
- વટથી, હકથી ને હુકમથી
કેન્દ્રિય વિતમંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરે એની પહેલા અને પછી અમાર ગામના પાદરે ભાભલાઓની વિશ્લેષણ ટીમ તૈયાર બેઠી હોય છે. બજેટ પહેલાં અને પછી માનવજાત પર આવી પડતી મુસીબતોથી રેસ્ક્યું કરવા, આગામી વર્ષમાં એની પીડાઓથી બચવા વગેરે વગેરે.
ગુજરાતમાં ક્રિકેટ હોય કે અંબાણીના લગ્ન હોય કે બજેટ હોય, દરેક વસ્તુનું એનાલિસિસ કે પેરાલિસિસ કરવા અમારી આસપાસ ટુકડીઓ તૈનાત જ હોય. પાછી કોઈપણ સમયે હાજર ને હાજરાહજૂર જાણે સુપર મોલમાં મળતો ખજૂર! એમાં પછી ચિદમ્બરમ્ સાહેબની લૂંગીથી માંડીને નિર્મલા મેડમની સાડીની કરચલી સુધીની ચર્ચાઓ આવી જાય.
"હા તો જણાવો ચલો, શું છે આ વખતના બેજેટમાં જાણવા લાયક?"
"બસ જો ટેક્સ ભરો ને સેક્સ કરો" એક જુવાનિયાએ જવાબ આપ્યો.
"ટેક્સ છે કે સાસરે ગયેલી છોકરીનો જીવ? સાલો કપાયા જ કરે છે!!" એક મધ્યમવર્ગીય નાગણ નોકરી કરતી મહિલાની વ્યથા.
"સરકાર ટેક્સ લગાવશે, તો અમે તેને બચાવવાના ઉપાયો આપી શકીએ ને!" એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક પૂર્ણાંક એક દ્રુતિયાંશ થઈને..
"જો સરકાર બજેટમાં મધ્યમવર્ગની કમ્મર તૂટે એવી કોઈ વાત ન લાવે તો અમારે છાપવાનું શું?" છાપાવાળા બળતણીયાએ જવાબ આપ્યો.
"સો વાતની એક વાત, બજેટમાં કોઈ દિ ખાટો નહિ તમે.." માવો થુંકતા ભાભલાની હોશિયારી.
"હું આના વિશે થોડું વાંચીને, વિશ્લેષણ કરીને પછી જવાબ આપીશ" નવોસવો બજેટ જોતો ઠોઠ નિશાળિયો
"એકદમ યોગ્ય બજેટ છે. સરકારે જે યોજનાઓ અમલમાં મૂકવા માટે ફંડ ફાળવ્યું છે તે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે" આ કોણ બોલે છે, કોને કહે છે વીથ ફાઈવ માર્કસ!! જવાબ મને મેસેજ કરીને જણાવજો.
સૌથી વધુ રસપ્રદ હોય પેલી ન્યુઝ ચેનલ પર ચાલતી બવાલો. જેમાં ત્રણ ગાંધીજીના વાંદરા બેસાડ્યા હોય. એક બજેટની ફેવરમાં ગાંગરે, બીજો વિરુદ્ધમાં ભાંભરે અને ત્રીજો/ત્રીજી તટસ્થતાપૂર્વક આવા પ્રોગ્રામ લાંગરે..
