-જો કે વિરાટ કોહલી અને રોહિત શર્માની એક ઝલક મેળવવા લાહોરના રસ્તા ઉભરાઈ જશે. પાકિસ્તાનના લોકો પણ ટીમ ઇન્ડિયાના પ્લેયર્સને ખૂબ પ્રેમ કરે છે. આ ઉપરાંત આ તમામ એ સપનાં પણ જોવા લાગ્યા જ્યારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમશે.
પરંતુ, જેમ જેમ આ બધાને ખ્યાલ આવવા લાગ્યો કે ભારત સરકારનું વલણ તો બદલાશે નહીં અને એવા ચાન્સીઝ હવે પૂરતા છે કે ભારત સરકારના આદેશ પર BCCI ICCને હાઈબ્રીડ મોડલ અપનાવવા પર દબાણ કરે. બસ આટલો ખ્યાલ આવ્યો કે આ તમામના સૂર બદલાઈ ગયા. આમની કહેવાતી મહેમાનગતી દુશ્મનની યોજનામાં ફરી ગઈ.
જે લોકો ભારતીય ખેલાડીઓ જો પાકિસ્તાન આવશે તો તેમને ન ભૂલાય એવા અનુભવો થશે એવું કહેતા હતા એ અચાનક જ બોલવા માંડ્યા કે ભારત ન તો આવે? શેનું ન આવે? એણે આવવું જ પડશે. અને જો ન આવે તો એના વગર ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે અને તે પણ ભારતની જગ્યાએ શ્રીલંકાને રમાડીને.
જેમ જેમ એ શક્યતા વધવા લાગી કે BCCIનું મન જ નથી પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાનું એટલે આ પાકિસ્તાની પત્રકારો અને યુટ્યુબર્સ ભારતીય ક્રિકેટરોની હલકામાં હલકી કક્ષાની મજાક ઉડાવવા લાગ્યા. જે વિરાટ અને રોહિત માટે આંખો પાથરીને એમને સ્વાગત કરવું હતું એ જ વિરાટ અને રોહિતની નિષ્ફળ ઇનિંગના વિડીયો શોધી શોધીને ફેલાવવા લાગ્યા અને તેના પર અટ્ટહાસ્ય કરવા લાગ્યા.
એટલી હદ સુધી આ લોકો ગયા કે વગર કોઈ આધિકારિક નિવેદન એમણે જાહેર પણ કરી દીધું કે ICCએ નક્કી કરી લીધું છે કે ચેમ્પિન્સ ટ્રોફી તો પાકિસ્તાનમાં જ રમાશે ચાહે ભારત આવે કે ન આવે. હવે અહીં મજાની વાત એ છે કે આ તમામ પાકિસ્તાની પત્રકારો અને યુટ્યુબરોએ બ્લુ ટીક્સ લીધા છે અને આ પ્રકારની પોસ્ટ કરીને એ લોકો ભારતીયોનું જ એટેન્શન મેળવે છે અને વધુ રીચ મેળવીને કમાય પણ છે.
ભારત વિરુદ્ધ બોલવું અને લખવું છે અને કમાવું છે પણ ભારતના ફોલોઅર્સથી. પરંતુ એ મુદ્દો આખો અલગ છે, મુદ્દો અહીં એ છે કે જો ભારત તમારા દેશમાં આવી ને રમે તો જ ભારત સારું? ભારત પોતાની ચિંતાઓ જે આપણે આ લેખમાળાના પહેલા ભાગમાં વ્યક્ત કરી દીધી છે તેનું કોઈજ મૂલ્ય નહીં?
એક તરફ તમે એક મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવા માંગો છો અને બીજી તરફ જે તમારા મહેમાન છે એમનું જ આટલું અપમાન કરવાનું? એવો કયો મહેમાન હશે જે પોતાનું અપમાન થાય, પોતાની ઠઠ્ઠા મશ્કરી થાય એ જ જગ્યાએ જાય અને એ પ્રસંગમાં ભાગ લેશે?
મૂળ વાત એ છે કે આ પાકિસ્તાની પત્રકારો અને યુટ્યુબર્સને ખ્યાલ તો હતો જ કે ભારત કોઈ કાળે પાકિસ્તાન નહીં જાય પણ એક તો તેમને ભારતીયો પાસેથી કમાણી કરવી હતી અને બીજું પોતાની દેશભક્તિ દેખાડવી હતી. એટલે જે પાણીએ મગ ચડે એ પાણીએ મગ ચડાવીને રોકડી પણ કરી લીધી અને ભારત વિરુદ્ધ પોતાના મનમાં રહેલું ઝેર પણ ઓકી દીધું.
જ્યાં સુધી BCCI ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા ભાગ લેશે કે નહીં એ મામલે પોતાનું આધિકારિક નિવેદન નહીં આપી દે ત્યાં સુધી આ લોકો પોપકોર્નની જેમ ઉછળતા રહેશે અને ભારત, ભારતીય ટીમ અને ભારતીય ક્રિકેટરો વિરુદ્ધ પોતાનું ઝેર ઓકતા રહેશે. આ દરમ્યાન શ્રીલંકા સિરીઝમાં જો ભારત એકાદી મેચ પણ હાર્યું તો આ લોકોને વધુ પાનો ચડશે અને પોતાનો વધુ વિકૃત ચહેરો દેખાડશે.
- સિદ્ધાર્થ છાયા