
- નાગણ નોકરી
નાગણ નોકરી. નોકરીની મોકાણ. નોકરિયાત જીવ. ચીકણો જીવ. સહનશીલ જીવ. ત્રસ્ત જીવ, અસ્તવ્યસ્ત જીવ ને મસ્ત જીવ. આ ટ્રસ્ટ તૂટવાથી લઈને ત્રસ્ત થવા સુધીની કહાની મસ્ત થવા સુધી પહોંચે એમાં ચા બ્રેક અને ચાની ચુસ્કી બહુ મોટો ભાગ ભજવે છે.
સવારે પત્નીના બોકાહા સાંભળીને દફ્તર ટાંગીને, ટિફિન ટાંગીને હાલી નીકળેલો નોકરિયાત કર્મચારી નાગણ નોકરીના સ્થળે પહોંચીને ત્રણ ભાગ પાણી ને એક ભાગ દૂધ વાળી ચા ન પીવે ત્યાં સુધી એની આંખ ન ઉઘડે. જો કે એની આંખ તો ઊઘડી જ ગઈ હોય છે છતાં બંધ રાખ્યા સિવાય છૂટકો નથી.
બેંક હોય, વીમા કંપની હોય, ટેલિફોન કંપની હોય, હોસ્પિટલ હોય કે પોલિસ સ્ટેશન હોય; એની આસપાસ ચાની કિટલી, લારી, હોટેલ આપોઆપ પ્રગટ થઈ જતી હોય છે. નોકરી કરતા કરતા ઉત્પાતિયા જીવને શાતા મેળવવા આ કિટલીઓ મંદિર જેવું કામ કરે છે.
એ લારીની બાજુમાં પાન વાળી રેકડી પણ હોય ને ગરમ સમોસા બનાવે એવો જણ પણ જડી આવે. જેના ગંધાતા, દાજિયા તેલમાં બનેલા ભજીયા કે સમોસા ખાઈને નોકરી કરતી પ્રજાતિ કજિયા શેર કરે ને મેનેજરના છાજિયાં પણ લઈ શકે. ટી બ્રેક એ નોકરી કરતા લોકોના જીવનમાં મેડીટેશન જેવું કામ કરે છે.
કૉફી વિથ કરણ તો કાલે આવ્યું, બાકી ચાની ચુસ્કી ને ચાય પે ચર્ચા તો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. એ ચાય પે ચર્ચામાં ઑફિસમાં ચાલતા લફરાથી માંડીને બોસના ચાલતા ચક્કર સુધીની વાતો શામેલ હોય છે. કોને પ્રમોશન મળવાનું છે ને કોને ન મળવું જોઈએ. કોને ટ્રાન્સફર આપી દેવાથી ઑફિસમાં શાંતિ થઈ જાય ને આપણી ક્યાં ટ્રાન્સફર થવાથી આપણને શાંતિ મળે જેવી દરેક વાતો પત્નીને ખબર હોય કે ન હોય ચાની કીટલી વાળા ચંગુને ખબર હોય. એનું કામ ચા બનાવવાનું ને એના કાન કર્મચારીઓની લાગણીને બળતણ આપવાના કામ કરે.
ચંગુ, મંગુ, છગન, મગન, જેવા ચા બ્રેક માટે તલપાપડ થતાં હોય ત્યારે ચંપા ને ચમેલી કૉફી પીવા હાલી નીકળતી હોય. જો કે હવે તો મેટ્રો સિટીમાં સિગારેટ બ્રેક પણ એટલો જ મહત્વનો છે જેમાં આપણી રીંછથી ડરતી ફેમીનિસ્ટ ફુદરડીઓ મોખરે હોય છે. રસ્તામાં ઢસડાઈ જતાં પ્લાઝા પહેરીને પાનની દુકાને મોંઘી માંયલી સિગારેટ પીતી પીતી માનુનીઓ નાગણ નોકરી વધારે ખરાબ કે સાસુનું સાસરું એની ચર્ચામાં મશગુલ હોય છે. ને આવા બ્રેકમાં કંપની કે કંપનીના મેનેજર કે બોસ પણ દખલ નથી દેતા બાકી એમનું કામ ડખે ચડી જાય ને કર્મચારીઓ કામકાજથી..
નાગણ નોકરી સાથે મેનેજરના મોહ, કલિગઝના કકળાટ, પ્રમોશનની પળોજણ, ટિફિન ટોળકીઓ, ચાની ચુસ્કી, વગેરે વગેરે મહત્વના ટોપિક છે જેના પર ચાય પે ચર્ચા ને કૉફી પે ખર્ચા થઈ શકે છે.
ખાધું પીધું ખભે આવે ને ચા કોફી દંભે આવે!! સોશિયલ મીડિયા પર જેટલી વાતો થાય એના કરતાં દસ ગણી વાતો ચાની લારી પર થાય. કર્મચારીઓની નસ કાપવામાં આવે તો એક હાથમાં લોહી નીકળે ને બીજા હાથમાંથી ચા નીકળે. એ ચાનું ડીએનએ કરાવો તો નાગણ નોકરી કરતી પ્રજાતિની બળતરા નીકળે. જીવનની ફિલસૂફી સમજવી હોય કે સમાજની લીલા, ઑફિસની બહાર રહેલી ચા વાળાની જગ્યા સર્વશ્રેષ્ઠ છે.
ઘણી ઑફિસમાં ચા ઈન હાઉસ તૈયાર થતી હોય છે. ત્યાં ગોસીપ ઓછી થતી હશે. એવો વહેમ રાખવો સારો નહિ. કાઠિયાવાડમાં તો કપની સાઈઝ યોગ્ય હોય એટલે ગોસીપ પણ પ્રોપર થાય. અમદાવાદીઓ તો ઇન્જેક્શન ઘોંકવા પડે એટલી ચા કોફી મળે, કપનું મેન્યુફેકચરિંગ ક્યાં થતું હશે એવો સવાલ થાય ત્યાં ગોસીપ ઓછી થતી હશે ખરી? હવે સમજાય છે કે લોકો પંચાત ઓછી કરે એટલે કપ નાના રાખે ને ચા ઓછી સર્વ કરે છે અમદાવાદીઓ. ખોટી કોઈની નિંદા કરવામાં કર્મ બંધાય ને પાપ લાગે એ લટકામાં. સમજાયું?!!
- સ્નેહલ તન્ના