
ગુજરાતમાં નકલી વ્યાવસાયિક ઝડપાવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. આજે જ આણંદના તારાપુરમાંથી નકલી ડોક્ટર ઝડપાયો હતો એવામાં સુરતની સરથાણા પોલીસે નકલી વિજિલન્સના PSIને ઝડપી પાડ્યો છે. સરથાણા પોલીસે બે લોકોને નશાની હાલતમાં લાવી હતી તેને છોડાવવા પીએસઆઇ બનીને આવેલો યુવક ભેરવાયો હતો.
ઓળખકાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો
યુવક પોતે વિજિલન્સનો PSI અને તેનું નામ રોનક કોઠારી જણાવતો હતો. તેમજ તેણે ગાંધીનગર વિજિલન્સમાં PSI તરીકે પી.આઈ રાણાની સ્કવોડમાં હોવાનું જણાવ્યું હતું. સરથાણા પી.આઈએ ઓળખકાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી યુવક શંકાસ્પદ લગતા તેમની પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.
મોબાઇલની તપાસ કરતા પોલીસની વર્દી પહેરેલા ફોટા મળી આવ્યા
સરથાણા પોલીસે યુવકના મોબાઇલની તપાસ કરતા તેમાં પોલીસની વર્દી પહેરેલા ફોટા મળી આવ્યા હતા. જેથી તેની અટક કરી આ ઈસમે લોકોને હેરાન પરેશાન કરી કોઈ આર્થિક લાભ મેળવેલ છે કે કેમ તે બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ નકલી PSI બની આવેલા યુવકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.