નાગાલેન્ડ અને મણિપુરથી બોગસ લાઇસન્સ વડે હથિયાર મેળવવાના કૌભાંડમાં ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગજાનંદ ગનહાઉસના માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગજાનંદ ગનહાઉસના માલિકની પૂછપરછ દરમિયાન નાગાલેન્ડના લાઇસન્સ પર 51 હથિયાર વેંચ્યા હોવાનો ખુલાસો થયો છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગજાનંદ ગનહાઉસમાં તપાસ કરતા 16 હથિયાર કબ્જે લેવામાં આવ્યા હતા. આ હથિયાર અમદાવાદ, જામનગર,રાજકોટ અને આણંદ જેવા શહેરોના અનેક લોકોના હતા.નાગાલેન્ડના ડમી એડ્રેસ પર હથિયારોના લાઇસન્સનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 26 લાખથી વધુનું ટ્રાન્જેક્શન ગજાનંદ ગનહાઉસમાંથી મળી આવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત ATS દ્વારા વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોની પૂછપરછમાં મુકેશ બામ્ભા હરિયાણાના નૂંહમાં બંદુકની દુકાન ધરાવતા સોકત અલી, ફારૂક અલી, સોહિમ તથા આસીફને ઘણી મોટી રકમ આપી મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાઇસન્સ પોતાના નામે બનાવડાવી હથિયારો ખરીદતો હતો. આ બાતમીના આધારે ગુજરાત ATSની ટીમ સોકત અલીની તપાસમાં લાગી હતી.ગુજરાત ATSની ટીમે સોકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરી હતી. સોકત અલી પાસે ગન વેચવાનું લાઇસન્સ છે અને તેની ગન વધારે વેચાય તે માટે તે ઉત્તર પૂર્વના દીમાપુર, ઇમ્ફાલ,મણિપુરમાં લોકોના સંપર્કમાં હતો, તેના આધારે ગુજરાતમાંથી જે ગ્રાહકો આવતા હતા તેમને બોગસ લાઇસન્સ અપાવવાનું કામ કરતો હતો.