
- વિજ્ઞાન વિહાર
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજા વિશ્વયુદ્ધ પછી કદાચ પહેલી વખત આવી રીતે આટલા મોટા પાયે અને આટલા લાંબા સમય સુધી યુરોપની ભૂમિ ઉપર યુદ્ધના કાળા વાદળો છવાઈ રહયા છે. જો કે 2022માં તો રશિયાએ વિધિવત રીતે યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી કરી આક્રમણ કર્યું. આ યુદ્ધના પડઘમ તો એ પહેલા ઘણા વર્ષોથી વાગી રહ્યા હતા. શરૂઆત થયેલી 2014ના ફેબ્રુઆરી મહિનામાં જ્યારે રેવોલ્યૂશન ઓફ ડીગ્નીટી એટલે કે ગૌરવ ક્રાંતિ નામે યુક્રેનમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલમાં દરમિયાનગીરી કરી રશિયાએ ક્રાઇમિયા પ્રદેશમાં આક્રમણ કર્યું અને એ પ્રદેશને યુક્રેનથી અલગ કરી દીધો. ત્યારથી શરુ થયેલી અથડામણો અને સંઘર્ષ અંતે છેલ્લા બે વર્ષમાં સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ ગયા અને તેના પરિણામ સ્વરૂપ બદલાયેલા જીઓપોલિટિક્લ સમીકરણો અને આંતરરાષ્ટ્રીય તણાવ આજે આખી દુનિયાને અસર કરી રહ્યા છે. જો કે આજે આપણે આ જીઓપોલિટિક્લ સમીકરણો નહિ પણ રુસો-યુક્રેન સંઘર્ષના પરિણામે એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પ્રોજેક્ટમાં થયેલા બદલાવ અને તેની વર્તમાનમાં થતી અસરો વિશે વાત કરીએ.
એ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પ્રોજેક્ટ એટલે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક. ઇનરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS). 1998થી પૃથ્વી ફરતે નીચલી ભ્રમણ કક્ષામાં લગભગ 400 કિલોમીટર જેટલી ઊંચાઈએ ફરતી 450 ટન વજનની આ પ્રયોગશાળા કોઈ અજાયબીથી ઓછી નથી. મુખ્યત્વે અમેરિકા અને રશિયા અને આ બંનેની સાથે જાપાન, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડાના સંયુક્ત ઉપક્રમે બનેલી આ વિશાળ પ્રયોગશાળા લગભગ 28000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી દોઢ કલાકમાં પૃથ્વીની એક પ્રદક્ષીણા પુરી કરી લે છે. 1998માં અવકાશમાં બાંધકામ શરુ થયા પછી અવકાશયાત્રીઓની પહેલી ટુકડી ત્યાં સાલ 2000ના નવેમ્બર મહિનામાં ગયેલી અને ત્યારથી અત્યાર સુધી 23 વર્ષથી સતત કોઈ ને કોઈ એ પ્રયોગશાળામાં હાજર છે અને પૃથ્વીના વાતાવરણની બહાર માનવજાતનું પ્રતિનિધિત્વ કરે છે.
કક્ષામાં આ પ્રયોગશાળાના બાંધકામ એટલે કે એક પછી એક અલગ અલગ પાર્ટ લઇ જઈને ત્યાં જોડવા અને બની ગયા બાદ અવકાશયાત્રીઓને ત્યાં લાવવા લઇ જવા માટે રશિયા દ્વારા તેના સોયુઝ રોકેટ અને કેપ્સ્યુલ તથા અમેરિકા દ્વારા ડિસ્કવરી, એન્ડેવર અને એટ્લાન્ટિસ સ્પેસ શટલના કાફલાનો ઉપયોગ કરવામાં આવતો. ISS માં આવી અવર જવર માટે સ્પેસ કેપ્સ્યુલને જોડવા માટે ચાર ડૉકીંગ અને ચાર બર્થીંગ પોર્ટ્સ છે. જો કે 2009માં નાસાએ તેનો સ્પેસ શટલ પ્રોગ્રામ બંધ કરી દીધો. માટે 2009થી બધા જ એસ્ટ્રોનોટ્સને ISS ઉપર લાવવા લઇ જવા અને અન્ય સામાન પહોંચાડવા માટેના કાર્ગો મિશન માટે માત્ર રશિયાના સોયુઝ ઉપર જ આધાર હતો. એટલે કે અમેરિકાના અવકાશયાત્રીઓને પણ ISS ઉપર જવા કે પાછા આવવા માટે રશિયન રોકેટ્સ નો જ ઉપયોગ કરવો પડતો. હવે થયું એવું કે 2014માં રશિયા દ્વારા યુક્રેન ઉપર આક્રમણ બાદ અમેરિકા અને નાટોએ રશિયા ઉપર અનેક નિયંત્રણો લગાવ્યા. જવાબમાં રશિયાએ પણ આક્રમક તેવર દેખાડ્યા. એ સમયે હું અમેરિકામાં જ રહેતો અને મને યાદ છે કે યુનિવર્સીટીમાં અને વૈજ્ઞાનિક બેડાઓમાં એ ચર્ચાએ જોર પકડેલું કે જો રશિયા આપણા (એટલે કે અમેરિકાના) અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર લઇ જવાની કે પાછા લાવાવની ના પડી દે તો? અને ખરેખર રશિયાના ઉપપ્રધાનમંત્રી દિમીત્રી રોગોઝીને તો એવી ધમકી પણ આપી કે જો અમેરિકા દ્વારા રશિયા ઉપર આવા નિયંત્રણો લગાવવામાં આવશે તો તેઓના એસ્ટ્રોનોટ્સને અમારી સોયુઝ કેપ્સ્યુલમાં જગ્યા નહિ મળે. જો કે એ માત્ર ધમકી જ રહી અને એ જ વર્ષે સોયુઝમાં જ અમેરિકાનો એક અવકાશયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ગયો પણ ખરો. પરંતુ આ ઘટનાથી અમેરિકાના સ્પેસ પ્રોગ્રામમાં એક ખુબ મહત્વનો વળાંક આવ્યો.
