Home / GSTV શતરંગ / Vipul Kheraj : Science must be our charioteer Vipul Kheraj

શતરંગ / विज्ञानं सारथि नः स्यात्॥

શતરંગ / विज्ञानं सारथि नः स्यात्॥

- વિજ્ઞાન વિહાર

1930નો દશક ભારતની આઝાદીની લડતમાં એક નવો જુવાળ લાવ્યો. 23મી માર્ચ 1931ના દિવસે આપણા ક્રાંતિકારી શહીદ ભગતસિંઘ, રાજગુરુ તથા સુખદેવને ફાંસી અપાયા બાદ તેઓની શહીદીએ દેશમાં અંગ્રેજો સામે આક્રોશ અને ક્રાંતિ માટે નવો જોશ ભરી દીધો. જો કે બરાબર એ જ સમયે બીજી તરફ ગાંધી-ઇરવિન સંધિ દ્વારા ગાંધીજી લગભગ નેવું હજાર રાજકીય કેદીઓને બ્રિટિશ જેલોમાંથી છોડાવવામાં તો સફળ થયા પરંતુ ભગતસિંઘ અને તેમના સાથીઓને ન બચાવી શક્યા. ત્યાર બાદ તેમનું લક્ષ્ય ધીરે ધીરે દેશની રાજકીયને બદલે સામાજિક આઝાદી તરફ કેન્દ્રિત થતું ગયું. આમ પણ તેઓ હંમેશા માનતા કે દેશને અંગ્રેજ શાસન કરતા વધુ નુકશાન દેશમાં પ્રવર્તમાન સામાજિક બદીઓથી થઇ રહ્યું છે. એટલે તેઓએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઇ પોતાનો સંપૂર્ણ સમય અને ઉર્જા સામાજિક ઉત્થાન માટે આપવાનું નક્કી કરી લીધું અને લગભગ 1933ના અંતે તેઓ સમાજમાં અસ્પૃશ્યતા નિવારણના એક માત્ર ધ્યેય સાથે આખા દેશની પરિક્રમાએ નીકળી ગયા. આ પરિક્રમા દરમિયાન તેઓ સતત નવ મહિના સુધી લગભગ વિસ હજાર કિલોમીટરની યાત્રા કરી દેશના ખૂણે ખૂણે, ગામે ગામ અસ્પૃશ્યતા વિરુદ્ધ કાર્યક્રમો કરતા રહયા.   

બરાબર આ સમય દરમિયાન, 15 જાન્યુઆરી 1934ના દિવસે સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતમાં ભયંકર ધરતીકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બિહાર-નેપાળની સરહદ પાસે હતું. ધરતીકંપ ખુબ જ વિનાશક હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.3 હતી. ભારતના મોટા ભાગના ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં આ ધરતીકંપે ખુબ તારાજી સર્જી. હજારો લોકો ઘડી ભરમાં મૃત્યુ પામ્યા અને બીજા લાખો ગંભીર રીતે ઘાયલ થયા. માલ-મિલ્કતનું નુકશાન તો અલગ. જ્યારે ગાંધીજીને આ વિનાશક ધરતીકંપના સમાચાર મળ્યા ત્યારે તેઓ પોતાની યાત્રાના ભાગ રૂપે દક્ષિણ ભારતના કોઈ ગામમાં હતા. તેઓ તે સમયે પોતાના અસ્પૃશ્યતા નિવારણના ધ્યેય માટે એટલા સમર્પિત હતા કે તેઓએ અનાયાસે જ આ હોનારતને અસ્પૃશ્યતા સાથે સાંકળી ધરતીકંપને "કહેવાતા અછૂત સમાજો વિરુદ્ધ આપણે અસ્પૃશ્યતા રૂપી જે અક્ષમ્ય પાપ કર્યા છે અને કરી રહયા છીએ તે માટેની દૈવી સજા" ગણાવ્યો.

