
દાહોદમાં દારૂ ભરેલી ગાડીએ ભયંકર અકસ્માત સર્જ્યો હતો. દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બીજો વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગાડી ચાલકને લોકો દ્વારા પોલીસ હસ્તગત કરવામાં આવ્યો હતો.
દાહોદના અભલોડ ચોકડી પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલી અર્ટિગા ગાડીએ બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે તેમ દૂર સુધી બાઇક ઢસડાઈ હતી. આ અકસ્માતમાં બાવકા ગામના ધવલ નીતિશ રાઠોડ નામના શખ્સનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર બીજી વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મૃતકનો મૃતદેહ અને ઘાયલ વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગાડી ચાલકને ગ્રામજનો દ્વારા પોલીસને હસ્તગત કરાયો હતો. અકસ્માતની ગંભીર ઘટનાને પગલે પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.