Home / GSTV શતરંગ / Vipul Kheraj : Guru-Purnima: As much as Guru's glory, so is Guru's responsibility

શતરંગ / ગુરુ-પૂર્ણિમા: જેટલો ગુરુનો મહિમા, એટલી જ ગુરુની જવાબદારી પણ

શતરંગ / ગુરુ-પૂર્ણિમા: જેટલો ગુરુનો મહિમા, એટલી જ ગુરુની જવાબદારી પણ

- વિજ્ઞાન વિહાર

અમેરિકાના મિનેસોટા રાજ્યના રોસેસ્ટર શહેરમાં રહેતો એક 14 વર્ષનો છોકરો. નામ ઈથન મેન્યુઅલ. રોસેસ્ટર સેન્ટ્રલ લુથરન નામની સ્કૂલમાં આંઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. એક વખત તેના ટીચર મિસિસ ઓમલેન્ડે તેને સ્કુલના વિજ્ઞાન મેળા માટે એક પ્રોજેક્ટ બનાવવા કહ્યું. ઈથને નક્કી કર્યું કે તે તેના ટોય-રૂમમાં પડેલા કેટલાક પ્લાસ્ટિકના ઇન્સેક્ટ્સને પૈડાની જગ્યાએ માત્ર વાઈબ્રેશન્સ એટલે કે ધ્રુજારી ઉત્પન્ન કરાવીને સરીસૃપ પ્રાણીઓની જેમ ચલાવશે અને તેમની મૂવમેન્ટ કંટ્રોલ કરશે. આ માટે તેણે કેટલાક અળસિયા જેવા પ્લાસ્ટિકના રમકડાના બગ્સ શોધી કાઢ્યા. હવે વાઇબ્રેશન ઉત્પન્ન કરવા માટે બેટરીની જરૂર પડી. ઈથન ચાર વર્ષનો હતો ત્યારથી તેને સાંભળવાની તકલીફ હોવાથી ડાબા કાનમાં ધ્વનિ યંત્ર (hearing aid) યુઝ કરતો હતો. આ ધ્વનિ યંત્ર માટે સામાન્ય રીતે ઝીંક-એર બેટરી વપરાય એટલે તેના ઘરે એ બેટરીનો સ્ટોક સારા એવા પ્રમાણમાં રહેતો. માટે તેણે પોતાના પ્રોજેક્ટ માટે પણ આ જ બેટરી વાપરવાનું નક્કી કર્યું.

ઝીંક-એર બેટરી આમ તો સામાન્ય બટન-સેલ જેવી જ દેખાય પરંતુ તેની ઊર્જા-ઘનતા (energy density) સામાન્ય બટન-સેલ કરતા વધુ હોય. વળી મુખ્ય ફર્ક એ હોય કે તે બેટરીમાં રહેલા ઝીંક અને હવામાંથી મળતા ઓકસીજનની મદદથી પાવર જનરેટ કરે. જ્યારે રેપરમાંથી નવી બેટરી કાઢીએ ત્યારે તેના પાછળના ભાગે એક એર-ટાઈટ સ્ટીકર લાગેલું હોય. જે તેને હવાના (ઓકસીજનના) સંપર્કથી બચાવે. જ્યારે યુઝ કરવી હોય ત્યારે આ સ્ટીકર ઉખાડવાનું રહે જેથી બેટરી હવાના સંપર્કમાં આવે અને રીએકશન શરૂ થાય જેથી પાવર ઉત્પન્ન થાય. ધ્વનિ યંત્રમાં સામાન્ય રીતે આ બેટરી પાંચેક દિવસ ચાલે. ત્યાર બાદ તેને આવી જ રીતે રેપરમાંથી નવી બેટરી કાઢી સ્ટીકર ઉખાડી રિપ્લેસ કરવી પડે. 

હવે ઈથને તેના પ્લાસ્ટિકના બગ્સને આવી ઝીંક-એર બેટરીની મદદથી ચલાવીને તેમને કંટ્રોલ કરવા માટે પ્રયોગો શરૂ કર્યા. પ્રયોગો તો પ્લાન પ્રમાણે ચાલી રહ્યા હતા પરંતુ આ દરમિયાન ઈથને એક ખાસ અવલોકન કર્યું. તેણે જોયું કે મોટા ભાગે રમકડાંમાં નવી બેટરી નાખ્યાં પછી તે એકાદ દિવસમાં ઉતરી જાય છે અને બદલવી પડે છે. પણ ક્યારેક ક્યારેક સેમ પેકેટમાંથી કાઢેલી એકાદ બેટરી લગભગ બે દિવસ ચાલે છે. તેને કુતૂહલ થયું કે આવું શા માટે થાય છે. એટલે તેણે તેના ટીચરને વાત કરી. ટીચરે પણ તેની જિજ્ઞાસાને વખાણીને તેને પ્રોત્સાહન આપ્યું. સાથે તેને લોગ બુક બનાવી એક-એક સ્ટેપ એક્ઝેકટ સમય સાથે લખવા કહ્યું. હવે ઇથન બેટરી રેપરમાંથી કાઢવાથી લઈને ક્યારે ઇન્સર્ટ કરી, ઇન્સેક્ટને કેટલી મિનિટ ચલાવ્યું અને એક્ઝેક્ટ ક્યારે ડ્રેન થઈ તેની સમય સાથે નોંધ લખવા લાગ્યો. અમુક દિવસોના પ્રયોગો પછી તેને સમજાયું કે જ્યારે જ્યારે નવી બેટરીનું પેલું એર-ટાઈટ સ્ટીકર ખોલ્યા પછી કોઈ કામ આવી જવાથી કે બીજા કોઈ કારણસર બેટરી રમકડામાં નાખવામાં થોડી મિનિટોની વાર થઈ હતી એ કિસ્સાઓમાં બેટરી વધુ લાંબો સમય ચાલી હતી. 