ગાંધીજીએ તેમનું સ્ટેટમેન્ટ કદાચ લોકોમાં અસ્પૃશ્યતા માટે અપરાધભાવ જગાવવા આપ્યું હોઈ શકે પરંતુ તેમના દ્વારા કુદરતી હોનારતનો આવી રીતે માનવીય વર્તણુંક સાથેનો અનુબંધ એકદમ વિચિત્ર, તર્કહીન અને અવ્યવહારુ હતો. એટલે સ્વાભાવિક રીતે જ તેઓના આ સ્ટેટમેન્ટની ઘણી જગ્યાએ તીખી આલોચના થઇ. સૌથી મહત્વની અને રસપ્રદ વાત એ કે તેમની ટીકા કરવામાં સૌથી મોખરે તેમના જ બે ખુબ નજીકના અને ખુબ મજબૂત સાથીઓ હતા. ઉપરોક્ત સ્ટેટમેન્ટ માટે ગાંધીજીની જાહેરમાં આલોચનાની શરૂઆત કરી ગાંધીજીના સૌથી ખાસ અનુયાયી એવા જવાહરલાલ નેહરુએ. નહેરુ પહેલેથી જ વૈજ્ઞાનિક અભિગમના ખુબ જ સ્ટ્રોંગ હિમાયતી હતા. તેઓ જ્યારે ધરતીકંપથી તારાજ થયેલા ક્ષેત્રોની મુલાકાત લઇ રહયા હતા (કે લેવા જવા માટે નીકળતા હતા) ત્યારે તેમને ગાંધીજીના ઉપરોક્ત સ્ટેટમેન્ટ વિશે જાણ થઇ. નેહરુએ તેમની આત્મકથામાં લખ્યું છે કે જ્યારે તેઓને જાણ થઇ કે ગાંધીજી જેવા વિશાળ અને પ્રભાવશાળી વ્યક્તિત્વએ ધરતીકંપ જેવી વિનાશક અને દુઃખદ હોનારતને આપણા પાપોની દૈવી સજા તરીકે ગણાવી ત્યારે તેમને ખુબ જ આઘાત લાગેલો. તેઓના મતે ગાંધીજી દ્વારા કુદરતી આપદાને માનવીય વર્તણુક સાથે જોડવું અર્થહીન અને દુઃખદ હતું અને આ વાત સમજાવવા તેઓએ કેટલીક દલીલોને રેટોરિક પ્રશ્નો સ્વરૂપે મૂકી. નહેરુએ લખ્યું, " જો ધરતીકંપ કોઈ પાપ માટે દૈવી સજા હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણને કયા પાપની સજા મળી? કારણકે આપણે તો ઘણા બધા પાપ કરતા હોઈએ છીએ. એ રીતે તો દરેક વ્યક્તિ દ્વારા પોતાનું મનગમતું અર્થઘટન થઇ શકે. આપણે કદાચ વિદેશી સાશન સામે ઝૂકી ગયા તેની સજા હોઈ શકે, કે પછી આપણી અન્યાયી સમાજવ્યવસ્થાની સજા હોઈ શકે. ધરતીકંપમાં સૌથી વધુ નુકશાન વિશાળ જમીન-જાગીરના માલિક એવા દરભંગાના મહારાજને થયું છે. તો કદાચ આપણે એવું પણ કહી શકીએ કે ધરતીકંપ એ જમીનદારી પ્રથાની વિરુદ્ધ દૈવી ચુકાદો હશે. અરે, એ રીતે તો બ્રિટિશ સરકાર આ હોનારતને આપણા અસહકાર આંદોલન માટેની દૈવી સજા પણ ગણાવી શકે. કારણ કે આમ પણ ધરતીકંપથી સૌથી વધુ નુકશાન ઉત્તર બિહારમાં થયું છે જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અગ્રેસર છે." 

અહીં એ ખાસ નોંધવું જોઈએ કે નહેરુ પોતે પણ અસ્પૃશ્યતા નિવારણ માટે સક્રિય હતા અને ગાંધીજીની સામાજિક ઉત્થાનની ચળવળના તેઓ એક મુખ્ય સિપાહી અને ગાંધીજીના સૌથી નજીકના સાથી પણ હતા. એવા સમયે નહેરુ દ્વારા ગાંધીજીના સ્ટેટમેન્ટની જાહેર આલોચના એ દર્શાવે છે કે આપણી આઝાદીની લડત દરમિયાન એ સમયના લીડર્સમાં સ્વતંત્ર વિચારધારા અને વૈચારિક મતભેદોને પૂરતું સ્થાન હતું અને ટીમ મેમ્બર્સ આવા મતભેદોને સન્માન આપતા.  

