Home / GSTV શતરંગ / Sidhharth Chhaya : Test cricket has never seen such a fight anywhere! Siddharth Chhaya

શતરંગ / ટેસ્ટ ક્રિકેટની માલીપા આવું યુદ્ધ ક્યાંય નથી જોયું!

શતરંગ / ટેસ્ટ ક્રિકેટની માલીપા આવું યુદ્ધ ક્યાંય નથી જોયું!

- ફ્રી હિટ

એવી અસંખ્ય મેચો હશે જે આપણે ફક્ત ટીવી ઉપર જ જોઈ હશે તેમ છતાં આપણે એ મેચ જાણે કે સ્ટેડિયમ નહીં પરંતુ પીચની બાજુમાં ઉભા રહીને જોઈ હોયને એવું લાગતું હોય છે. આવી જ એક યાદગાર મેચ આ લખનારે ટીવી પર જોઈ હતી પરંતુ કમનસીબે ભારતના બહુ ઓછા ક્રિકેટપ્રેમીઓ એ મેચ વિશે જાણકારી રાખતા હશે.

જો કે આજે આપણે જે મેચ વિશે જાણવાના છીએ તેના વિશે ઓછા લોકોને માહિતી હોય તેની પાછળ એક મજબૂત કારણ પણ છે. આ વાત છે 1998ની જ્યારે ભારતના સેટેલાઈટ ટીવી તેના આગમનના છ વર્ષ ઉજવી ચૂક્યું હતું પરંતુ આજની જેમ વિવિધ સ્પોર્ટ્સ ચેનલ્સ ન હતી. એ સમયે સ્ટાર સ્પોર્ટ્સ અને ઇએસપીએન એમ બે જ સ્પોર્ટ્સ ચેનલો હતી. 

સ્ટાર સ્પોર્ટ્સ અને ઇએસપીએન વચ્ચે તે સમયે કાયમ પ્રિમીયમ સ્પોર્ટ્સ લાઈવ દેખાડવાની હરીફાઈ થતી. ભારતીય દર્શકોને આકર્ષવા ક્રિકેટ તો હોય જ પરંતુ તે ઉપરાંત બીજા ઘણા સ્પોર્ટ્સ પણ દેખાડવામાં આવતા. આ દિવસ હતો 26 જુલાઈ 1998નો. આ દિવસે ઇંગ્લેન્ડના નોટીંગહમમાં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટેસ્ટના ચોથા દિવસની રમત રમાવાની હતી ઉપરાંત યુરોપમાં ફોર્મ્યુલા વનની કોઈ રેસ પણ હતી. 

હવે સ્ટાર સ્પોર્ટ્સ અથવા તો ઇએસપીએન પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો કે જેવી રેસ ચાલુ થાય કે ક્રિકેટ મેચને અધવચ્ચે રોકી દેવી અને રેસ દેખાડવી. બરાબર તો યાદ નથી પણ રેસ મોડી પતી અને અહીં ઇંગ્લેન્ડમાં ચોથા દિવસની રમત પણ પૂર્ણ થઇ ગઈ. એ સમયે ઈન્ટરનેટ હતું પણ હાથવગું ન હતું એટલે મેચમાં શું થયું હશે એની કોઈજ ખબર ન હતી.

પણ જેવી રેસ પૂરી થઇ એટલે આ ટેસ્ટ મેચ જ્યાંથી અટકાવવામાં આવી હતી તેનું બોલ ટુ બોલ પ્રસારણ આ ચેનલ દ્વારા ફરીથી શરુ કરવામાં આવ્યું. આ જણ અને તેના પિતાશ્રી બંને ક્રિકેટના રસિયા એટલે બેસી ગયા અને આ આખી ઘટના જેનું વર્ણન હવે આવવાનું છે એ જાણે કે લાઈવ મેચ હોય એ રીતે જોઈ.

આ ટેસ્ટ મેચ માટે આ દિવસ એટલે પણ મહત્વનો હતો કારણકે સાઉથ આફ્રિકા આ સિરીઝની એક મેચ જીતી ગયું હતું એટલે ઇંગ્લેન્ડે સિરીઝને બરોબરી પર લાવવા માટે આજે જ કશું કરી છૂટવું જરૂરી હતું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું એવામાં એલન ડોનાલ્ડના એક ઉપર ઉઠતા બોલને રમવા જતા ઇંગ્લેન્ડના ઓપનીંગ બેટર માઈકલ આથરટનનું ગ્લવ અડી ગયું અને વિકેટ કીપર માર્ક બાઉચરે કેચ પકડી લીધો અને બધા સાઉથ આફ્રિકન ખેલાડીઓએ અપીલ કરી.

પરંતુ ન્યૂઝીલેન્ડના અમ્પાયર સ્ટિવ ડને આથરટનને નોટ આઉટ આપ્યો! મિત્રો, આ એ દિવસો હતા જ્યારે થર્ડ અમ્પાયરનું અસ્તિત્વ તો હતું પરંતુ તે ફક્ત રન આઉટ કે સ્ટમ્પ આઉટની અપીલનો જ જવાબ આપી શકતો હતો. DRS, સ્નિકો અને હોકઆઈ જેવા શબ્દો તો હજી જન્મ્યા પણ ન હતા. એટલે સાઉથ આફ્રિકનો પાસે અમ્પાયરનો નિર્ણય માનવા સિવાય બીજો કોઈજ વિકલ્પ ન હતો. 

