
- ટાઈમ આઉટ
T20 વર્લ્ડ કપની સમાપ્તિ બાદ બે મહત્વની ઘટનાઓ બની. એક તો વિરાટ કોહલી સાથે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. આ બધું વર્લ્ડ કપ જીત્યા બાદ બાર્બાડોસમાં બન્યું. તેના થોડા દિવસ બાદ ભારતમાં BCCIના સેક્રેટરી જય શાહે કહ્યું કે આવતા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી જે ‘કદાચ જ’ પાકિસ્તાનમાં રમાશે અને ત્યારબાદ 2027ના સાઉથ આફ્રિકામાં રમાનાર પચાસ ઓવર્સના વર્લ્ડ કપ માટે તેઓ રોહિત અને વિરાટને રમતા જોઈ રહ્યા છે.
અહીં આપણે રોહિત અને વિરાટની 2027માં કેટલી ઉંમર હશે અને તેઓ પચાસ ઓવર્સ રમવા માટે ફીટ હશે કે નહીં તેની ચર્ચા નથી કરવાના પરંતુ જો આવું થશે તો શું ભારતીય ક્રિકેટમાં દરેક ફોર્મેટના અલગ અલગ કેપ્ટન હોય તેવી પરિસ્થિતિ ઉભી થવાની છે કે કેમ એના વિશે ચર્ચા કરીશું.
પહેલાં તો એ જાણી લઈએ કે અલગ અલગ ફોર્મેટના અલગ અલગ કેપ્ટન હોય એવો આઈડિયા સૌથી પહેલા 1990ના દાયકામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે અમલમાં મુક્યો હતો. ટેસ્ટ મેચો માટે માર્ક ટેલર અને વનડે માટે સ્ટિવ વોને કપ્તાન બનાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં એ સમયે ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ તેની ટેસ્ટ ટીમ કરતાં ઘણી અલગ પણ દેખાતી હતી. માર્ક ટેલર વનડે ટીમનો 1997ના વર્લ્ડ કપની ફાઈનલ હાર્યા બાદ હિસ્સો રહ્યા ન હતા, પરંતુ સ્ટિવ વો વનડે અને ટેસ્ટ બંને રમતા.
જો કે માર્ક ટેલરના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સ્ટિવ વો જ ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા હતા. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમને સદનસીબે એવા કપ્તાનો મળ્યા કે જે વનડે અને ટેસ્ટ બંને ફોર્મેટ સુંદર રીતે રમી શકતા અને ટીમોની કપ્તાની પણ સારી રીતે કરી શકતા. આ કપ્તાનોમાં મુહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંઘ ધોની સામેલ હતા.
પરંતુ 2014-15ની ઓસ્ટ્રેલિયાની ટુર દરમ્યાન ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાની નાલેશીભરી હાર થતાં ધોનીએ સિરીઝની અધવચ્ચે જ ટેસ્ટ ક્રિકેટમાંથી જ નિવૃત્તિ જાહેર કરી દીધી. ત્યારબાદ ટીમ ઇન્ડિયાને બે અલગ અલગ ફોર્મેટના બે અલગ અલગ કપ્તાન મળ્યા. ધોની વનડે અને T20માં કપ્તાની કરતા અને તેમના વારસ તરીકે ઘણા સમયથી નક્કી થઇ ચૂકેલા વિરાટ કોહલી ટેસ્ટમાં કપ્તાની કરતાં. ત્યારબાદ અમુક વર્ષે ધોનીએ બંને ટૂંકા ફોર્મેટની કપ્તાની પણ મૂકી દીધી અને કોહલીએ ત્રણેય ફોર્મેટમાં કપ્તાની સ્વીકારી લીધી.
પરંતુ કોરોના દરમ્યાન BCCIના અધ્યક્ષ બનેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના શાસને અચાનક જ નક્કી કરી લીધું કેપ્ટન તો ત્રણેય ફોર્મેટનો એક જ હોવો જોઈએ. આવું ત્યારે બન્યું જ્યારે T20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ એ ફોર્મેટમાંથી કપ્તાની ત્યાગી દેવાની ઈચ્છા વ્યક્ત કરી.
એ સમયે કોહલીએ વનડે અને ટેસ્ટમાં ખરાબ કપ્તાની જરાય નહોતી કરી પરંતુ બોર્ડને એવું લાગતું હતું કે કપ્તાન તો ત્રણેય ફોર્મેટનો એક જ હોવો જોઈએ. આથી ગાંગુલી દાદાએ વિરાટની અન્ય બે ફોર્મેટમાં કપ્તાની કરતા રહેવાની વિનંતીને ફગાવી દીધી અને રોહિત શર્માને ત્રણેય ફોર્મેટનો કપ્તાન બનાવી દીધો. જો કે એવું સાંભળવા મળ્યું હતું કે રોહિત આ માટે તૈયાર ન હતો.