નહેરુ સિવાય બીજા પણ એક મહાન, પ્રતિભાશાળી વ્યક્તિત્વએ ગાંધીજીની આ સ્ટેટમેન્ટ માટે જાહેરમાં ટીકા કરી. આ વ્યક્તિત્વ એટલે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર. ગુરુદેવ પણ ગાંધીજીના પ્રસંશક હતા. અલબત્ત, ગાંધીજીને 'મહાત્મા'નું બિરુદ પણ ગુરુદેવે જ આપ્યું હતું. તેઓએ અગાઉ ગાંધીજીની અસ્પૃશ્યતા ચળવળને ઘણી વખત સમર્થન આપેલું અને એ ચળવળ વિશે તેઓ નિયમિત રીતે લેખો પણ લખતા રહેતા. તેમ છતાં જ્યારે તેઓને ગાંધીજીના ધરતીકંપ વિશેના સ્ટેટમેન્ટની જાણ થઇ તો તેઓ લગભગ નેહરુની જેમ જ પ્રતિક્રિયા આપી. રવીન્દ્રનાથ ટાગોર પણ એક રેશનલ થીન્કર અને વિજ્ઞાનના પ્રવર્તક હતા.

એટલે સ્વાભાવિક રીતે જ તેઓએ ગાંધીજીના આ સ્ટેટમેન્ટને અતાર્કિક કહી ફગાવી દીધું. તેઓ ભૌતિક ઘટનાઓને નૈતિકતા સાથે નહોતા જોડતા. જો કે તેઓએ જાહેરમાં સ્ટેટમેન્ટ આપવાને બદલે સીધું ગાંધીજીને જ પત્ર લખી તેમાં ગાંધીજીના સ્ટેટમેન્ટ પ્રત્યે તેમની અસહમતી અને નિરાશા વ્યક્ત કરી દીધી. વળી, એટલે થી ન અટકતા તેઓએ 'દ બિહાર અર્થકવેક' એવા શીર્ષક તળે વિગતવાર લેખનો ડ્રાફ્ટ તૈયાર કર્યો જેમાં તેઓએ ગાંધીજીના સ્ટેટમેન્ટને તર્કહીન, અવૈજ્ઞાનિક અને નિરાશાજનક ગણાવ્યું. હજુ આગળ વધીને તેઓએ આવી કુદરતી હોનારતો માટે રેશનલ, તર્કસંગત દ્રષ્ટિકોણ કેવો હોઈ શકે તે પણ વિગતે લખ્યું. ટાગોરને વધારે દુઃખ એ વાતનું હતું કે આવો અવૈજ્ઞાનિક અને અતાર્કિક સ્ટેટમેન્ટ ગાંધીજી જેવા મહાન વ્યક્તિત્વ દ્વારા અપાયું. તેમનું કહેવું હતું કે ગાંધીજીની અપાર લોકપ્રિયતા અને તેમનો પ્રભાવ આવા અવૈજ્ઞાનિક વિચારોને ખુબ ઝડપથી વિશાળ જન-સમુદાયમાં ફેલાવી શકે અને સમાજને ગેરમાર્ગે દોરી શકે જે દેશ માટે લાંબા ગાળે નુકશાનકારક સાબિત થાય. ગાંધીજીની પ્રતિષ્ઠા અને સમ્માનને ધ્યાનમાં રાખીને ગુરુદેવે લેખમાં આગળ લખ્યું કે આપણે સૌ મહાત્મા ગાંધીના ઋણી છીએ કે તેઓએ આપણને દેશવાસીઓને આપણા મનના ભય અને નબળાઈઓથી મુક્ત થવા અદભુત પ્રેરણા આપી. પરંતુ આવા, ભય-મુક્ત થયેલા મનને જ્યારે એ જ ગાંધીજી જેવી વીચક્ષણ પ્રતિભાના મુખેથી અવૈજ્ઞાનિક કે અતાર્કિક વાતો સાંભળવા મળે ત્યારે અતિશય દુઃખ થાય એ સ્વાભાવિક છે. કારણકે આવા અવૈજ્ઞાનિક કુતર્ક અને અંધશ્રદ્ધા જ આપણને આઝાદી અને આત્મસમ્માનનીથી વિપરીત દિશામાં લઇ જતા મુખ્ય પરિબળો છે. આ તૈયાર કરેલો ડ્રાફ્ટ ગુરુદેવે ગાંધીજીને જ મોકલી આપ્યો અને ગાંધીજી દ્વારા પ્રકાશિત થતી 'હરિજન' જર્નલમાં પ્રકાશિત કરવા વિનંતી કરી. 