રશિયા અને અમેરિકાના સંબંધોમાં આવી અનિશ્ચિતતા અને ખાસ તો આવી ધમકીને કારણે અમેરિકાને સમજાઈ ગયું કે તેઓએ ISS પ્રોજેક્ટમાં કામ ચાલુ રાખવું હોય તો રશિયાના રોકેટ ઉપર આધાર રાખવાનું બંધ કરવું પડશે. એટલે હવે તેઓ આ માટેનો વિકલ્પ શોધવા લાગ્યા. વિકલ્પ ઉપર કામ તો જો કે પાંચ છ વર્ષ પહેલાથી ચાલુ હતું. નાસાનો પ્લાન એવો હતો કે ISS પર આ અવકાશયાત્રીઓની ફેરી અને સામાનની અવરજવર માટે પ્રાઇવેટ કમર્શિયલ સર્વિસ વિકસાવવી. આ માટે ઓલરેડી બે કંપની પાંચ-છ વર્ષથી કામ તો કરી જ રહી હતી. એક તો ઈલોન મસ્કની સ્પેસએક્સ, જે ક્રુ ડ્રેગન અને કાર્ગો ડ્રેગન નામે મહત્વાકાંક્ષી સ્પેસશિપ પ્રોગ્રામ આગળ વધારી રહી હતી. જયારે બીજી બોઇંગ જે સ્ટારલાઈનર સ્પેસશિપ ઉપર કામ કરી રહી હતી. બંને કંપની વચ્ચે સારી એવી હરીફાઈ હતી અને નાસાએ તેઓને પ્રોજેક્ટ ડેવેલપમેન્ટ માટે જગ્યા પણ ફાળવેલી. પરંતુ ફંડની અછત અને 2014 પહેલા સોયુઝની વિશ્વાસપાત્ર સર્વિસને કારણે આ બંને પ્રોજેક્ટ નાસાના પ્રાયોરિટી લિસ્ટ ઉપર ન હતા. જો કે 2014 પછી રુસો-યુક્રેન યુદ્ધ અને ત્યાર પછીના ડેવલપમેન્ટને કારણે હવે પરિસ્થિતિ જુદી હતી. માટે અમેરિકન કોંગ્રેસ અને નાસાએ આ પ્રોજેક્ટને હાઈ પ્રાયોરિટી ઉપર લઇ ફંડ ફ્લો વધાર્યો. શરૂઆતમાં બોઇંગ સ્ટારલાઈનર થોડી આગળ હતી અને નાસાને તેની ડિઝાઇન ઉપર વધુ આશા હતી. જો કે બાદમાં સ્પેસએક્સની ડ્રેગન સિરીઝના સ્પેસશિપ હરીફાઈમાં ઘણા આગળ નીકળી ગયા અને 2020થી નાસા દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશમથક સુધી ક્રુ અને કાર્ગો લઇ જવા સતત વપરાશમાં લેવાઈ રહયા છે. બીજી બાજુ બોઇંગ સ્ટારલાઈનર સિરીઝના સ્પેસશિપનું ડેવેલપમેન્ટ પ્લાન કરતા ઘણું ધીમું રહ્યું. તેની પહેલી સમાનવ એટલે કે ક્રુ સાથેની ટેસ્ટ ફલાઇટ 2017માં કરવાની હતી. પરંતુ છેક 2022માં તો હજુ તેની માનવરહિત ટેસ્ટ ફલાઇટ્સ પુરી થઇ.
