
આજકાલ સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યાં છે. સાયબર ગુનેગારો છેતરપિંડી કરવાના અવનવા રસ્તાઓ શોધતા રહે છે. હવે આવા લોકો ફેસબુક દ્વારા લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે સામાન્ય માણસથી લઈને મોટા અધિકારીઓ અને નેતાને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે. આ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, 'કોઈ અજાણી વ્યક્તિએ મારા ફેક એકાઉન્ટ દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.'
નકલી ફેસબુક પ્રોફાઈલ પરથી કોઈએ સંપર્ક સાધવો નહીં
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક આ અંગે માહિતી આપતા લખ્યું કે, 'મારા નામથી ગતરાત્રે 11:30 કલાકે કોઈએ ફેસબુક પ્રોફાઈલ બનાવી હોવાનું મારા ધ્યાને આવ્યું છે. કોઈ અજાણી વ્યક્તિએ મારા નકલી એકાઉન્ટ દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે મે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈ પણ સંદેશા અથવા માગણીઓ પર વિશ્વાસ ન કરશો. આ ફેક ફેસબુક પ્રોફાઈલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહીં.'
વધુમાં તેમણે લખ્યું કે, 'હું તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આવા ખોટા એકાઉન્ટ સામે સાવચેત રહે અને કોઈ પણ વ્યક્તિના પ્રલોભનમાં ન આવે. જો તમે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અનુભવ કરો, તો તુરંત જ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં જાણ કરો.'