Home / GSTV શતરંગ / Sidhharth Chhaya : When sportsmanship was discussed more than sports! Siddharth Chhaya

શતરંગ / જ્યારે ખેલ કરતાં ખેલદિલીની ચર્ચા વધુ થઇ!

શતરંગ / જ્યારે ખેલ કરતાં ખેલદિલીની ચર્ચા વધુ થઇ!

- ફ્રી હિટ 

 

ખેલ અથવાતો રમત તેના નિયમો ઉપરાંત ખેલાડીઓની એ રમત રમવાની ભાવના ઉપર પણ બહુ મોટો આધાર રાખે છે. ક્રિકેટની રમત પણ ખેલભાવનાની લાગણીથી જરાય દૂર નથી. ઉલટું ક્રિકેટને તો ‘સજ્જનોની રમત’ તરીકે ઓળખવામાં આવે છે આથી ક્રિકેટ અને ખેલભાવના તો એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે.

જો કે, ક્રિકેટ સહિત દરેક રમતમાં ખેલદિલીને કેવી રીતે જોવી તે જે-તે ખેલાડીના વ્યક્તિગત વિચાર ઉપર આધારિત હોય છે. જેમકે, થોડા અઠવાડિયા અગાઉ આપણે લોર્ડ્સ ખાતે જોની બેરસ્ટ્રો સાથે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ જે કર્યું તેની વાત અહીં કરી હતી. આ ઘટનામાં ઓસ્ટ્રેલિયનોએ રમતના નિયમોની અંદર રહીને જોનીને આઉટ કર્યો હતો જ્યારે બ્રિટીશ પ્રેસ, ઈલેક્ટ્રોનિક મિડિયા અને ફેન્સ એવું માનતા હતા કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ખેલભાવનાને આહત કરી છે.

ક્રિકેટમાં માંકડીંગને હવે તો નિયમ અનુસાર એવી માન્યતા મળી ગઈ છે કે તેને ખેલભાવનાની વિરુદ્ધ પણ ગણી શકાય તેમ નથી. પરંતુ તેમ છતાં તેની છાપ એવી પડી ગઈ છે કે આ નિયમ હેઠળ બેટરને આઉટ કરવો તે ખેલદિલીની ભાવનાની વિરુદ્ધ જ કહેવાય. એટલે આ પ્રકારે વ્યક્તિની વ્યક્તિગત માન્યતા જ એ નક્કી કરે છે કે કોઈ ઘટના ખેલભાવનાની અંદર રહીને ઘટી છે કે નહીં.

તેમ છતાં, ક્રિકેટમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે જેને ખેલદિલીની ભાવનાની સરટોચ ગણવામાં આવે છે. આજે આપણે એ પ્રકારની ઘટનાઓ વિશે માહિતી મેળવીશું.

2005ની બીજી એશિઝ ટેસ્ટ જેણે આ સિરીઝનો પ્રવાહ બદલી નાખ્યો હતો તેના અંતે બે કટ્ટર હરીફો વચ્ચે એક ઘટના બની હતી જે  હંમેશાં યાદગાર રહેશે. આ એક એવી સિરીઝ હતી જેની દરેક મેચનો દરેક દિવસ ઉતાર-ચડાવ જોઈ રહ્યો હતો. પરંતુ તેની શરૂઆત આ એજબેસ્ટન ટેસ્ટમાં થઇ હતી. ઓસ્ટ્રેલિયા જીતની બહુ દૂર હતું પરંતુ તેનાં પૂંછડીયા બેટરો જેવા કે શેન વોર્ન અને બ્રેટ લીએ ટીમને વિજયના દ્વાર સુધી પહોંચાડી દીધી હતી. તેમ છતાં ઓસ્ટ્રેલિયા આ મેચ અત્યંત પાતળા માર્જીનથી હારી ગયું. મેચના અંતે અત્યાર સુધી એકબીજાના લોહીના તરસ્યા હોય એવા બ્રેટ લી અને એન્ડ્રુ ફ્લિન્ટોફ એક બીજા સાથે જમીન પર બેસેલા જોવા મળ્યા. ફિલન્ટોફે બ્રેટ લીના ખભે હાથ મૂકીને તેને સાંત્વના આપી હતી.

આવું જ દ્રશ્ય 2019ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ જ્યારે ન્યુઝીલેન્ડ સામે ખૂબ પાતળા માર્જીનથી હાર્યું ત્યારે જોવા મળ્યું હતું. કાર્લોસ બ્રેથવેઇટ બ્રેટ લીની જેમ જ જમીન પર બેસી પડ્યો હતો અને હારને પચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એવામાં ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલ્યમ્સન તેની પાસે પહોંચ્યો હતો અને તેના ખભે હાથ મૂકીને તેને સાંત્વના આપતો જોવા મળ્યો હતો. આ એજ બ્રેથવેઇટ હતો જે બે મિનીટ પહેલાં સુધી ન્યુઝીલેન્ડના મોં માં આવેલો વિજયનો કોળિયો લગભગ ઝૂંટવી લેવાનો હતો, તેમ છતાં મેચ પત્યા બાદ કેન વિલ્યમ્સન જેવા ખેલાડીઓ એ બધું ભૂલી જતાં હોય છે એ અહીં સાબિત થયું હતું.