પણ એલન ડોનાલ્ડને બરાબરનો ગુસ્સો આવ્યો અને તેણે આ ગુસ્સો ઇંગ્લેન્ડના બેટરો અને ખાસ કરીને આથરટન પર ઉતારવાનો શરુ કર્યો. એક પછી એક બાઉન્સરનો મારો થવા લાગ્યો અને આથરટન શાંતિથી તેનો વીરતાથી સામનો કરતો રહ્યો. ડોનાલ્ડની બોલિંગમાં જ નહીં ફોલોઅપ બાદ તેની આંખમાંથી પણ આગ વરસી રહી હતી. જાણેકે ડોનાલ્ડ કહી રહ્યો હતો કે અમ્પાયરની હિંમત જ કેમ થઇ કે તેણે ખોટો નોટ આઉટ આપ્યો?

એક તરફ કોઈક વખત ડોનાલ્ડ ફોલોઅપ બાદ આથરટનને ‘અમુક શબ્દો’ કહેતો અને પછી ફરીથી બાઉન્સરનો મારો શરુ કરી દેતો. તો સામે છેડે આથરટન ડોનાલ્ડના શબ્દોનો જવાબ ન આપતો અને બાઉન્સરને ડક કરતો કે તેનો યોગ્ય ઉત્તર વાળતો. આ એક અદ્ભુત ‘બેટલ’ હતું જે આ અગાઉ ટીવી ઉપર તો ક્યારેય જોવા નહોતું મળ્યું.

અહીં ટીવી ઉપર લાઈવની જેમ રેકોર્ડેડ ટેલીકાસ્ટ જોઈ રહેલા અમે પિતા-પુત્ર ડોનાલ્ડની એ આગ ઝરતી આંખો જોઇને ડરી ગયા હતા કે ક્યાંક આજે આથરટનને કશું થઇ ન જાય. આમ સતત પાંચ થી સાત ઓવર્સ સુધી ચાલતું રહ્યું અને છેવટે એક એવો ટ્વિસ્ટ આવ્યો જેણે ડોનાલ્ડને સમજાવી દીધું કે ભાઈ આજે તારો દિવસ નથી. 

જે કેચ હતો અને તેને ન આપવાને લીધે ડોનાલ્ડ આટલો બધો ગુસ્સે થયો હતો એ જ ડોનાલ્ડની બોલિંગમાં નાસર હુસૈનની બેટિંગ વખતે તેનો એક સરળ કેચ એ જ બાઉચરે છોડી દીધો જેણે પેલો ન ગણવામાં આવેલો કેચ પકડ્યો હતો! ડોનાલ્ડ પાસે આ વખતે બાઉચર સામે ગુસ્સો વ્યક્ત કરવા સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો. 

છેવટે બીજે દિવસે ઇંગ્લેન્ડ એ ટેસ્ટ મેચ સરળતાથી જીતી ગયું અને આથરટન 98 રને નોટ આઉટ રહ્યા હતા. ભલે અમ્પાયરની ભૂલ થઇ પરંતુ કટ્ટર ક્રિકેટ પ્રેમીઓને એ દિવસે એક જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો હતો અને તે હતો બેટ અને બોલ વચ્ચે. કોઈ એમ કહી શકે છે કે આથરટન સ્પિરિટ ઓફ ક્રિકેટ દેખાડીને અમ્પાયરે ભલે નોટ આઉટ આપ્યો હોય પણ પોતે પેવેલીયન તરફ ચાલી જઈ શક્યો હોત.

પણ, આઉટ આપવો કે ન આપવો એ અમ્પાયરની ફરજમાં આવે છે બેટરની નહીં એટલે એ આથરટનનો હક્ક હતો કે તે અમ્પ્યારના નિર્ણયનું પાલન કરે. જો કે આ જ આથરટને જ્યારે જોની બેરસ્ટોએ ગત એશિઝમાં ભૂલ કરી ત્યારે તેને સ્પિરિટ ઓફ ધ ગેમના બહાના હેઠળ તેનો બચાવ કર્યો હતો.

પરંતુ સ્પિરિટ ઓફ ધ ગેમ નોટીંગહમ ટેસ્ટ પતી પછી મેદાનમાં નહીં પરંતુ એ શહેરના એક બારમાં જોવા મળ્યું હતું જ્યારે આગલી સાંજે આથરટનના લોહીનો તરસ્યો એલન ડોનાલ્ડ તેની સાથે બેસીને બિયર પી રહ્યો હતો. 

જો તમારે પણ આ જબરદસ્ત મુકાબલાની ઝલક જોવી છે તો યુટ્યુબ પર Atherton vs Donald at Nottingham સર્ચ કરશો એટલે તમને એ જોવા મળી જશે.

- સિદ્ધાર્થ છાયા