Home / Gujarat / Surat : AAP-Congress' unique 'opposition alliance', forgetting election vendetta

Surat News: AAP-કોંગ્રેસનું અનોખું 'વિરોધ ગઠબંધન', ચૂંટણીના વેર ભૂલી DGVCL મુદ્દે સાથે આવ્યા

Surat News: AAP-કોંગ્રેસનું અનોખું 'વિરોધ ગઠબંધન', ચૂંટણીના વેર ભૂલી DGVCL મુદ્દે સાથે આવ્યા

ગુજરાતના રાજકારણમાં હરીફ ગણાતી આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ આજે સુરતમાં DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં એકબીજા સાથે મળીને પ્રદર્શન કરશે. વિસાવદરની પેટાચૂંટણીમાં એકબીજા સામે ગંભીર આક્ષેપો કરનાર આ બંને પક્ષોનું ચૂંટણી લડવામાં નહીં, પરંતુ વિરોધ કરવા માટે થયેલું આ ગઠબંધન સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચૂંટણીમાં હરીફ, વિરોધમાં સાથી - AAP-કોંગ્રેસનું અનોખું જોડાણ

તાજેતરમાં જ ગુજરાતની વિસાવદર પેટાચૂંટણીમાં AAP અને કોંગ્રેસે એકબીજા પર ભાજપ સાથે ભળી જવાનો આક્ષેપ કર્યો હતો. AAP એ તો સ્ટીંગ ઓપરેશન કરીને કોંગ્રેસ-ભાજપ AAPને હરાવવા એક થયા હોવાનો દાવો કર્યો હતો, જ્યારે કોંગ્રેસે AAP સામે બદનક્ષીની નોટિસ પણ ફટકારી હતી. આટલી રાજકીય કડવાશ અને આક્ષેપબાજી વચ્ચે, આ બંને પક્ષો આજે સુરતના કાપોદ્રા ખાતે આવેલી DGVCLની કચેરી સામે સંયુક્ત વિરોધ પ્રદર્શન કરશે.

આમંત્રણમાં સહયોગ છતાં અલગતા?

આ વિરોધ પ્રદર્શન માટે બંને પક્ષો દ્વારા આમંત્રણના અલગ-અલગ મેસેજ અને યાદીઓ જાહેર કરવામાં આવી છે, જે પણ ચર્ચાનો વિષય બની છે. AAP દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કોંગ્રેસ અને AAP બંનેના નેતાઓના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે DGVCL પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને વિદ્યુત સહાયક તરીકે નિમણૂક આપવામાં થયેલી કથિત ગેરરીતિના વિરોધમાં અને તેમના ન્યાય માટે તેમજ સ્માર્ટ મીટરના વિરોધમાં ધારાસભ્યો ચૈતર વસાવા (AAP) અને અનંત પટેલ (કોંગ્રેસ) સુરત આવશે.

પક્ષના નામનો ઉલ્લેખ

બીજી તરફ, કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં માત્ર પોતાના પક્ષના નામનો ઉલ્લેખ છે અને વાંસદાના આદિવાસી સમાજના નેતા અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લા બોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. કોંગ્રેસની યાદીમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના નામનો ઉલ્લેખ નથી. જોકે, બંને પક્ષોની યાદીમાં વિરોધ પ્રદર્શન માટેનો સમય સવારે 10:30 વાગ્યાનો અને સ્થળ DGVCL કચેરી, ઉર્જા સદન, કાપોદ્રા, સુરત એક જ દર્શાવવામાં આવ્યું છે.આમ, ચૂંટણીના મેદાનમાં કટ્ટર વિરોધીઓ બનેલા AAP અને કોંગ્રેસ, સામાન્ય જનતાના મુદ્દે એક મંચ પર આવ્યા છે. આ ઘટના સુરતના રાજકારણમાં એક નવો આયામ ઉમેરી રહી છે કે શું આ સહયોગ માત્ર એક મુદ્દા પૂરતો સીમિત રહેશે કે ભવિષ્યમાં પણ આવા 'વિરોધ ગઠબંધન' જોવા મળશે.

Related News

Icon