હવે દાદાનું શાસન પૂર્ણ થયું છે અને અત્યારે રોજર બિન્નીની નીશ્રામાં જય શાહ જ બોર્ડ અને ટીમ અંગે તમામ નિર્ણયો લેતા થયા છે. આથી બોર્ડની નીતિમાં ફેરફાર થાય એ સ્વાભાવિક છે. જો કે રોહિત હવે T20I ફોર્મેટ જ રમવાના નથી એટલે એના માટે નવો કેપ્ટન શોધવો જરૂરી હતો જે આશ્ચર્યજનક રીતે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્ય કુમાર યાદવને બનાવવામાં આવ્યો છે.
આથી હવે ટેસ્ટ અને વનડેમાં એટલીસ્ટ ચેમ્પિયન્સ ટ્રોફી જે આવતે વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે ત્યાં સુધી તો રોહિત શર્મા જ ટીમનો કપ્તાન રહેશે. પરંતુ શું ત્રણેય ફોર્મેટનો એક જ કેપ્ટન હોય એ સારું કે અલગ અલગ ફોર્મેટના અલગ અલગ કેપ્ટન હોય એ ટીમ માટે ફાયદાકારક છે?
જો વ્યક્તિગત મંતવ્ય આપવામાં આવે તો જો ત્રણેય ફોર્મેટનો કેપ્ટન આ ત્રણેય પ્રકારના અને અલગ અલગ સ્વભાવ ધરાવતા ક્રિકેટને સમજતો હોય અને એ પ્રમાણે રમતો હોય તો તેને એકલાને કપ્તાની કરવા દેવામાં કોઈજ વાંધો નથી, જે અત્યારસુધી રોહિત કરતો હતો. રોહિતે ટીમને પચાસ ઓવર્સના વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચાડી, ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ ભારત રમ્યું અને T20 વર્લ્ડ કપ તો જીતી પણ બતાવ્યો.
પરંતુ હવે રોહિત એક ફોર્મેટ નથી રમવાનો એટલે બોર્ડને અલગ અલગ કપ્તાનો નિયુક્ત કરવાની ફરજ પડી છે. સૂર્ય કુમાર યાદવ કેપ્ટન તરીકે અંગ્રેજીમાં કહીએ તો unknown quantity છે, હજી તો તેણે એક જ મેચમાં કપ્તાની કરી છે એટલે એકાદ-બે સિરીઝમાં તેનું પાણી મપાઈ જશે. પણ યાદવ વનડે અને ટેસ્ટ ટીમનો રેગ્યુલર હિસ્સો નથી એટલે એ લાંબા અંતરે ભારત માટે રમતો જોવા મળશે.
રોહિત શર્મા 2025 પછી બે ફોર્મેટમાં કેટલું ખેંચી શકશે એ કહેવું અત્યારે અઘરું છે. રોહિત શર્મા જેવો ખેલાડી વર્ષભરમાં ડબલ ડીજીટમાં ટેસ્ટ રમતો હોય છે, 20થી વધુ વનડે રમતો હોય છે અને ઓછામાં ઓછી 14 IPLની મેચો પણ રમતો હોય છે. આથી 2027 સુધીમાં એ વનડે વર્લ્ડ કપ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ રમવા માટે જો અશક્ત હશે તો પછી એવું બની શકે કે એ વર્ષ સુધીમાં ભારતને ટેસ્ટ, વનડે અને T20ના ત્રણ અલગ અલગ કપ્તાન રમતા આપણને જોવા મળે.
રોહિત ફક્ત ટેસ્ટની કપ્તાની કરે, શ્રેયસ ઐયર અથવાતો શુભમન ગિલ વનડેની અને સૂર્ય કુમાર યાદવ અથવાતો શુભમન ગિલ T20Iની કપ્તાની કરતા હોય એ પણ શક્ય છે.
તો અંતે એટલું કહી શકાય કે ભારતીય ક્રિકેટમાં લવચીકતા હોવાને કારણે આપણને ત્રણ ફોર્મેટના ત્રણ અલગ અલગ કપ્તાન હોવા પોસાઈ શકે છે. પરંતુ શું તેનાથી ટીમને, કારણકે આપણે ત્યાં એવા ઘણા ખેલાડીઓ છે જે ત્રણેય ફોર્મેટ સુંદર રીતે રમે છે, ફાયદો થશે કે પછી નુકસાન તે તો આવનારો સમય જ નક્કી કરશે. કારણકે ત્રણ અલગ અલગ કપ્તાનની કપ્તાનીમાં તરત તરત એડજસ્ટ થવું એ દરેક ખેલાડી માટે એટલું સરળ નથી હોતું.
- સિદ્ધાર્થ છાયા