ગાંધીજી તો ગાંધીજી હતા. તેઓએ એ પોતાની જ ખુલ્લે આમ ટીકા કરતો લેખ પોતાની જ જર્નલમાં છાપ્યો. પરંતુ લેખ સાથે તેમણે પોતાનો પક્ષ રાખતું રિજોઇન્ડર પણ છાપ્યું. તેમણે લખ્યું કે તેઓ કુદરતી ઘટનાઓને માનવીય વર્તણુંકથી અલગ તારવીને નથી જોઈ શકતા. તેઓના મતે ભલે આ કુદરતી ઘટનાઓની કાર્યપ્રણાલી ભૌતિક હોય પરંતુ એ વેશેનું વિજ્ઞાન હજુ માનવજાત પૂરેપૂરું જાણતી નથી. અને તેમને પુરી શ્રદ્ધા છે કે એ કાર્યપ્રણાલી કોઈ ને કોઈ રીતે નૈતિક મૂલ્યો ઉપર આધાર રાખતી હશે. ટાગોરે ત્યાર બાદ એ દલીલોનો જવાબ આપવાનું ટાળ્યું અને આ ચર્ચા અહીં અટકી. પરંતુ આ ઘટના આપણા માટે ઘણા વિચાર-વમળો મૂકી જાય છે. ઘણા મુદ્દાઓ, ઘણા પ્રશ્નો છોડી જાય છે. ખેર, આપણે બધા મુદ્દાઓ વિશે તો વાત નથી કરવી અને એ માટે અહીં સ્કોપ પણ નથી પરંતુ આપણે અહીં વિજ્ઞાન-વિહાર કરીએ છીએ તો માત્ર વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ ઉપર ફોકસ કરીએ. 

આ ઘટના અને ચર્ચા 1930ના દશકમાં બની. એ સમયે ભારતની બહુમતી પ્રજા ગરીબ હતી અને અનેક સામાજિક કુપ્રથાઓથી ઘેરાયેલી હતી. દેશનો સાક્ષરતા દર અત્યારે છે તેના કરતા ત્રીજા ભાગનો પણ ન હતો. તેમ છતાં આપણા લીડર્સ નાગરિકોમાં રેશનલ વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે આટલા તત્પર રહેતા અને બહુમતી પ્રજામાં વૈજ્ઞાનિક અભિગમને નુકશાન કરે તેવા એક નાના સ્ટેટમેન્ટ માટે પણ પોતાના સૌથી વહાલા અને ખુબ લોકપ્રિય નેતાની વિરુદ્ધ પણ લખતા કે બોલતા અચકાતા નહિ. આજે લગભગ સો વર્ષો પછી આપણે ક્યાં છીએ અને કઈ દિશામાં આગળ વધી રહયા છીએ તેનું આત્મનિરીક્ષણ આપણે સૌએ જાતે કરવાનું છે. 

