
અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફ્લેટમાંથી એજન્સીઓએ 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાના અહેવાલ છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
100 કિલો સોનું અને 60 લાખની રોકડ ઝડપાઈ
પાલડીમાં શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં બપોરે અઢી વાગ્યે 25 જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ફ્લેટની માલિકી મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓની હોવાનું ખૂલ્યું છે. તેઓ પિતા-પુત્રનો સંબંધ ધરાવે છે. આ તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન અને સોનાનું વજન કરવા ઈલેક્ટ્રિક વજન કાંટા પણ મંગાવવામાં આવ્યા છે.
શેરના ભાવમાં ગેરકાયદે રીતે ઉછાળો લાવી કૌભાંડ
મળતી માહિતી પ્રમાણે, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી હતી.
હવાલા વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતા
એજન્સીઓને માહિતી મળી હતી કે, આ ફ્લેટમાં અંદાજિત 100થી 400 કિલો સોનું છુપાવ્યું છે. ત્યારબાદ અહીં ATS અને DRIએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અંદાજિત 100 કિલો સોનું, અન્ય ઘરેણાં અને અંદાજિત રૂ. 70 લાખથી વધુ રોકડ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટનામાં હવાલા વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતા છે. આ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.