ગુજરાતમાં આજે વિવિધ શહેરોમાં અકસ્માતની ઘટનાઓ સર્જાઈ હતી. અમદાવાદ, દ્વારકા હાઈવે, ધંધુકા હાઈવે, નવસારીમાં અકસ્માત સર્જાયા હતા. વિવિધ અકસ્માતોમાં કુલ 3ના મોત નિપજ્યા હતા અને 7થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ઼ રનની અને અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દુર્ઘટનામાં સંખ્યાબંધ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ધંધુકા-રાણપુર રોડ પર બે કાર વચ્ચે ટક્કર
ધંધુકા -રાણપુર રોડ પર કિશાન જીમ પાસે બે કારની સામ સામે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું, 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટનામાં બન્ને કારને ઘણું નુકસાન પણ સર્જાયું હતું. પ્રાથમિક અહેવાલ અનુસાર બન્ને કાર ઓવરસ્પીડમાં હતી.
પેલેડિયમ મોલ પાસે બે અકસ્માત
અમદાવાદના પેલેડિયમ મોલ બ્રિજ નજીક બે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં એક કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ લોકોનું ટોળું ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયું હતું. અકસ્માત જોવા ઊભેલા ટોળામાં એક્ટિવા ઘૂસ્યું હતું. આ દુર્ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ટેન્કર ચાલકે બાઈક સવારને કચડી નાખ્યો
દ્વારકા-પોરબંદર હાઈવે પર ટેન્કર ચાલકે બાઈક સવારને કચડી નાખ્યો હતો. આ ભયાવહ અકસ્માતના CCTV સામે આવ્યા હતા. દુર્ઘટનામાં બાઈક સવાર શખ્સનું દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. મૃતકની ઓળખ ધીરજ મેસવાણિયા તરીકે થઈ હતી. બાઈક સવાર આધેડ ભાણ ખોખરી ગામનો રહેવાસી હતા.
નવસારીમાં બાઈક સવાર પિતા-પુત્રને અજાણ્યા વાહને મારી ટક્કર
નવસારી પર્થાણ ઓવરબ્રીજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાહન ચાલકે બાઈક પર જઈ રહેલા પિતા-પુત્રને અડફેટે લીધા હતી. આ દુર્ઘટનામાં બાઈક સવાર આધેડનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.જ્યારે તેના પુત્રને ઈજાઓ પહોંચી હતી. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.