
- વટથી, હકથી ને હુકમથી
પ્રવાસ હોય કે ફેમિલી ટ્રીપ. મિત્રોનું ગ્રુપ હોય કે ઓફિસની સફર. બધા એક બસ કે મોટી ગાડીમાં ભેગા થઈને નીકળે. એ વાહનમાં બેસવામાં જ ખ્યાલ આવી જાય કે કોણ કોનું કેટલું નજીક છે? મિત્રો કે ઓફિસના કલીગ હોય તો જેનું જેનું લફરું શરૂ થવાની તૈયારી હોય એ શરૂઆતમાં તો દૂર જ બેસશે. પણ પછી એક કલાકની અંદર જ કોઈ બહાનું બનાવીને એકબીજાની બાજુમાં ગોઠવાઈ જશે. ફેમિલી ટ્રીપ હોય તો સરખી ઉંમરની વહુઓ પાસે બેસશે જેથી આખાય રસ્તામાં પોતપોતાની સાસુની ટીકા કરી શકાય. દરેક ટ્રીપમાં એક મોશન સિકનેસનું પેશન્ટ હોય. જેને ગાડી ઉપડ્યાની પંદર મિનિટમાં જ પેટમાં ચુંક ઉપડે. એણે નાનપણમાં તો નિબંધમાં લખ્યું હોય કે મારું સપનું મોટા થઈને નાસાના અવકાશયાત્રી બનવાનું છે પણ બસ બે ખાડા શું કુદે એના પેટની અંદર રહેલું બધું ઉછળે. કોઈ એક તો એવું હોય જ જેને ચાલુ ટ્રીપમાં ઉલ્ટી શરૂ થાય અને એને બારી પાસે જગ્યા દેવી પડે. એને જેવી ઉલ્ટી શરૂ થાય એવા આખા સંઘાડામાં એક નહી પણ બે માણસો એવા હોય જે હાલતી ચાલતી દવાની દુકાન હોય. તારા એનું પાઉચ કે પર્સ કાઢશે અને એકસ્પાયરી ડેટની નજીક પહોંચી ગયેલી દવા બહુ પ્રેમથી આપશે. આ આખા કેસમાં જે ડોકટર ન હોય એ વધુ ભાગ લેશે. નવા નવા નિદાન કરશે અને ઊલ્ટી રોકવાની નવી નવી સ્ટ્રેટેજીની સલાહો આપશે.
ઊલટી પ્રકરણ પૂરું થાય અને બસમાં ડ્રામા થોડો હળવો થાય એટલે આપણને એમ થાય કે હાશ. હવે પત્યું. હવે બે કલાક સુધી શાંતિ. આપણે બારીની બહારના ઝાડ ને ખેતર શાંતિથી જોઈ શકીશું, ઠંડો ઠંડો પવન માણી શકીશું. પણ નહી. બાજુમાં કોઈ હોય જ જેને બહુ બધું બોલવું હોય. એક વાત માર્ક કરી છે? બારીની પાસે બેઠેલો મુસાફર હંમેશા ઓછા બોલો હોય પણ જેને બારી ન મળી હોય ને એ બકબકબક કર્યા જ કરે. એટલે થાય એવું કે બારીની પાસે બેઠેલા માણસે બારીની વિરુદ્ધ દિશામાં મોઢું કરીને તેને જવાબ આપવા પડે. ' અચ્છા, એવું થયું હતું?' , 'શું વાત કરો છો?!' , 'ઓહો! ગજ્જબ થઈ ગયો.', 'તમે ઘરમાં ઘણું સહન કરો છો' , 'બરાબર બરાબર' , 'હ્મમમમ'. આ બધા પ્રત્યુતરો પ્રતિ ત્રીસ સેકન્ડ સતત આપવા પડે. થાય એવું કે બારીની પાસે બારીની બહારની નઝારો માણવા બેઠેલા મુસાફરને કંઈ જોવા ન મળે પણ જે વાતો કરતું હોય એ તો સતત બારીની બહાર એકધારું જોએ રાખે. આપણે કંટાળીને બારીની બહારના દૃશ્યો પરથી આપણાં મનને જ ઉઠાડી લઈએ.
