
દેશ-દુનિયામાં કોરોનાના વધતા કેસને લઈને લોકોની ચિંતામાં વધારો થયો છે. આ દરમિયાન એક ચોંકાવનારી માહિતી અમદાવાદ માંથી સામે આવી છે. જેમાં અમદાવાદમાં એક દિવસના નવજાતને કોવિડ પોઝિટિવ આવ્યો છે. જોકે, બાળકની માતાનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, બાળક જન્મ્યુ ત્યારે માતા કોવિડ પોઝિટિવ હતી પરંતુ બાળકના જન્મ બાદ માતાનો ફરી રિપોર્ટ કરતા માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ, બાળકનું વજન ઓછું હોવાના કારણે તેને NICUમાં રાખવામાં આવ્યું છે.
સોલા સિવિલમાં 2 કોરોનાના દર્દી લઈ રહ્યા છે સારવાર
હાલ, અમદાવાદના સોલા સિવિલમાં 2 કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર થઈ રહી છે. જેમાંથી એક નવજાત બાળક છે અને અન્ય એક 23 વર્ષની મહિલા છે. હાલ, બાળક અને મહિલા બંનેને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
8 મહિનાની બાળકીને થયો કોરોના
નોંધનીય છે કે, અસરવા સિવિલ હોસ્પિટલમાં પણ એક 8 મહિનાની બાળકી કોવિડ પોઝિટિવ આવી છે. અનેક તકલીફોના કારણે બાળકીને હાલ ઓક્સિજન પર રાખવામાં આવી છે. અસરવા સિવિલમાં 8 મહિનાની બાળકી સિવાય અન્ય બે દર્દી પર કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને 223 થઈ ગયો છે. આમ, છેલ્લા 3 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં બમણા જેટલો વધારો થયો છે. રાહતની વાત એ છે કે, 223 પૈકી માત્ર 11 દર્દી જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. આ સિવાય અન્ય દર્દીઓ ઘરે જ સારવાર લઇ રહ્યા છે.