એનાથી રસપ્રદ હોય ગૃહિણીઓના બળાપા. શાકભાજી મોંઘુ થશે કે ગેસનો બાટલો સસ્તો થશે વાળી પંચાતમાં કિટ્ટી પાર્ટીમાં જવાનું લેટ થઈ જાય એ નફામાં. પણ જેમ નોટબંધી વખતે ચા-ખાંડ-લોટના ડબ્બામાંથી 500 અને 1000 રૂપિયાની કેટલીયે નોટ નીકળી હતી. એમ બજેટમાં ગમે તે થાય પણ ગૃહિણીઓની આ ટેવ નહિ છૂટે. પતિના ખિસ્સામાંથી પૈસા અને બોયફ્રેન્ડના ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઇન શોપિંગ કરવી એ સ્ત્રીઓનો જન્મજાત અધિકાર છે. પહેલા એવું કહેવાતું કે આ પુરુષો એની ગમતી સ્ત્રી માટે માત્ર એટીએમ મશીન બનીને રહી ગયા છે પણ એવું નથી, હવે પતિઓ અને બોયફ્રેન્ડો એટીએમ ઉપરાંત ઓટીપી પણ બની ગયા છે. ખરીદી સ્ત્રી કરે અને ઓટીપી એનાં ઘરવાળાના ફોનમાં આવે. ગમે તે મિટિંગમાં હોય ઓટીપી તો તરત આપવો પડે. નિર્મલાજીએ આ ઓટીપી ઉપર ટેકસ હજુ સુધી નથી લગાડ્યો એ સારું છે.
એક સવાલ થાય કે હમણાં સુધી ભારતના નાણામંત્રી મોટાભાગે પુરુષો રહ્યા છે. મોરારજી દેસાઈ હોય કે પી. ચિદમ્બરમ્. આ બધા મહાનુભાવો દેશનું બજેટ સેટ કરે તો તેના ઘરનું બજેટ સેટ કરવાનો લાહવો મળતો હશે ખરો? વેલ, આપણા લાડીલા ડૉ. મનમોહનસિંઘ પણ વિત્તમંત્રી રહી ચૂક્યા છે પણ એમને તો સંસદ હોય કે ઘરનો હોલ, ક્યાંય બોલવાનો મોકો મળતો નહિ એટલે એમનું સમજી શકાય પણ બીજા મંત્રીઓના ઘરમાં બજેટ એમની વાઇફ જ સેટ કરતી હશે? નિર્મલાજીના ઘરના બજેટનો ખાસ પ્રશ્ન એટલે નથી રહેતો કે એમના પતિદેવે આ ચૂંટણી વખતે ઇલેક્ટોરલ બૉન્ડ વિશે ખાસ્સી નેગેટિવ કૉમેન્ટ કરેલી એટલે હવે તે બંને માણસ બજેટ સેટ કરતાં હશે કે કોણે શું ન બોલવું એનું બજેટ બાંધતા હશે એનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.
ખરેખર તો ભારતમાં બજેટ જાહેર કરવાનો હેતુ જ એ છે કે ભારતમાં અર્થશાસ્ત્રીઓ કેટલા છે તેની વસતી ગણતરી થઈ શકે. ચોમાસુ તો આ વખતે મોડું છે એટલે બિલાડીના ટોપ (અને ટીશર્ટ) નથી ફૂટી રહ્યા પણ બજેટ નજીક આવે એની પહેલા આપણી આજુબાજુ અર્થશાસ્ત્રીઓનો રાફડો ફાટે. વોટ્સએપ પર તો બહુ જ્ઞાન આવે. હવે તો ઈન્સ્ટાગ્રામના ઇન્ફ્લ્યુઅન્સર પણ અર્થતંત્રની સમજ આપતા થઈ ગયા છે. ચારેકોર ચાણક્ય છે. આવા સમયમાં અસલી ચાણક્ય આવી જાય તો પોતાની શિખા ફરીથી બાંધીને ચાલ્યા જાય. કારણ કે ચાણક્યે પોતે એકોય જનમમાં ન કીધું હોય એવા એવા વાક્યો એના નામે આપણે ફેરવીએ છીએ. ચાણક્ય ખુદ આવીને કહે કે બહેન આવું હું નથી બોલ્યો તો પણ આપણે એને ખોટો પાડીએ એમ છીએ કે કીધું જ હશે, જરા યાદ કર ભૂરા. બાય ધ વે, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બજેટ બહાર પાડવામાં આવતું? મોદી સાહેબની કોટી મોદી જેકેટના નામે મશહૂર થયા એમ મૌર્યના કોઈ કપડાંની ફેશન ચાલેલી? નહિ ને? તો પછી આપણા સાહેબ જ વધુ મહાન થયા ને?
- સ્નેહલ તન્ના