
જે સામાન્ય ઘર્ષણ ઠંડીની ઋતુમાં થોડીક જ ક્ષણોમાં પુરુ થઇ જાય છે તે ઉનાળામાં રોદ્ર સ્વરૂપ લેતું જોવા મળે છે. ગરમીના પારા સાથે પરિવારના સભ્યોના મનનો પારો પણ છટકતાં તે આક્રોશ કે ક્રોધની સીધી અસર ઘરેલું ઝગડાના કેસીસના વધારા પર થાય છે. JAMA સાઇકિયાટ્રિક સ્ટડી દ્વારા પ્રસ્તુત ડેટામાં જણાવવામાં આવ્યું છે કે એક ડિગ્રી ટેમ્પરેચર વધતાં સાથે 7.3 ટકા શારિરીક હિંસાના કેસમાં સીધો વધારો જોવા મળે છે.
10 વર્ષમાં ઉનાળામાં ઘરેલું હિંસાના 6.64 લાખથી વધારે કોલ્સ નોંધાયા
2024-2025ના 181ની અભયમ ટીમના ખાસ ઉનાળાના ડેટા અનુસાર બે વર્ષમાં 22188 પ્રતિ ઉનાળામાં નોંધાયા છે જે સામાન્ય સિઝન કરતાં 44 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લા 10 વર્ષના ઉનાળાના સમયમાં ગણવામાં આવેલા ઘરેલું હિંસાના કૂલ કોલ્સ 6,64,560 છે જે દર્શાવે છે કે દર ઉનાળામાં દરેક વ્યક્તિની માનસિક ક્ષમતા ઠંડા વાતાવરણ કરતાં ગરમ વાતાવરણમાં વધારે ઉદ્ધત અને ઉદ્દિગ્ન થઇ જાય છે. જોકે, 2021 પછી સતત ગરમીનો પારો વધતા અમદાવાદમાં ડોમેસ્ટિક વાયોલન્સને લગતાં કોલ્સમાં ખાસ કરીને ઘરની સામાન્ય જવાબદારીઓને લગતાં ઝગડા, નાના પ્રસંગોમાં નાની નાની બાબતોમાં તણાવ, એ.સીમાંથી બહાર જઇને કામ કરવાને કારણે માનસિક પરિતાપમાં વધારો અને શરીરમાં બી.પી.ની વધઘટ ઘરેલું હિંસામાં વધારો કરી દે છે.
નાની નાની બાબતોમાં ઝગડા વધ્યા
મોટાભાગના કોલ્સમાં ઝગડાના વિષયો સાવ સામાન્ય બાબતોના જોવા મળે છે. જેમ કે શાકમાં મીઠું વધારે પડી ગયું, ઊભા થઇને કામ કરવાની ના પાડી હોવાથી ઝગડો થઇ ગયો, છૂટા પૈસા નહીં હોવાથી થતી રકઝક, નાના માણસોને રિપેરિંગ કામમાં મોડા આવવાને કારણે થતી રકઝક સમયસર ના આવવાને કારણે થતી બોસ સાથેની રકઝક, રિઝલ્ટ ઓછું આવવાને કારણે થતાં ઝગડા. મનોચિકિત્સકોના મતે ઉનાળાની ઋતુમાં કેટલાંક પારિવારિક મહત્ત્વના નિર્ણયો સાથે સંકળાયેલી ઘટનાઓ પણ જોડાયેલી છે.