હવે તેના શિક્ષક સાથે મળીને તેણે સિસ્ટમેટીક પ્લાન બનાવીને સ્ટીકર ઉખાડ્યા પછી અલગ અલગ સમય રાહ જોઈને બેટરી ઈન્સર્ટ કરીને પ્રયોગો કર્યા. અંતે થોડા દિવસોના એકસપેરીમેંટ્સ અને એનાલીસીસ પછી તેણે તેના ટીચર સાથે રિપોર્ટ લખ્યો કે ઝીંક-એર બેટરીને યુઝ કરતી વખતે તેનું એર-ટાઇટ સ્ટીકર ઉખડ્યા પછી ડીવાઈસમાં ઇન્સર્ટ કરતા પહેલા પાંચ મિનિટ હવામાં રાખવામાં આવે તો તેની લાઇફમાં 85 ટકા જેટલો વધારો થાય છે. તેનો આ 'પાંચ-મિનિટ રૂલ' અને તેનું રિસર્ચ ઘણા બધા મેગેઝિન અને અખબારોમાં છપાયા. આ વાત ઈવન ઝીંક-એર બેટરી બનાવતી કંપનીઓના પણ ધ્યાનમાં આવી અને ઘણી કંપનીએ ઈથન અને તેના શિક્ષકને ક્રેડિટ આપીને આ બેટરીના રેપર ઉપર લખવાનું શરૂ કર્યું કે બેટરીના શ્રેષ્ઠ ઉપયોગ માટે તેને રેપરમાંથી કાઢી સ્ટીકર ઉખાડી ડીવાઈસમાં ઇન્સર્ટ કરતા પહેલા પાંચ મિનિટ હવામાં રાખવી. 

ઈથન જેવા એક આઠમાં ધોરણમાં ભણતા છોકરાને કારણે આજે કાનમાં ધ્વનિ યંત્ર વાપરતા હઝારો લોકો બેટરીની લાઇફ વધવાથી ખર્ચમાં સારી એવી બચત કરી રહ્યા છે. અહીં ઈથનમાં એવું શું સ્પેશિયલ હતું કે જેનાથી તે આટલી નાની ઉંમરે આટલું ઉપયોગી શંસોધન કરી શક્યો? મારી દૃષ્ટિએ તેની પાસે એક જબરદસ્ત કોમ્બિનેશન હતું. કુતૂહલ, અવલોકન અને યોગ્ય શિક્ષક. હું હંમેશા મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે કુતૂહલ અને શાર્પ અવલોકન માનવજાતની પ્રગતિના બે મુખ્ય ટૂલ્સ છે. સાયન્સ ઇઝ ઓલ અબાઉટ ક્યોરિયોસિટી, ઓબ્ઝર્વેશન એન્ડ કોમન-સેન્સ. આજે આપણે આપણી જાતને બુદ્વિકાસના પિરામિડમાં ટોપ ઉપર ગણતા હોઈએ તો આપણી અખૂટ જિજ્ઞાસાવૃત્તિ અને આપણી અવલોકનશક્તિ આ માટે ખૂબ મોટા પાયે જવાબદાર છે. પણ આપણી શિક્ષણ-પ્રણાલી કે આપણી સમાજ વ્યવસ્થા કે એવા ઘણા કારણોથી બાળક કોલેજમાં પહોંચે ત્યાં સુધી લગભગ તે બાળ-સહજ કુતૂહલ ગુમાવી ચૂક્યા હોય છે. પ્લીઝ તમારી અંદર રહેલા કુતૂહલને જાળવી રાખો. ડોન્ટ લેટ યોર ક્યોરિયોસિટી ડાઇ. 

ઈથન પાસે કુતૂહલ અને અવલોકન સિવાય ત્રીજું પરિબળ હતું પ્રેરણાદાયી, પ્રોત્સાહક અને યોગ્ય માર્ગદર્શન આપનાર ગુરુ. આમ તો 'ગુરુ' શબ્દનો પ્રયોગ ખુબ બહોળા અર્થમાં થાય છે પરંતુ અત્યારે આપણે વ્યવહારિક પરિભાષામાં વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં ગુરુને શિક્ષકના સ્વરૂપે જ સમજીએ. એટલે એ રીતે ઈથન પાસે જે ત્રીજું પરિબળ હતું તે આપણા વિદ્યાર્થીઓને પૂરું પાડવાની અને જાળવી રાખવાની જવાબદારી મારી અને મારા જેવા અસંખ્ય શિક્ષકોની છે. શિક્ષકોએ એ ખાસ જોવાનું છે કે તેના વિદ્યાર્થીઓમાં રહેલું કુતૂહલ જીવિત રહે અને તેને પૂરતું પોષણ મળે. સમાજનું ઉત્થાન ઘણા અંશે વિજ્ઞાનથી થઈ શકે છે અને સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ ત્યારે જ આવશે જ્યારે ઈથન જેવા બાળકોને પૂરતો અવકાશ અને પ્રોત્સાહન મળશે અને એ માટે શિક્ષકોએ મિસિસ ઓમલેન્ડ બનવું પડશે.
  
- વિપુલ ખેરાજ