
રાજ્યમાં લાંબા સમય સુધી વરસાદી માહોલ રહ્યા બાદ આજ રોજ મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડતાં આગામી ત્રણ દિવસ વરસાદનું જોર ઘટશે, ત્રણ દિવસ બાદ વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી માહોલ વચ્ચે આજે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. જેમાં આગામી 3 દિવસ બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. હાલમાં ગુજરાતને 2 સિસ્ટમ અસર કરશે, જેથી છૂટા છવાયા સ્થળ પર હળવા વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સિસ્ટમ નબળી પડતાં આગામી 3 દિવસ વરસાદનું જોર ઘટશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વધુ વરસાદ ખાબક્યો છે.