
પ્રેસ ક્લબ ઑફ ઈન્ડિયાએ ગુજરાત સમાચાર અને GSTV પર ED-IT ના દરોડા અને બાહુબલી શાહની ધરપકડ મામલે ઘેરી ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, આ ઘટના ભારતમાં પ્રેસ ફ્રીડમ, લોકતાંત્રિય મૂલ્યો અને અભિવ્યક્તિ સ્વાતંત્ર પર પ્રહાર છે.
ગુજરાત સમાચાર લોકોની વેદનાને વાચા આપવાની વર્ષોની પરંપરા ધરાવે છે. આ ઘટનાએ ફરી એકવાર ED તેમજ અન્ય સરકારી મશીનરીઓનો દુરુપયોગ મીડિયાનો અવાજ રૂંધવા માટે થતો હોવાના ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ED સહિતની એજન્સીઓ દ્વારા મીડિયા પર વારંવાર થતા પ્રહારો લોકશાહી તેમજ બંધારણના પાયાના સિદ્ધાંતોનું હનન કરે છે. અમે આ સમગ્ર મામલે લાગેલા આક્ષેપો અંગે એજન્સીઓ સંપૂર્ણ પારદર્શિતા દાખવે તેમજ ભેદભાવપૂર્ણ વર્તન ન કરે તેવી માંગ કરીએ છીએ.
એન્જસીઓ દ્વારા લોકોના અવાજ બનતા મીડિયા તેમજ મીડિયાકર્મીઓના શિકારની આ દુર્ઘટનાપૂર્ણ આ શૃંખલા હવે અટકાવી જોઈએ. દેશમાં લોકશાહી જીવંત રાખવા સ્વતંત્ર મીડિયાનું રક્ષણ કરવા સરકારને અપીલ છે. જ્યાં સુધી આધારભૂત પુરાવાઓ ન મળે ત્યાં સુધી ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહને મુક્ત કરવા અને સમગ્ર મામલો પારદર્શિતા સાથે ચલાવવાની અમે માંગ કરીએ છીએ.