
Gujarat Weather News: સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્ઘારા આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે.દાસે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક બાદથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. 24 કલાક બાદ રાજયમાં વરસાદી માહોલ જામશે. હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 12-13 જુલાઈના રોજ નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
14-15 જુલાઈની આગાહી
14-15 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત 11થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે 16-17 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
આજે 61 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (11 જુલાઈ) સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના દેડીયાપાડા, પંચમહાલના જાંબુઘોડા, રાજકોટના જામકંડોરાણા, ઉપલેટા, જામનગરના ધ્રોલ, કચ્છના મુંદ્રા સહિત 60 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.