
અમદાવાદ જિલ્લામાં વૃદ્ધાની લાકડીના ફટકા મારી હત્યાના સમાચાર સામે આવતા ચકચારી મચી જવા પામી છે. મોડી રાત્રે ચોરી કરવાના ઈરાદે આવેલા એક શખ્સે વૃદ્ધાની લાકડીના ફટકા મારી હત્યા કરી હતી. ચલોડા ગામની સીમમાં આવેલ 360 ફાર્મના આ બનાવે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે.
અમદાવાદ જિલ્લામાં ધોળકાના ચલોડા ગામે ચોરી કરવા આવેલા શખ્સે ઘરની બહાર સુતેલા 75 વર્ષીય તખીબેન રાવજીભાઈ ઠાકોર નામના વૃદ્ધા અવાજ આવતા જાગી ગયા હતા. તેમણે બુમા બુમ કરી હતી ત્યારે આરોપીએ લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને ત્યારબાદ ચોર એક મકાનની દિવાલ તોડી રહ્યો હતો ત્યારે મકાનમાં રહેતા લોકો જાગી જતા ચોરને ઝડપી પાડ્યો હતો અને પોલીસ હવાલે કર્યો હતો.
આ પણ વાંચો : ભરુચમાં નિવૃત કર્મચારીને ડિજિટલ અરેસ્ટ કરી ઠગોએ પડાવ્યા 30 લાખ
ઝડપાયેલ ચોર કાળુભાઈ ખોડાભાઈ ઠાકોર કોદાળીયાપુરાનો રહેવાસી છે. તેને પકડી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક વૃદ્ધાને પોસ્ટમોટર્મ માટે ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. ધોળકા તાલુકામાં ચોરીના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેમાં હવે ચોરો હત્યાઓ પણ કરી રહ્યા છે. અગાઉ પણ ધોળકા શહેરમાં સુરભી સોસાયટીમાં એક ચોરે યુવાનની હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.