ઇંગ્લેન્ડમાં જ રમાયેલી એક ટેસ્ટ મેચમાં ટી અગાઉના છેલ્લા બોલે ઇંગ્લેન્ડનો ઇયાન બેલ રનઆઉટ જાહેર થયો હતો. થયું એવું હતું કે બેલને એવું લાગ્યું કે અમ્પાયરે ટી ડિક્લેર કરી દીધો છે એથી એ પેવેલિયન તરફ ચાલવા લાગ્યો, એવામાં ભારતના ફિલ્ડરોએ અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સ્ટમ્પસ ઉડાડી દીધા હતા. ટેક્નિકલી બેલ આઉટ હતો એટલે અમ્પાયરોએ તેને આઉટ આપી દીધો. બસ! અંગ્રેજ દર્શકોએ ટી માટે પેવેલીયન જઈ રહેલા ભારતીય ખેલાડીઓને બૂ કરવાનું શરુ કરી દીધું. ટી દરમ્યાન જ ધોની અમ્પાયરોને મળ્યો અને બેલ વિરુદ્ધની અપીલ તેણે પાછી ખેંચી લીધી. અને જ્યારે ટીમ ઇન્ડિયા ટી બાદ પરત મેદાનમાં ઉતરી રહી હતી ત્યારે અંગ્રેજોએ ફરીથી બૂઇંગ ચાલુ કર્યું પણ પછી જ્યારે તેમણે જોયું કે પાછળ ઇયાન બેલ પણ આવી રહ્યો છે ત્યારે એ બૂઇંગ તાળીઓના ગડગડાટમાં બદલી ગયું હતું.

2019ના વર્લ્ડ કપ અગાઉ ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરે સેન્ડ પેપર કૌભાંડના ગુના હેઠળ પોતાના એક વર્ષની પ્રતિબંધની સજા પૂર્ણ કરી હતી. એ સમયે બ્રિટીશ ક્રાઉડ તો ટેવ અનુસાર આ બંને ખેલાડીઓનું બૂઇંગ કાયમ કરતું જ હતું પરંતુ આ વર્લ્ડ કપની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલ ખાતે રમાયેલી મેચ દરમ્યાન ભારતીય દર્શકોએ પણ સ્મિથનું બૂઇંગ શરુ કરી દીધું. જ્યારે તે સમયના કેપ્ટન વિરાટ કોહલીના ધ્યાનમાં આવ્યું ત્યારે તેણે મેદાનમાં રહેલા ભારતીય દર્શકોને એમ ન કરવાનું અને સ્ટિવ સ્મિથને વધાવી લેવાનો ઈશારો કર્યો. તરત જ ભારતીય દર્શકોએ સ્ટિવ સ્મિથ માટે તાળીઓ પાડવાનું શરુ કરી દીધું. આ જોઇને સ્મિથે તરત જ કોહલીનો આભાર માન્યો હતો. 

2018માં અફઘાનિસ્તાન તેની સહુથી પહેલી ટેસ્ટ મેચ ભારત સામે બેંગલુરુમાં રમ્યું હતું. આ મેચ ભારત સરળતાથી જીતી ગયું હતું. 262 રનના માર્જીન સાથે મેચ જીતી હોવા છતાં તે વખતના કેપ્ટન અજીન્ક્ય રહાણેએ જ્યારે મેચ જીત્યા બાદ ટ્રોફી સાથે ફોટો પડાવવાનો સમય આવ્યો ત્યારે તમામ અફઘાન ખેલાડીઓને પણ બોલાવ્યા અને તેમની સાથે ટીમ ઇન્ડિયાનો ફોટો પડાવ્યો.

ઉપરોક્ત તમામ ઘટનાઓ એ સાબિત કરે છે કે ખેલભાવના વ્યક્તિગત ઈચ્છા કે અનિચ્છા પર આધારિત છે. ઉપર કહેલી તમામ ઘટનાઓ પાછળ જવાબદાર ખેલાડીઓએ એમણે જે કર્યું એ ન કર્યું હોત તો પણ કશું બદલાયું ન હોત, પણ તેમણે એમ કરીને ખેલદિલી તો દેખાડી જ પરંતુ પોતપોતાનું કદ બે ઇંચ જરૂર ઊંચું કરી દીધું હતું.

- સિદ્ધાર્થ છાયા