જો બાકીની દુનિયા સાથે તાલ મિલાવીને ચાલવું હોય તો આપણે પ્રજા તરીકે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જ પડશે. અને આપણી પાસે તો પ્રેરણા લેવા માટે આપણો ઇતિહાસ અને આપણા ભૂતકાળના કેટલાક લીડર્સ છે જ. ઈન ફેક્ટ, વૈજ્ઞાનિક અભિગમ એટલે કે સાયન્ટિફિક ટેમ્પરને વિશ્વમાં સૌથી વધુ અસરકારક રીતે વ્યાખ્યાયિત જ નેહરુએ કર્યો છે. 1942 થી 1945 દરમિયાન જ્યારે નહેરુ એહમદનગર ફોર્ટની જેલમાં હતા ત્યારે તેઓએ લખેલી તેમની પ્રખ્યાત પુસ્તક 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા'માં તેઓ સાયન્ટિફિક ટેમ્પર શું છે તે વિશે વિગતે સમજાવે છે અને મને તે સાયન્ટિફિક ટેમ્પરની મેં વાંચેલી સૌથી પરફેક્ટ વ્યાખ્યા લાગે છે. નહેરુ લખે છે, "આજે દુનિયાના દરેક દેશ અને લોકો માટે વિજ્ઞાનનો (વિજ્ઞાનની શોધોનો) ઉપયોગ તો આવશ્યક અને અનિવાર્ય છે જ. પરંતુ તેનાથી પણ વિશેષ જરૂરી છે વૈજ્ઞાનિક અભિગમ, વિજ્ઞાન આધારિત સાહસિક છતાં ક્રિટીકલ વલણ, નવા જ્ઞાન અને સત્યની ખોજ, કસોટીના એરણે ચઢાવ્યા વગર કોઈ પણ વાત ન સ્વીકારવાની વૃત્તિ, નવા પુરાવાઓને આધારે જૂના તારણોને બદલવાની ક્ષમતા, ધારી લીધેલી થિયરી નહિ પણ અવલોકનોથી તારવેલા તથ્યો પર આધાર, શિસ્તબદ્ધ કેળવાયેલા વિચારો - આ બધું જ જરૂરી છે. માત્ર વૈજ્ઞાનિક પ્રયોગો માટે જ નહિ પરંતુ સમગ્ર જીવન અને જીવનના દરેક પ્રશ્નોના ઉકેલ માટે પણ. અરે ખુદ વિજ્ઞાનીઓ કે જેઓ વિજ્ઞાનના માર્ગે ચાલવા પ્રતિબદ્ધ છે તેઓ પણ પોતાના વ્યવસાયિક કાર્યક્ષેત્રની બહાર આ વાતો ભૂલી જાય છે. વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક સ્વભાવ ખરેખર તો એક જીવનશૈલી, વિચારધારા, આપણા સાથી-મિત્રો અને સહયોગીઓ સાથેની આપણી વર્તણૂકના માપદંડ છે અને હોવા જ જોઈએ." મને પર્સનલી એવું લાગે છે કે એક સમાજ તરીકે તંદુરસ્ત પ્રગતિ કરવા માટે આપણે લગભગ જે કંઈ કરવાની જરૂર છે તે બધું જ આ એક ફકરામાં આવરી લેવામાં આવ્યું છે. અને માત્ર પોતાની પુસ્તકમાં જ નહિ, નેહરુએ વૈજ્ઞાનિક અભિગમનું દસ્તાવેજીકરણ આપણા બંધારણમાં પણ કરાવ્યું છે. ભારત કદાચ વિશ્વનો એક માત્ર દેશ હશે કે જેનું સત્તાવાર બંધારણ તેના નાગરિકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જીવવાની ફરજ સૂચવે છે. મને આશા છે કે આપણી આવતી પેઢી ચોક્કસ જીવનને વિજ્ઞાનના ચશ્મામાંથી જોશે અને એ માટે દેશના દરેક શિક્ષક, સ્કૂલ, યુનિવર્સીટી, વિચારક, લેખક અને તમામ ઇન્ફ્લુએન્શરે વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર-પ્રસાર જોર શોરથી કરવો જોઈએ.  विज्ञानं सारथि नः स्यात्દરેક ભારતીયનો જીવન મંત્ર હોવો જોઈએ. આ એક રસ્તો છે જેના દ્વારા આપણે એક મજબૂત, સુખી, અને સલામત સમાજની રચના માટે પાયો નાખી શકીશું.  

- વિપુલ ખેરાજ