ત્યાર બાદ સમાનવ ટેસ્ટ ફલાઇટને પણ એક પછી એક અડચણો નડતી ગઈ અને હજુ પણ એ આપદાઓ પુરી થવાનું નામ નથી લેતી. મૂળ તો ઉપર લખ્યું તેમ આ ફલાઇટ ટેસ્ટ 2017 માં કરવાની હતી. પરંતુ અલગ અલગ કારણોસર તે પાછી ઠેલાતી ગઈ. અંતે 16 એપ્રિલ 2024ના દિવસે કેપ્સ્યુલને એટલાસ-V રોકેટ ઉપર લગાવ્યા બાદ 7 મે ના દિવસે લોન્ચ કરવાનું નક્કી થયું, પરંતુ લિફ્ટ-ઓફના માત્ર બે કલાક પહેલા રોકેટમાં ઓક્સિજન વાલ્વમાં ખામી સર્જાવાને કારણે લોન્ચ કેન્સલ કરવું પડ્યું. ત્યાર બાદ પણ વારંવાર હિલિયમ લીક થવાને કારણે લોન્ચ ડેટ ફાઇનલ ન થઇ શકી. સ્પેસશિપ કેપ્સ્યુલમાં હિલિયમ ખુબ મહત્વનો ભાગ ભજવે. કેપ્સ્યુલને અવકાશમાં ડ્રાઈવ કરવા માટે તેમાં અમુક થ્રસ્ટર હોય જે કેપ્સ્યુલને ધાર્યા પ્રમાણે ચોક્કસ દિશામાં લઇ જઈ શકે કે ફેરવી શકે. બોઇંગ સ્ટાર લાઈનરની કેલિપ્સો કેપ્સ્યુલમાં આ માટે આવા 28 થ્રસ્ટર છે અને આ થ્રસ્ટર ફાયરિંગની પ્રક્રિયાનો રેટ કંટ્રોલ કરવા સ્ટારલાઇનરમાં હિલિયમ વાયુનો ઉપયોગ થાય છે. લોન્ચ પહેલા આ હિલિયમ વાયુ એક કરતા વધુ વખત લીક થયો હોવાનું ડિટેકટ થયેલું. કોઈ રીતે તેને રીપેર કરી ફરી એક વખત 1 જૂન 2024ના દિવસે લોન્ચ કરવાનું નક્કી થયું. પરંતુ હજુએ સ્ટારલાઈનર અને તેમાં રહેલા બે અવકાશયાત્રીઓને અવકાશમાં જવાનું 'મુરત' આવ્યું ન હતું. ફરી લિફ્ટ-ઓફ થી માત્ર ત્રણ મિનિટ અને પચાસ સેકન્ડ પહેલા તેના પાવર-સપ્લાઈમાં ખામી સર્જાવાને કારણે લોન્ચ કેન્સલ કરવું પડ્યું. અંતે 5 જૂન 2024ના દિવસે બોઇંગ સ્ટારલાઈનર તેની કેલિપ્સો કેપ્સ્યુલમાં બે અવકાશયાત્રીઓને લઈને તેની સર્વપ્રથમ સમાનવ (crewed) ફલાઇટ ટેસ્ટ માટે એટલાસ-V રોકેટ ઉપર સવાર થઇ ફ્લોરિડાના કેપ કેનવેરલથી સફળતા પૂર્વક રવાના થયું. આ બે અવકાશયાત્રીઓ એટલે બેરી વિલમોર અને સુનિતા વિલિયમ્સ. જો કે હજુ ય એક પછી એક આવતી અડચણો તેનો કેડો મુકવાની ન હતી. રસ્તામાં જ ફરી અમુક થ્રસ્ટરમાં હિલિયમ લીક થતો હોવાનું જણાયું. અને તેના કારણે 28માંથી 5 થ્રસ્ટર ખરાબ થઇ ગયા. જો કે ત્યાર બાદ થોડી મહેનતથી એ પાંચ માંથી ચાર થ્રસ્ટર ફરી કાર્યરત થયા અને થોડા ડીલે સાથે કેલિપ્સો ISS સાથે સફળતા પૂર્વક ડૉક થઇ (પોર્ટ સાથે જોડાઈ ગઈ).
અમુક કલાકની આ કેપ કેનવેરલથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધીની ફલાઇટ પણ કોઈ હોલિવૂડ મૂવી જેવી એક્સાઇટીંગ હતી અને ત્યાર બાદ જે અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર થઇ રહ્યું છે તે પણ. સાથે થોડું ચિંતા જનક પણ. પ્લાન પ્રમાણે તેમાં ગયેલા બે અવકાશયાત્રી, બિલ અને સુનિતાએ ત્યાં આંઠ દિવસ રોકાઈને 14 જૂને ધરતી ઉપર પાછા ફરવાનું હતું. પરંતુ ફરી હિલિયમ લીક અને અન્ય કેટલાક કારણોસર નાસાએ હજુ આજની તારીખ સુધી તેઓને પાછા ફરવાની પરવાનગી નથી આપી. હાલ, સુનિતા વિલિયમ્સ અને બિલ વિલમોર વિઝીટર તરીકે અન્ય પાંચ અવકાશયાત્રી સાથે લગભગ દોઢ મહિનાથી ત્યાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે. લોન્ચ પછી કેપ કેનવેરલથી ISS સુધીની રોમાંચક સફર, તેમાં શું અડચણો આવી અને તેને કેવી રીતે પર પાડી, હાલ તેઓ ISSમાં આ લંબાયેલા સ્ટે દરમિયાન શું પ્રયોગો કરી રહ્યા છે અને હવે આગળ શું થઇ શકે તે વિશે વધુ આવતા અંકે.
ક્રમશઃ
- વિપુલ ખેરાજ