
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. સાબરકાંઠા,અરવલ્લી અને સુરતમાં અકસ્માતની અલગ અલગ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા બે લોકોના મોત થયા હતા જ્યારે અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવારનું મોત થયું હતું.
પ્રાંતિજમાં ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા બે લોકોના મોત
દિલ્હી-મુંબઇને જોડતા નેશનલ હાઇવે રોડ પર સાબરકાંઠાના પ્રાંતિજ નજીક અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલા ડમ્પર ચાલકે બાઇક પર સવાર બે લોકોને અડફેટે લેતા મોત થયા હતા. બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે મોત થતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બેફામ રીતે દોડતા ડમ્પર ચાલકો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ડમ્પર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ઘટનાસ્થળેથી પલાયન થતા બાજુના કુવામાં પડ્યો હતો. તે બાદ ડમ્પર ચાલક કુવામાં પડતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત
અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે 48 પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોડી રાત્રે કામરેજના વાવ ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લીધી હતી. ગંભીર ઇજાઓના કારણે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતા જ સુરત જિલ્લા NHAI અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અરવલ્લીમાં ટેમ્પોએ મહિલા પોલીસ કર્મીને અડફેટે લીધી
અરવલ્લી જિલ્લામાં બાયડના જીતપુર ચોકડી પાસે ટેમ્પો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી. એક્ટિવા ચાલક આંબલિયારાની મહિલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થઇ હતી. એક્ટિવાને ટક્કર માર્યા બાદ ટેમ્પો બાજુના ખાડામાં ખાબક્યો હતો. આ ઘટનામાં 407 ટેમ્પોમાં સવાર 2 સહિત 3 લોકોને ગંભીર ઇજા થઇ હતી.