આપણી બાજુ વાળા બોલી બોલીને થાક્યા હોય અને એને ઘેન ચડે. એ આપણા જ ખભે માથું રાખીને સુવે. ભલે થોડો ભાર લાગે પણ શાંતિ તો થઈ. પાંચ મિનિટ ન થાય ત્યાં બસ ધીમી પડે અને વળાંક લે. ખબર પડે કે 'હોલ્ટ' આવ્યો. બધા આળસ મરડતા ઊભા થાય. લેડીઝ ટોયલેટ ગોતી દેવાની જવાબદારી પણ આપણા માથે આવે. હોલ્ટ પર દસ પંદર મિનિટ રોકાઈને બધા પાછા ચડે. હવે જગ્યાનું રીશફલિંગ થઈ ગયું છે. આપણી બાજુની સીટ ખાલી છે. જેકપોટ. કેવી શાંતિ. કોણ ડિસ્ટર્બ નહી કરે કે કોઈને સતત જવાબ નહી દેવા પડે. આપણે શાંતિથી હવે આ સફરનો આનંદ લઇ શકીશું એવી ધરપત થાય. બસ વળાંક લઈને હાઈ-વે પકડે અને જેવી ગતિમાં આવે ત્યાં પેલો ઠંડો પવન ને ખેતરની હારમાળા શરૂ થઈ જાય. બસમાં બધાની વાતચીતના ધીમા ધીમા અવાજ આવતા હોય. એકંદરે મજા આવતી હોય ત્યાં જ એકાદી હરખપદુડી ઊભી થશે અને આખી બસની શાંતિનો બ્લાસ્ટ થાય એવો મોટો એટમ બોમ્બ ફેંકશે. અણુબોમ્બનું નામ શું? "અંતાક્ષરી!"
ઓહ માય ગોડ. ભૂકંપ જેટલો આંચકો ન આપે એટલો ધ્રાસ્કો પેટમાં પડે. જિંદગીનું સૌથી ખરાબ દુઃસ્વપ્ન એટલે અંતાક્ષરી. આખી બસ આ પ્રસ્તાવને વધાવી લે જાણે બધા જાનમાં જાય છે. પછી ટીમ પડે. બસની બેઠકોના બે અડધિયા થાય. એમાં જો ટીવી બહુ જોતા હોય કે અનુ કપૂરના વાનરવેડાના ફેન હોય તો એ એક સ્ટેપ આગળ જઈને નામ પણ પાડશે - આ દીવાના અને આ મસ્તાના. આ રમતની પહેલી જ લાઈનથી માથામાં સબાકા લાગવાના શરૂ થાય - "બૈઠે બૈઠે ક્યા કરે, કરના હૈ કુછ કામ, ચલો ખેલતે હૈ અંતાક્ષરી લે કે પ્રભુ કા નામ. મ મ મ.. મ આવ્યો. કોણ ગાશે?" હે પ્રભુ, કયા જનમના કુકર્મોની સજા છે આ કે આવું બધું સાંભળવું પડે છે. યંગ દેખાવા માંગતા ટાલિયા અંકલ તરત જ 'મ' ઝીલી લેશે. 'મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...' ના રાગડા શરૂ થાય. મથી મોત માંગતા આપણે હસતા હસતા બધું જોવાનું, સાંભળવાનું અને ભાગ પણ લેવાનો.
અંતાક્ષરી ટીવી ઉપર રમાતી હોય કે બસમાં, કોઈ સ્પર્ધા હોય કે કીટી પાર્ટી - અમુક ગીતો તો 'પરમેનેન્ટ હું સર' ની માફક ફિક્સડ હોય જ. હમ તુમ એક કમરે મેં, પરદેશી પરદેશી, દિલ હૈ કિ માનતા નહી, માઈ ની માઈ મુંડેર પે તેરે, જબ કોઈ બાત બીગડ જાયે... આ બધા ગીત ગોખાઈ જાય. નસીબમાં ખરેખર મગજની ખંજવાળ લખી હોય તો આખો પ્રોગ્રામ સળંગ એક કલાક ચાલે. આ એક કલાક દરમિયાન ડ્રાઈવરની આ બધું સાંભળી સાંભળીને શું સ્થિતિ થઈ હોય એ તો આજ સુધી કોઈએ વિચાર્યું જ નથી. તેને ય મનમાં એમ થતું હશે કે આના કરતાં અલ્તાફ રાજાના ગીતો એના સીડી પ્લેયરમાં વાગતા હતા એ ખોટું શું હતું હે? છેલ્લે કોઈ અઘરો અક્ષર આવી જાય એટલે બે ચાગલી પર્સનાલિટી બોલે જ - ચાલો ટિક ટિક વન, ચાલો ટિક ટિક ટુ... આપણે બારીની બહાર ઠેકડો મારવાની તૈયારી કરી રહ્યા હોઈએ ત્યાં ડેસ્ટીનેશન આવી જાય. હાશ. આ ટ્રિપમાં તો યમરાજ એના પાડા સાથે રસ્તામાં આવતા જ દેખાઈ ગયા હોય.
-----
આ લેખ પંદર વર્ષ પહેલાંના જમાના માટેનો છે જે સુવર્ણયુગ હતો. હવે ટ્રીપ થાય છે તો કોઈને ઉલ્ટી થતી નથી કે કોઈ અંતકડી રમવા માટે કહેતું નથી. બધા બસ પોતાના ફોન કાઢે છે અને બસની બાવને બાવન બેઠકોની મુંડી પોતાની સાડા પાંચ ઇંચની સ્ક્રીનમાં ઘુસેલી રહે છે.
- સ્નેહલ તન્ના